સાસુ વિનાનું સાસરું
સુહાની કૉલેજથી પાછી આવી કે તરત જ બેઠકખંડમાં બેઠેલા મહેમાનોને જોઈ સહેજ સંકોચાઈ. ઉપરછલ્લી બધા સામે એક નજર કરી, સ્મિત આપી એ અંદર ભાગી ત્યાંજ મમ્મીની બૂમ આવેલી,
“સુહાની...બેટા, બે કપ ચા લેતી આવજે.”
સુહાનીને ગુસ્સો આવી ગયેલો. મમ્મી જુએ છે કે હું હજી હાલ કૉલેજથી ચાલી આવી છું અને તોય મને જ ચા બનાવવાનું કહે છે એમ વિચારતી એ રસોડામાં ગઈ અને ચા મૂકી.
ચા લઈને એ બેઠકખંડમાં ગઈ ત્યારે ત્યાં હાજર બધી નજરો એની પર જ તકાયેલી હોય એમ એણે નીચી નજરેય નોંધ્યું.
“બેટા, બેસ અહીં.” મમ્મીએ હાથ પકડીને એને બેસાડી દીધી.
“સરસ, ખૂબ સુંદર. સાચું કહું તો મારા કિશન માટે મારે આવી જ રૂપાળી વહુ જોઈતી હતી. બંનેની જોડી જામશે.” ઘરે આવેલા વડીલ બોલેલા.
સુહાનીને છેક હવે ભાન થયું ઘરમાં બેઠેલા વડીલ ને એમનો દીકરો એને જોવા આવ્યા હતા. એણે કિશન તરફ સહેજ નજર કરી. પહેલી નજરે એ ગમી જાય એવો હતો.
એ લોકો પછી નીકળી ગયા. છોકરા છોકરી વચ્ચે એકાંતમાં કોઈ વાત ના થઇ. સુહાનીની ઇચ્છા હતી કે છોકરા સાથે થોડીક વાતચીત થાય પણ એની મરજી પૂછવાની કોઈને જરૂર નહોતી લાગી. છોકરાવાળાની લગ્ન માટે હા આવી એવા લગ્ન નક્કી થઈ ગયા. સુહાનીને આ વખતે પણ કોઈએ કંઈ નહોતું પૂછ્યું. એમના ઘરમાં સુહાનીના પપ્પા સર્વોપરિ હતા. એકવાર એ જે નક્કી કરે એ બધાએ માનવું જ પડતું.
એના પપ્પાના મત મુજબ છોકરો રૂપાળો, સારું કમાતો, ઉપરાંત ખાનદાન કુટુંબમાંથી આવતો હતો. એનાથી વધારે બીજું શું જોઈએ? સુહાની પછી એની નાની બેનનું પણ એમણે ઠેકાણું પાડવાનું હતું. એની મમ્મીનાં મતે સુહાની થોડી આળસું હતી અને એટલે જ એના માટે આ ઘર યોગ્ય હતું. ઘરમાં બાપદીકરો બે જ જણ હતા. સાસુ, નણંદ કે દેરાણી જેઠાણીની કોઈ ખટપટ નહીં. આવું સાસુ વિનાનું સાસરું તો નસીબદારને જ મળે.
ઘરમાં બધાએ સુહાનીનું ભવિષ્ય નક્કી કરી દીધું, માત્ર સુહાનીનો અભિપ્રાય જ બાકી રહી ગયો.
સુહાનીના લગ્ન લેવાઈ ગયા. એ સાસરે આવી ગઈ. નવા ઘરમાં આમ તો એને બધી વાતે શાંતિ હતી પણ સસરાની અમુક આદત એને અકળાવી રહી...
સવારે જો સુહાનીને ઉઠતા થોડુક મોડું થઈ ગયું હોય તો રસોડામાં પ્રવેશતા જ એ જોતી કે એના સસરાએ ચા મૂકી દીધી હોય.
“આજે થોડું મોડું થઈ ગયું દીકરા? કંઈ વાંધો નહીં મેં ચા બનાવી લીધી છે. કિશનને મોડું ના થવું જોઈએ. મગના ખાખરા અને આ મોળા મરચા એને નાસ્તામાં આપજો, એને બહું ભાવે."
કિશન ચાનો ઘૂંટ પીતા જ કહી દેતો, “ચા પપ્પાએ બનાવી છે ને, એક કપ બીજો લાવજે ને પ્લીઝ.”
સુહાની રસોડામાં જતી તો વધારે ચા પહેલેથી જ તૈયાર જોતી. વાત ફક્ત ચાની ન હતી. દરેક વસ્તુમાં એના સસરા કિશન માટે કંઇક ને કંઇક કરતા અને કિશન એમના વખાણ કરતો. સુહાનીને આ પસંદ નહતું આવતુ.
