Home About Books Stories Articles Gallery Contact
Short Fiction • 15 Min Read

દિવ્યકેના

Niyati Kapadia
દિવ્યકેના

દિવ્યકેના

એ લોકો અહીં રહેવા આવ્યા ત્યારે જ આસપાના બધા લોકો એમને નવાઈ ભરેલી નજરે જોઈ રહેલા, છેલ્લાં બે વરસથી ખાલી પડેલાં એ મકાનમાં જે જે રહેવા આવ્યું એ થોડાક સમયમાં જ એ ઘર છોડી ગયેલું. એ દરેક નજર જાણે આ લોકો અહીં કેટલું ટકશે એવું માપી રહી હતી.
‘અમે એક, અમારું એક’, એ સૂત્રને અપનાવેલા એ પરિવારમાં એક મમ્મી, એક પપ્પા અને એમની એક દીકરી કેના હતી. મધુ અને યશ બંને સસ્તામાં આટલી સરસ પ્રોપર્ટી મેળવી ખુશ હતા. આખો દિવસ જૂના ઘરેથી સમાન લાવવામાં નીકળી ગયો હતો, રાત પડતાં જ બધા થાકીને લોથ થઈ ગયેલા. બે બેડરૂમના ફ્લેટના એક ઓરડામાં કેના અને બીજામાં એના માબાપ સૂતા હતા. અડધી રાત પસાર થયા બાદ પણ કેનાની આંખોમાં ઊંઘનું નામોનિશાન નહતું. નવી જ્ગ્યાએ રહેવા આવતાં કેનાને એના માટે અલગ બેડરૂમ મળેલો અને એ આઝાદીનો ફાયદો ઉઠાવી કેનાએ ઊંઘવાને બદલે એનું ગમતું એક પુસ્તક વાંચવાની શરૂઆત કરી હતી અને સમય ક્યાં પસાર થઈ ગયો એ તરફ એનું ધ્યાન જ નહતું...
‘આ બૂક તો બોરિંગ છે.’ અચાનક કોઈનો અવાજ સંભળાયો. પહેલતો કેનાને થયું કે એનો ભ્રમ છે પણ, ના થોડીક જ વાર રહી એ અવાજ ફરીથી આવ્યો, ‘તારી પાસે હેરી પોટર નથી?’
આ વખતે કેના ગભરાઈ ગઈ, ‘કોણ છે તું અને ક્યાંથી બોલે છે? મને દેખાતી કેમ નથી?’
‘મને જોઈને તું વધારે ગભરાઈ જઈશ.’
‘તું જે કોઈ પણ હોય કહી દઉં છું આ મજાક બહુ ભારે પડશે. મારા પપ્પા પોલીસમાં છે.’
‘ઠીક છે તારે મને જોવી જ હોય તો જોઈ લે પછી કહેતી નહીં કે મેં તને ચેતવી નહતી.’
અચાનક કેનાની નજર સામે હવામાં અધ્ધર લટકતી એક છોકરી આવી ગઈ. એના શરીરમાંથી અને એણે પહેરેલાં સફેદ ફ્રોકમાંથી આછો આછો દૂધિયો પ્રકાશ રેલાઈ રહ્યો હતો. એનું મોઢું સફેદ હતું, દૂધ જેવુ સફેદ, લાલઘૂમ, કીકી વગરની આંખો અને અનેક જગ્યાએ ઘાવ પડેલો ચહેરો. એ ઘાવમાંથી લોહી ટપકી રહ્યું હતું. તાજું લોહી! એના વાંકળીયા વાળ ચારેબાજુ બાજુ ઊડી રહ્યા હતાં.
‘ઈ...મમ્મી....પપ્પા બચાઓ...’
‘મમ્મી... પપ્પા...ભૂત...’
ચીસાચીસ કરતી કેના ભાગીને એના મમ્મી પપ્પાના ઓરડામાં ભરાઈ ગઈ.
‘શું થયું? આટલી ચીસો કેમ પાડે છે?’
‘પપ્પા ત્યાં કોઈ છે, એક છોકરીનું ભૂ..ત!’ ખૂબ જ ગભરાઈ ગયેલી કેનાએ કહ્યું.
એની વાત સાંભળીને એના મમ્મી પપ્પા બંને હસી પડ્યા પછી એમની દીકરીને સમજાવતા યશે કહ્યું કે, ‘આ દુનિયામાં ભૂત, પ્રેત જેવુ કશું હોતું નથી. આખા દિવસનો થાક અને નવી જગ્યા છે એટલે તને ઊંઘમાં જ કોઈ સપનું આવ્યું હશે અને તું ડરીને જાગી ગઈ.’
