લવ યુ જાન !
કોલેજમાં નવા દાખલ થયેલાં વિદ્યાર્થીઓનો એમ.બી.એમાં જોડાયાનો એ પહેલો દિવસ હતો. એ બધામાં સૌથી અલગ તરી આવતો- એ હતો, આપણો રોહિત. સફેદ કલરનો શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલો, સહેજ શ્યામ પણ ઘાટીલો, છ ફુટનો રોહિત એના વર્ગમા જઈને એકલો બેઠો હતો. પહેલા પિરિયડનો સમય થઈ ગયો હતો, છતાં હજી કોઈ અંદર આવ્યું નહોતું.
પ્રોફેસર શુક્લાએ અંદર પગ મૂકતાં જ એકલા બેઠેલા રોહિતને જોઈ કહ્યું,
“કેમ ભાઈ, આખી કોલેજમાં તું એકલો જ ભણવા આવ્યો છે, કે શું?"
“ના, સર! હું પણ ભણવા આવી છું."
ચારે આંખો એક સાથે દરવાજા તરફ મંડાણી. સામે ઊભેલી પાંચ ફુટ સાત ઇંચ ઉંચાઈની, ગુલાબી સ્કર્ટ ને સફેદ ટોપ પહેરેલી, ગુલાબી ગુલાબ જેવી છોકરીને છોકરી કહેવી કે પરી એ વિચારે બંને ચુપ થઈ ગયા.
"સર હું આનલ."
આનલ અંદર પ્રવેશી, રોહિત તરફ હળવું સ્મિત કરી એની આગળની બેંચ પર બેસી ગઈ.
તો આ હતી આપણા હીરો ને હીરોઈનની પહેલી મુલાકાત! બંને તદ્દન ભિન્ન માહોલમાંથી આવતા હતાં. બંનેની રહેણીકરણી, બેઉની ફેશન, બંનેના દોસ્ત અલગ હતાં, છતાં બંનેમાં એક વાતે અજબ સામ્યતા હતી અને એ હતી વિચારોની સામ્યતા. ભણવામાં તો બંને હોશિયાર હતા જ. એક સાથે સમય પસાર થતો રહ્યો. બે વરસ ક્યારે વીતી ગયા એની ખબર જ ના પડી. સમયનું ધ્યાન ન રહ્યું પણ એક વાતની ધીરે-ધીરે આનલને ખબર પડી રહી હતી કે, રોહિત એને મનોમન પસંદ કરે છે! આનલની જાણ બહાર રોહિતની નજર એના ચહેરાને તાકી રહેતી હતી એ, આનલે જાણી લીધેલું. આમ તો એનેય રોહિત ગમતો હતો, પણ એ સામેથી એના પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવું એનું ગર્વિષ્ઠ મન ઇચ્છતું હતું. ને એ અણમોલ ઘડીની રાહમાં ને રાહમાં એ હવે લગભગ અધીરી થઈ ગઈ હતી. આખરે એણે નિર્ણય લઈ જ લીધો.
રાતના સાડા અગિયાર વાગે રોહિતનો ફોન રણક્યો,
"હલો... હલો, આનલ." મોબઇલ પર આનલનો નંબર જોતા રોહિતે કહ્યું.
સામા છેડે આનલની સ્થિતિ કફોડી હતી, કેમેય કરીને એના ગળામાંથી અવાજ જ નહોતો આવતો. એનું દિલ ૧૨૦ની ગતિએ ધડકી રહ્યું હતું. પરાણે હળવેથી ફક્ત “રો...હિ...ત્” એટલું જ બોલાયું ને એણે ફોન મૂકી દીધો. બાકીની આખી રાત બંનેએ જાગીને પસાર કરી. આનલ પોતાની જાતને ગાળો દેતી રહી ને રોહિત આનલની ચિંતા કરતો રહ્યો...