એ લીલા રંગની સાડી પહેરી કિશન સાથે બહાર જવા તૈયાર થઇ તો સસરાજુએ કહેલું, “કિશનને આ રંગ બિલકુલ નથી ગમતો. તું ગુલાબી રંગની સાડી પહેરી લે. જો ન હોય તો ખરીદી લાવ. તારા સાસુને સાડીઓનો ખૂબ શોખ હતો. કબાટ ભરીને એમની સાડીઓ એવી ને એવી પડી છે. તને જો જૂની ના લાગે તો એમાંથી એકાદ લઈ પહેરી લે.”
સાંજે એણે ઢોસા બનાવ્યા હોય તો તરત એના સસરા એમની એક્સપર્ટ સલાહ આપવા છેક રસોડા સુધી દોડી આવતા.
“દીકરા, કિશનને નારિયેળની ચટણી વગર નહી ચાલે. તાજુ જ નાળિયેર જોઈશે હોં... ના હોય તો હું લઈ આવું...”
સુહાની કમને નારિયેળની ચટણી પિસતી હોય ત્યારે કઈ સામગ્રી કેટલી નાખવી એનું ધ્યાન એના સસરા બીજા રૂમમાં રહે રહે રાખતા જ હોય. જો સુહાની કોઈ વાતે આનાકાની કરે તો તરત એના સસરા જાતે એ કામ કરી લેતા. સુહાનીને એનાથી બહુ ખરાબ લાગતું.
પ્રેમ જ્યારે શબ્દોમાં ઓછો અને કાળજીમાં વધારે વ્યક્ત થતો હોય, ત્યારે ક્યારેક તે દખલગીરી જેવો લાગે છે. સુહાની હવે એના સાસરાની રોકટોકથી કંટાળવા લાગી હતી. કિશન એના પપ્પાના વખાણ કરતો અને એ દરેક વખાણ સાથે સુહાનીને લાગતું કે પત્ની તરીકે એ ક્યાંક હારી રહી છે.
એકવાર એ બંને બહાર ગયેલા. કિશન અને સુહાનીને ઘરે આવતા થોડું મોડું થયેલું. શૈલેષભાઈનો બે વાર ફોન આવી ગયેલો. વરસાદ અંધાર્યો હતો અને સુહાનીને આઇસ્ક્રીમ ખાઈને જ ઘરે જવું હતું.
બંને ઘરે આવ્યા ત્યારે પલળી ગયા હતા. શૈલેષભાઈએ બંનેને ખખડાવેલા થોડાંક. કિશનને શરદી થઈ ગયેલી. બે દિવસ તાવ આવી ગયો ત્યારે શૈલેષભાઈ બધી મર્યાદાઓ મૂકીને દીકરા વહુના ઓરડામાં જ બેસી રહેલા. આખી રાત કિશનનું માથું અને હાથ પગ દાબી આપેલા. છાતી પર, પિંઠ પર બામ ચોળી આપેલો...
સુહાનીથી આ વખતે ના રહેવાયું. એનું મોઢું ચડી ગયું. એને થતું હતું કે પત્નીએ કરવાના કામ પણ એના સસરા જ કરે જાય છે....સાસુ નથી ઘરમાં પણ અહીં સસરા મૂછાળી સાસુ થઈને બેઠા છે એનું શું? સુહાનીને લાગતું કે એના સસરાની આટલી મમતાને લીધે જ કિશન અને એના વચ્ચે જે પ્રેમ ખીલવો જોઈએ એ હજી નથી ખીલ્યો. જે નાની નાની દરકાર કરી એક સ્ત્રી એના પતિના દિલમાં પોતાનું સ્થાન જમાવતી હોય એ બધું અહીં એની મૂછાળી સાસુ જ કરતી હતી...અંદર ને અંદર ધૂંધવાયેલી સુહાની આખરે રડી પડી.
ક્યારેક સ્ત્રીઓ સામેની વ્યક્તિને નહીં, પોતાના અધૂરા અધિકારને લઈને રડતી હોય છે. બહાર હીંચકા પર બેસી સુહાની હીબકા ભરી રહી હતી. એની બાજુમાં જ રહેતા માસી કોઈ દિવસ નહીં ને આજે એની પાસે આવેલા.
સુહાનીએ ઝડપથી આંસુ લૂંછતા પૂછ્યું,
“આવોને માસી, કંઇ કામ હતું?”
“ના રે....કામ તો કંઇ નથી આતો તને અહીં બેઠેલી જોઈ તો થયું લાવ બે ઘડી વાતો કરતી આવું. કિશનને તાવ આવી ગયો?” સુધામાસીએ ધીરેથી વાત ચાલું કરી.