કેનાને કહેવું હતું કે એ સપનું નહતું, પોતે જાગતી જ હતી, પુસ્તક વાંચી રહી હતી પણ પછી એ ચૂપ રહી. બાકીની રાત એ એની મમ્મીને વળગીને સૂઈ ગઈ.
બીજે દિવસે સવારે એ એના રૂમમાં ગઈ ત્યારે ત્યાં કોઈ નહતું. કેનાએ રાહતનો શ્વાસ લીધો અને તૈયાર થઈને સ્કૂલે જવા નીકળી ગઈ. એ જ દિવસે બપોરે કેના રૂમમાં બેસી એનું ગૃહકાર્ય કરી રહી હતી ત્યારે એની નજર સામેની દીવાલે લટકતાં અરીસા પર ગઈ હતી. ત્યાં એને પેલી રાતવાળી છોકરી દેખાઈ. આ વખતે કેના એને જોતાં જ ડરી ગઈ, હવે એને વિશ્વાસ થઈ ગયો કે રાત્રે જે જોયેલું એ પણ હકીકત જ હતી, કોઈ સપનું નહતું!
‘તું કોણ છે અને મને જ કેમ દેખાય છે?’ ડર લાગવાં છતાં કેનાએ હિંમત કરીને પૂછી લીધું.
‘તું મારાં ઘરમાં રહેવાં આવી છો અને પાછી મને જ સવાલ કરે છે.’ એ છોકરીએ સામે ગુસ્સો કરતાં કહ્યું.
‘તારું ઘર હશે ક્યારેક પણ હવે એ મારાં પપ્પાએ ખરીદ્યું છે, આ હવે મારું ઘર છે!’
એ છોકરી કોઈ જવાબ આપ્યા વગર ગાયબ થઈ ગઈ. અરિસામાં હવે કેના જ દેખાતી હતી. કેનાને સારું લાગ્યું એને થયું કે ભૂતથી ડરવાનું કોઈ કારણ નથી, પોતે સાચી છે એ વાત એણે માનવી જ પડશે, આ ઘર હવે મારુ છે. ફરીથી એ એનું કામ કરવા લાગી ત્યાં જ કોઈક વાસણ નીચે પડવાનો અવાજ આવ્યો અને એ ભાગીને રસોડામાં ગઈ. એની મમ્મી નીચે ઢોળાયેલા દૂધ તરફ તાકતી ઊભી હતી.
‘શું થયું મમ્મી?’
‘કેના... ફ્રિજમાંથી મેં આ દૂધની તપેલી બહાર લીધી, એ જાણે ગેસ ઉપરથી લીધી હોય એટલી ગરમ હતી, મારો હાથ દાઝ્યો અને તપેલી છટકી ગઈ.’ એની મમ્મીએ આંગળીઓ બતાવતાં કહ્યું જે લાલચોળ થઈ ગયેલી. નીચે ઢોળાયેલા દૂધમાં કેનાને પેલી છોકરી હસતી દેખાઈ અને તરત જ ગાયબ થઈ ગઈ.
‘મમ્મી મારી વાત માન આ ઘરમાં કોઈક છોકરી છે. મેં એને જોઈ છે. કાલે રાત્રે અને અત્યારે પણ.’ કેનાએ ફરીથી રાતવાળી વાત કરતાં મધુ સહેજ વિચારમાં પડી ગઈ. સાંજે યશ આવે ત્યારે વાત કરવાનું નક્કી કરીને એણે કેનાને ઘરનાં સફાઈ કામમાં મદદ કરવાનું કહ્યું.
એક એક કરીને બધાં કબાટ લૂછીને એમાં એ લોકોએ એમનો સામાન ગોઠવ્યો, કેનાનાં રૂમનાં એક કબાટમાં થોડીક ચોપડીઓ અને કેટલાક જૂના રમકડાં પડેલાં મળ્યાં. વાર્તાના પુસ્તકો તરફ કેના થોડી આકર્ષાઈ હતી પણ મધુનું માનવું હતું કે આ ઘરમાં પહેલાં જે લોકો રહેતા હોય એમની કોઈ નિશાની આપણે ના રાખવી જોઈએ અને એમણે એ વસ્તુઓ ઉઠાવી ઘરની બહાર રાખેલી કચરાપેટીમાં ફેંકી દીધી. કામ પતાવી મધુએ રસોઈ કરી અને મોડી સાંજે યશ ઘરે આવી ગયો પછી બધા સપરિવાર જમવા બેઠા. મધુને આજે જે કંઈ બન્યું એ વિષે યશ સાથે વાત કરવી હતી પણ કેનાની હાજરીમાં એણે વાત કરવાનું ટાળ્યું. એણે બધાની આગળ ડિશ મૂકી અને શાક પીરસવા શાકના બાઉલ પરથી ઢાંકણ હટાવ્યું...