સવારે આનલને કોલેજના દરવાજે જ રોહિતે પૂછ્યું, “શું થયુ? રાતના તે કોલ કરેલો પછી, વાત કેમ ના કરી?” રોજ ખીલેલા ગુલાબ જેવી દેખાતી આનલ આજે રોહિતને ઉદાસ લાગી.
“વાહ, આજ તને મારી બહુ ચિંતા થઈ રહી છે ને, શું વાત છે હેં...?” આનલે ચિડાઈને કહ્યું.
“ના, એટલે કે... હા, ના...” રોહિત જવાબ દેતા ગૂંચવાઈ ગાયો. “તે રાત્રે કૉલ શા માટે કરેલો?"
આનલ હસી પડી, “એક જરૂરી વાત કરવી હતી, પણ હું બોલી જ ના શકી.” આનલના અવાજમાં અનાયસ જ ભીનાશ ભળી ગઈ.
“ચાલ, ક્યાંક બેસીએ.” રોહિતે કહ્યું ને બંને જણા કેન્ટીનમાં જઈને બેઠાં.
“બોલ હવે.” રોહિતે હળવું સ્મિત કરી કહ્યું.
“રોહિત હું, હું એમ માનું છું કે... કે તું મને... હું તને...” એ એક પળ રોહિત સામે કંઈક વિશેષ નજરે જોઈ રહી ને પછી ધડ લેતાંક જે મનમાં હતું તે કહી દીધું, “આઇ લવ યુ!”
આટલું કહેતા જ એ છોકરીના દિલ પરથી જાણે એક મણનો પથ્થર દૂર હટી ગયો. ક્યારનીય એ શ્વાસ તો લઈ રહી હતી છતાં ગભરામણ જેવું થતું હતું એ ગભરામણ હવે ચાલી ગઈ. એ હવે જવાબની અપેક્ષામાં રોહિત સામે જોઈ રહી. એને એમ કે રોહિત પણ થોડુંક શરમાઈને એને સામે લવ યુ ટુ કહી દેશે પણ એ તો જાણે ભૂત ભાળી ગયો હોય એમ ચૂપ થઈ ગયો હતો.
હવે બોલવાનો વારો રોહિતનો હતો પણ એ તો સાવ ચુપચાપ બેસી રહ્યો. એ જોઈ આનલ લગભગ રડી પડવાના અવાજે બોલી, “તુ મને લવ નથી કરતો?”
રોહિતે આનલની સામે જોયું. એની આંખોમાં પણ થોડી ભીનાશ આવી ગઈ હતી.
“ચાલ મારી સાથે.”
“ક્યાં?”
“ચાલ.”
રોહિત આનલને લઈને એક ઘરની બહાર ઊભો હતો. એણે ઘર તરફ હાથ કરી કહ્યું,
“આ મારું ઘર છે.”
“સરસ છે.”
“તારા બંગલાની સરખામણીએ તો, એ સાવ સામાન્ય છે.”
“મને ફરક નથી પડતો.” આનલ મક્કમ હતી.
“ફરક તો મનેય નથી પડતો.” રોહિત સહેજ હસ્યો, એ હાસ્યમાં નકરું દર્દ ભર્યું હતું એ આનલ પણ જોઈ શકી.
“જા, તું એ ઘરમાં અંદર જા.” રોહિતે આંગળી ચીંધી.
આનલ મનોમન થોડીક ખુશ થઈ. એને એમ કે અંદરનું ઘર કેટલું સામાન્ય છે એ જોવા રોહિતે એને મોકલી રહ્યો છે. પોતે કેટલો ગરીબ છે એવું બધું એ કહે તો આનલ પાસે એની વળતી દલીલ તૈયાર હતી. એ બારણે પહોંચી અને ધીરેથી બારણાને ધક્કો માર્યો. બારણું ખુલ્લું જ હતું. તરત જ ઉઘડી ગયું. અંદર થોડાક અંધારામાં, રૂમની વચ્ચોવચ એક સ્ત્રી, કહો કે એક ડોશી નીચે જમીન પર બેસીને કંઈક ખાઈ રહી હતી.