“હા. અમે લોકો બે દિવસ પહેલા પલળ્યા હતા. એમને તાવ આવી ગયો.” સુહાની દાઝમાં જ બોલી ગઈ.
“લે તે એમાં શું? હવે આ ઉંમરે નહીં પલળો તો ક્યારે પલળશો?” એ જોરથી હસી પડ્યા.
“કિશનની મમ્મીને પણ વરસાદ બહુ ગમતો. પરાણે શૈલેષભાઈને પલળવા લઈ જતી. એમને શરદી થઈ જાય તો કહેતી બે કપ આદુવાળી ચા વધારે પી લેજો પણ મારું ચોમાસું ના બગાડો. એમનો જ શરદીનો કોઠો કિશનને વારસામાં મળ્યો છે.” સુધાબહેને સહેજ અટકીને પછી ગંભીર થઈ ઉમેર્યું, “બંને બાપ દીકરો જશોદાના ગયા પછી કદી વરસાદમાં ભીંજાયા જ નથી. સારું થયું તે કિશનને બહાર કાઢ્યો.”
“જશોદાબેન અને શૈલેષભાઈ એટલે સારસબેલડી જોઈ લો,” એમણે સુહાની સામે જોઈ હસીને કહ્યું, “પેલું તમે શું કહો, દો જીસ્મ એક જાન, એના જેવું જ. નાનકડી ઉંમરમાં એ માંદગીમાં પટકાયા ત્યારે જતા જતા શૈલેષભાઈ પાસેથી વચન લીધેલું કે એ એમના કિશનને એની મા બનીને સાચવશે. કિશનની જશોદા બનીને રહેશે. કદી એમના દીકરાને કોઈ વાતે ઓછું નહીં આવવા દે.”
“શૈલેષભાઈ પણ કહેવું પડે, મરતી પત્નીને આપેલું વચન અક્ષરસ પાળી બતાવ્યું. નોકરી, ઘરની જવાબદારી બધું એકલા હાથે સંભાળ્યું. કિશન જે કહે એજ સાંજની રસોઈમાં બને. ના આવડતું હોય તો શીખીને બનાવે પણ બહારથી ના લાવે...!"
સુહાની પોતાની વાત ધ્યાનથી સાંભળી રહી છે એ જોઈ એમણે કહ્યું, “એકવાર તો કિશનને એની બા બહુ યાદ આવી ગયેલી. એ કોઈ ગુજરાતી પીચ્ચર જોઈને આવેલો, ખોળાનો ખૂંદનાર, હજી મને નામ યાદ છે. એની માની સાડીમાં મોઢું નાખીને એ રડતો હતો ને શૈલેષભાઈ જોઈ ગયેલા..."
જાણે હાલ એ દ્રશ્ય યાદ કરી રહ્યા હોય એમ એમણે કહ્યું, “એ મારી પાસે આવેલા અને મને કહે બહેન તમે પૂછોને મારો કિશન કેમ રડે છે? મારા પ્રેમમાં ક્યાં કચાશ આવી? હું ક્યાં ભુલો પડ્યો? એને આમ રડતો મારાથી નહી જોવાય!”
મેં કિશનને મારી પાસે બેસાડી પ્રેમથી સમજાવેલો. એણે ફિલ્મની વાત કરી અને એને એની બા યાદ આવી ગઈ એ પણ જણાવ્યું. મેં એ બધું એના પપ્પાને કહેલું. કંઈ ચિંતા જેવું નથી. તમે ગમે એટલું સાચવો તોયે છોકરું છે ક્યારેક એની બા યાદ આવી જાય.
“હા. તમારી વાત બરોબર છે. જશોદાની યાદ આવી જાય. એ હતી જ એવી, પણ હવેથી દીકરાનું વધારે ધ્યાન રાખીશ ”
“આવા માણસો બહુ ઓછા જોવા મળે સુહાની. એમણે એમની આખી જિંદગી દીકરા પાછળ ખર્ચી નાખી. તારી ઉપર પણ એમને અપાર વહાલ છે. તું એમની રોકટોકથી અકળાઈ જાય છે એની એમને ખબર છે છતાં તારા ઉપર જરીકે ગુસ્સે થયા વગર તને સતત માર્ગદર્શન આપતા રહે છે જેથી તું અને કિશન સારી રીતે, સુખેથી જીવો.”
થોડીક વાર અટકીને માસીએ સુહાનીની આંખોમાં પરોવી કહ્યું, “આજે તને રડતી જોઈ ને એમનાથી ના રહેવાયું. એમણે જાતે આવીને મને કહ્યું કે હું તારી સાથે વાત કરું. તને એમના લીધે તકલીફ હોય તો કહી દે એ કોઈ બહાનું કરીને ગામડે રહેવા જતા રહેશે. કિશનને આ વાત ક્યારેય નહિ જણાવતી. એમના મતે એમનો દીકરો ખૂબ લાગણીશીલ છે એને જરાય દુઃખ ના પડવું જોઈએ.”