“આ...આ..” એક ચીસ સાથે એણે ઢાંકણ નીચે પછાડ્યું. શાકની જગ્યાએ એમાં સાપના કણા સળવળી રહ્યાં હતાં. યશે અવાચક થઈને ભાતનું બાઉલ ખોલ્યું તો એમાં પણ નાની નાની સફેદ ઇયળો ખદબદતી દેખાઈ, અચાનક દાળમાંથી ગટર જેવી અસહ્ય વાસ આવી રહી હતી, એનું ઢાંકણ ખોલવાની કોઈએ હિંમત ના કરી.
એજ સમયે ઘરની બધી લાઇટ ચાલું બંધ થવા લાગી, ટીવી એની મેળે જ ઊંચા અવાજે ચાલું થઈ ગયું અને બારી બારણાં ભડાભડ ખૂલ બંધ થવા લાગ્યા. કોઈ છોકરીનો કાન ફાડી નાખે એટલો ઊંચો હસવાનો અવાજ આવી રહ્યો હતો.
‘આ ઘર મારું છે અને તમારી એટલી હિંમત કે મારો સામાન, મારી વસ્તુઓ બહાર ફેંકશો!’
થોડી થોડી વારે આવીને જતી રહેતી લાઇટના અજવાળે એક નાની છોકરી બોલી રહેલી દેખાઈ. આ વખતે એ બધાને દેખાઈ રહી હતી.
જે જે વસ્તુઓ બહાર કચરાપેટીમાં ફેંકાઇ હતી એ એક સાથે બધી ઉડીને પાછી આવી અને એની જગ્યાએ જઈને એની જાતે જ ગોઠવાઈ ગઈ.
‘આપણે આ ઘરમાં નથી રહેવું યશ, તું ગમે તે કર પણ આ ઘર વેચી નાખ.’ મધુ રડતાં રડતાં કહી રહી. કેના પણ એના પપ્પાને વળગીને આ જ વાત કહી રહી હતી.
‘એ શક્ય નથી, હાલ ને હાલ તો બિલકુલ નહીં. તને ખબર તો છે આપણે આપણી બધી બચત આ ઘર પાછળ ખર્ચી નાખી છે. કદાચ ભૂતના પ્રકોપને લીધે જ આ ઘર આપણને આટલા સસ્તામાં પડ્યું. હવે એને વેચવા જઈશું તો આપણે રસ્તા ઉપર આવી જઈશું.’
યશ પોલીસ ખાતામાં કામ કરતો એક ઈમાનદાર માણસ હતો એની મહેનતની કમાઈ આ રીતે વેડફાતિ એ જોઈ શકે એમ નહતો. એ રાત તો બધાએ ભગવાનનું નામ લઈને પરાણે પસાર કરી. જોકે પછીથી કોઈ અનિચ્છનીય બનાવ નહતો બન્યો. એક સવારે યશ વહેલો જ ઘરની બહાર નીકળી ગયેલો અને પાછો ફર્યો ત્યારે એની સાથે એક ફાઈલ હતી જેમાં આ ઘરમાં રહેતા લોકો વિષેની બધી જ માહિતી હતી.
કેનાએ ફાઇલમાંની એક છોકરીનો ફોટો જોઈને કહ્યું કે, ‘આ જ એ છોકરી છે જે મને દેખાય છે.’
‘એનું એક અકસ્માતમાં મોત થયેલું બેટા અને હવે એનો જીવ ભટકી રહ્યો છે.’
‘જુઠ્ઠી વાત...’ એક ચીસ પાડીને જાણે કોઈ પડછાયો ઓરડામાંથી દોડી ગયો.
‘તો શું છે હકીકત? એવી કઈ વાત છે જે તને મર્યા પછી પણ ચેન નથી લેવા દેતી. તું મને બધી વાત કર હું વચન આપું છુ કે હું તારી મદદ કરીશ.’ યશે જાણે પોતે સહેજ પણ ગભરાતો ના હોય એવી રીતે કહ્યું. કોઈ જવાબ ના મળ્યો.
‘હું પણ તારા પિતા સમાન છું બેટા, તું મને વાત કર હું ચોક્કસ તને આ પ્રેતયોનિમાંથી છોડાવીશ.’