સુહાની શું બોલે? એ ચૂપ હતી. જે માણસને એ મૂછાળી સાસુ સમજતી હતી, એ તો વર્ષોથી એક માતાની ખાલી જગ્યા પૂરી કરવાનો પ્રયાસ કરતો પિતા હતો. સસરાની ટકટક એને પરેશાન જરૂર કરતી હતી પણ એનો એવો મતલબ હરગિજ ન હતો કે એ ઘર છોડીને ગામડે ચાલી જાય. એ ભણેલી ગણેલી અને સમજદાર દીકરી હતી. એ બસ આ નવા વાતાવરણમાં ટેવાઈ રહી હતી. સુહાની ઊભી થઈ અને ધીરે પગલે અંદર ગઈ.
શૈલેષભાઈ સોફામાં બેઠા કપડાંની ઘડી કરી રહ્યા હતા. બીજો કોઈ દિવસ હોત તો સુહાનીને આ જોઈને અણગમો થયો હોત. એ પોતે ના કરી લેત, શી જરૂર છે એના સસરાને આવા બૈરાના કામ કરવાની? પણ, આજે એ એવું ના વિચારી શકી.
“પપ્પા...મારે તમને કંઇક કહેવું છે." સુહાની ધીરેથી બોલી.
“હા, કહો ને વહુ બેટા.” શૈલેષભાઈએ સામેના સોફા પરથી ઘડી કરેલ કપડાં ઉઠાવી સુહાનીને બેસવાની જગા કરી આપી. એમનું મન ફફડી રહ્યું હતું. સુહાની એમને ગામડે જવાનું કહી દેશે તો...કિશન વગર એ રહી શકશે...
સુહાની ત્યાં બેઠી. થોડીવાર ચૂપ રહી. શૈલેષભાઈના કાન એ શું કહે છે એ સાંભળવા આતુર થઈ રહ્યા.
“ગયા મહિને હું માસિકમાં નથી આવી. કદાચ હું પ્રેગનન્ટ,” એ સંકોચવશ અટકી. એણે એના પોતાના પિતા સાથે ક્યારેય આ રીતે વાત નહોતી કરી. “હું કિશનને આ વાત કરવાની હતી પછી થયું કે એકવાર ડૉક્ટર પાસે જઈ પાક્કું જાણી લઉં પછી વાત કરું. મારે ડૉક્ટર પાસે ચેક કરાવવા જવું છે....તમે મારી સાથે આવશો..." સુહાની ધીમેથી લાગણીભીના અવાજે બોલી હતી.
થોડીક વાર બંનેમાંથી કોઈ કંઈ બોલી ન શક્યું. સંબંધ હજી એનો એ જ હતો, પણ એને જોવાની બંનેની નજર બદલાઈ ગઈ હતી. તરત જ પછી શૈલેશભાઈએ પરિસ્થિતિ સંભાળી લેતા કહ્યું, “હા, હા, હું સાથે આવીશ ને. જરૂર આવીશ. આવી કોઈ વાતે સહેજે મુંઝાવાનું નહીં, તમે મારી દીકરી છો. હું દાદા બનવાનો..." એ હસી પડ્યા.
શૈલેષભાઈની આંખો ભીની બની. એમણે સુહાનીના માથે હાથ મૂકી કહ્યું, “પછીથી હું મારા વ્યાજને સંભાળીશ. તમે કિશનને સંભાળજો. અને હા આજથી તમારા રસોડામાં આંટાફેરા બંધ. ગમે કે ના ગમે હું જેમ કહું એમ જ તમારે કરવું પડશે.” શૈલેષભાઈની આંખોમાં આંસુ હતા અને હોઠો પર સ્મિત..
“જી પપ્પા.” સુહાની એની મૂછાળી સાસુને જોઈ રહી પણ આ વખતે એને એ રૂપ ગમ્યું હતું.
સસરા અને વહુની આંખોમાંથી વરસતા આંસુઓમાં હવે ગેરસમજ ને બદલે માત્ર સ્વીકાર, સ્નેહ અને એક નવા સંબંધનો અહેસાસ હતો. બહાર હિંચકે બેઠેલા સુધામાસીએ સાડીના છેડાથી આંખો લૂછી અને હોઠ પર સંતોષના સ્મિત સાથે હળવે હળવે પોતાના ઘરે પાછા ફર્યા.
–નિયતી કાપડિયા ‘નિર્ઝર’
22/07/2018
Thank you for reading this story. Share your thoughts or explore more works below.
Read more on Author Website ← Back to Stories