બેટા શબ્દથી કદાચ એ છોકરીને ફરક પડ્યો હશે, એ એની વાત કહેવા રાજી થઈ હોય એમ એક પળ માટે દેખાઈ અને પછી અલોપ થઈ ગઈ. યશ એને બોલાવતો રહ્યો પણ એ ફરી ના દેખાઈ.
બીજે દિવસે યશ એ છોકરી જેનું ફાઇલ પ્રમાણે દિવ્યા નામ હતું એના માબાપને એમને ઘરે મળવા ગયો. એક પોલીસ ઓફિસર તરીકે એના માટે આ કામ મુશ્કેલ નહતું. એના માબાપ પહેલા તો માનવા જ તૈયાર ન થયા કે એમની દીકરીનો આત્મા હજી એમના જૂના ઘરમાં ભટકે છે પણ યશ પોતાની વાત પર અડગ રહ્યો અને એણે કહ્યું કે પોતે જો એક અજાણ્યો માણસ થઈને પણ એ બાળકીના આત્માને મુક્તિ અપાવવા પ્રયત્ન કરી રહ્યો હોય તો એના માબાપે એને સાથ આપવો જ જોઈએ... અને એ લોકો માની ગયા.
એક બપોરે કેનાનાં રૂમમાં કેના, મધુ, યશ અને દિવ્યાના માબાપ દિવ્યાને બોલાવી રહ્યા હતા. દિવ્યાની મમ્મીએ અને પછી એનાં પપ્પાએ, ‘બેટાં એકવાર અમને મળવા નહીં આવે,’ એમ કહ્યું અને તરત દિવ્યાનો આત્મા બધાને દેખાયો. એ હાલ એક સીધીસાધી છોકરી જેવી જ દેખાતી હતી ફક્ત એની આંખના આંસુનો રંગ લાલ હતો!
‘બેટાં તું આ હાલતમાં? તારી કઈ ઈચ્છા અધૂરી છે દીકરાં? અમને જણાવ તને મુક્તિ અપાવવા અમે બધું જ કરી છૂટીશું!’ દિવ્યાના પાપાએ કહ્યું.
‘કઈ ઈચ્છા અધૂરી રહી ગઈ? પપ્પા મારી એક પણ ઈચ્છા પૂરી જ ક્યાં થઈ?’ દિવ્યા સ્વથતાથી કહી રહી હતી, ‘મારે ભણવું હતું, મિસ યુનિવર્સ બનવાનું મારું સપનું હતું, મારે તમને લોકોને આખી દુનિયામાં ફેરવવા હતા, મારે લગ્ન કરીને મમ્મી બનવું હતું... કેટલાં બધાં સપના હતા મારાં પપ્પા અને એ પૂરા કરવાની શરૂઆત કરવા હજી સ્કૂલમાં ભણવાનું ચાલું જ કરેલું અને હું મરી ગઈ! કોઈ બીમારી નહિ, મારી કોઈ ભૂલ નહીં અને છતાં હું મરી ગઈ અને જેને મરવું જોઈએ એ હજી જીવતો ફરે છે.’
‘તું કોની વાત કરે છે દિવ્યા?’ યશે હવે એનું મોઢું ખોલ્યું.
‘મારાં ડ્રાઈવર અંકલની, જેમની વેનમાં બેસીને હું રોજ સ્કૂલ જતી હતી. એ એમની વેનમાં દારૂની બોટલો રાખતાં હતા, એ દિવસે એમણે એમાંથી ગાડી ચલાવતા ચલાવતા દારૂ પીધેલો અને ગાડીને તેજ ભગાવેલી. ગાડી એક જગ્યાએ ઠોકાઈ ગઈ હતી ત્યારે હું જીવતી હતી, મારે કપાળે વાગેલું અને હું થોડીક વાર માટે બેભાન થઈ ગયેલી. એ વખતે હું એકલી જ એમાં બાકી હતી બાકીના છોકરાઓ એમનું ઘર આવતા ઉતરી ગયેલા, મારી સીટ નીચે રાખેલી દારૂની બાટલીઓ ફૂટી ગઈ હતી અને એમાંથી ગંદી વાસ આવતી હતી. હું ભાનમાં આવી ગઈ અને મેં ડ્રાઈવર અંકલને બૂમ પાડેલી કે એ મને બચાવી લે, એમણે મારી સામે જોયેલું, દૂરથી એક પોલીસની ગાડી આવતી હતી એની સામે પણ જોયું અને પછી ગાડીમાં સિગારેટ ફેંકેલી. મારી આજુબાજુ તરત જ આગ લાગી ગયેલી, મને બધે બળતું હતું, હું મમ્મી... પપ્પા... કહીને તમને લોકોને બોલાવી રહી હતી, તમે લોકો કેમ ના આવ્યા? મારાં પગ પાસે દારૂની બોટલો ફટાકડાની જેમ ફૂટી રહી હતી અને પછી એક મોટો ધડાકો થયેલો... હું દોડીને વેનની બહાર નીકળી ગઈ હતી. મને દુખતું બંધ થઈ ગયેલું, હું સ્વસ્થ હતી પણ હું કોઈને દેખાતી નહતી, કોઈને મારો અવાજ નહતો સંભાળતો, હું મરીને ભૂત બનીને રહી ગઈ હતી! એ ડ્રાઈવર અંકલ તો હજી બહાર આરામથી રહે છે અને હું અહીં એકલી... કોના પાપે? કોના વાંકે? મારે મારાં મોતનો બદલો જોઈએ છે..!’ આટલું કહેતા જ દિવ્યા રડી પડી.
‘દરેક વાતમાં કોઈ ને કોઈ નિમિત હોય છે. તમારી દીકરી એની વાત તમારા સુધી પહોંચાડવા માટે જ મારી દીકરીને દેખાઈ, પછી આપણને બધાને દેખાઈ અને એની વાત આપણને કહી. હું તને વચન આપું છું બેટાં એ ડ્રાઈવરને હું ગમે ત્યાંથી શોધી કાઢીશ અને એને એનાં ગુનાની સજા અપાવીને જ રહીશ.’ યશે દિવ્યાને દિલાસો આપતા કહ્યું.
જાણે આટલું કહેવા અને સાંભળવા જ અહીં ભટકી રહી હોય એમ દિવ્યાનો આત્મા યશની વાત સાંભળીને તરત એક તેજ રોશની બની આકાશમાં ઊડી ગઈ. દિવ્યાની મમ્મી રડી પડી અને એનાં પપ્પાએ દિવ્યાની અણીને વખતે મદદ ના કરી શકવા બદલ માફી માંગી. કેનાએ દિવ્યાની ચોપડીઓ અને રમકડાં જે હજી આ ઘરમાં પડ્યા હતા એ એનાં મમ્મી પપ્પાને પાછા આપ્યા, આ ક્ષણે ત્યાં હજાર દરેક વ્યક્તિની આંખોમાં આંસુ હતા.
એક મહિના બાદ યશે વેન ચલાવનારા ડ્રાઇવરને પકડી પાડેલો અને થોડી સખતાઈથી પૂછપરછ કરતાં જ એ પોપટની જેમ એનાં બધાં ગુના કબૂલી ગયો, દિવ્યા વિષે પણ એણે સાચું જ કહ્યું, એ દિવ્યાને બચાવવાનો હતો પણ પોલીસને આવતી જોઈને ગભરાઈ ગયેલો, એની ગાડીમાં વિદેશી દારૂની બાટલીઓ હતી જો પોલીસ એ જોઈ જાત તો એ મુસીબતમાં મુકાઇ જાત એટલે જ એણે ગાડીને આગ લગાવી દીધેલી.
નિયતી કાપડિયા.

Thank you for reading this story. Share your thoughts or explore more works below.

Read more on Author Website ← Back to Stories

More Stories

પ્રેમ કથા • 1 min read

હું તને પ્રેમ કરું છું

દેવ આજે સવારે જ આવેલો રમ્યાનો મેસેજ જોઈને ચમક્યો હતો. એ અને મિહિર છૂટાછેડા લઈ રહ્યાં છે... દેવને આંચકો લાગી ગયો. રમ્યા અને મિહિર બંને એના કોલેજ સમયન…

Read Story →
પ્રેમ કથા • 1 min read

લવ યુ જાન !

કોલેજમાં નવા દાખલ થયેલાં વિદ્યાર્થીઓનો એમ.બી.એમાં જોડાયાનો એ પહેલો દિવસ હતો. એ બધામાં સૌથી અલગ તરી આવતો- એ હતો, આપણો રોહિત. સફેદ કલરનો શર્ટ અને કાળુ …

Read Story →