આનલનું બધું ધ્યાન એ સ્ત્રી પર કેન્દ્રિત થયું. એનો પાલવ સરકીને જમીન પર પડી ગયેલો, વિખરાયેલા વાળ, એનું તો બધું જ ધ્યાન એનાં ખાવામાં હતું. સિસકારા બોલાવતી, વારે વારે આંગળા ચાટતી એ કોઈ અંકરાન્તિયાની જેમ ખાઈ રહી હતી. એના આંગળા સરખો કોળિયો ન્હોતો ભરી રહ્યા અને એ ખાઈ રહી હતી એના કરતાં વધારે ઢોળી રહી હતી. અચાનક એ સ્ત્રીનું ધ્યાન પણ આનલ તરફ ગયું,
“એય...કોણ છે તું?” એ સ્ત્રી ડોળા કાઢી આનલને કહી રહી. “તું મારા ઘરમાં કેમ આવી છે, હેં? જા, જતી રહે નહીંતર તારું ભોડું ફોડી નોખે”
આનલ સડસડાટ બહાર નીકળી ગઈ. રોહિત ત્યાં જ ઊભો હતો. “રોહિત અંદર પેલી બાઈ...”
“એ મારી મા છે.” આનલ કોઇ પ્રતિભાવ આપે, એ પહેલાં જ રોહિતે કહ્યું. થોડીવાર કોઈ કંઈ ન બોલ્યું. પછી રોહિતે જ પોતાની વાત આગળ વધારી,
“એ ગાંડી છે, આ દુનિયામાં એનું મારા સિવાય કોઈ નથી.” ફરી થોડુંક અટકીને એણે આનલ સામે જોયું, એ હજી આઘાતમાં હતી.
અવાજમાં બને એટલી શાંતિ અને સમજાવટ ભરી એણે કહ્યું, “તું મને કોલેજના પહેલાં દિવસથી જ પસંદ હતી. મનોમન હું તને ક્યારે ચાહવા લાગી ગયો એની મને ખબર નથી, પણ હું આ જનમમાં મારી માને નહીં છોડી શકું એની ખબર હતી એટલે જ આજ સુધી તને કંઇ જણાવ્યું નહીં.”
“પણ રોહિત, એમનો ઇલાજ.” આનલ હજી આઘાતમાં હતી.
“ઘણી જગાએ કરાવ્યો, કંઈ ફરક ના પડ્યો. હજી એની સારવાર ચાલું છે." રોહિતે એના ખિસ્સામાંથી એક ફોટો કાઢ્યો ને આનલ સામે ધરી કહ્યું, “આ જો, અમારા સુખી સંસારની છેલ્લી નિશાની.”
આનલે ફોટા સામે જોયું. એક બાર-તેર વરસનો છોકરો એનાં માતાપિતા સાથે ઊભેલો હતો. બધા લોકો એકદમ ખુશહાલ દેખાતાં હતાં.
“આ ફોટો દિવાળીના દિવસે પડાવેલો, એના થોડાક જ દિવસો બાદ પપ્પાનું ખૂન થઈ ગયેલું. એમના ભાગીદારે જ એ કરાવ્યું હશે એવો મમ્મીને વિશ્વાસ હતો. એ ઘણું લડી. ઘણું રડી. કોર્ટના પગથિયાં ઘસી-ઘસીને એ પોતેય ઘસાઈ ગઈ પણ કઈ સાબિત ના થયું. મારા પપ્પાની રાત દિવસની મહેનતથી ઊભો કરેલો ધંધો અમને ના મલ્યો. અમારું ઘર, જમીન, ગાડી બધું જ વેચાઈ ગયું છતાં ન્યાય ના મળ્યો ને એમાં જ મારી મા એનું માનસિક સંતુલન ગુમાવી બેસી. મમ્મીનું ચસકી ગયું. કેટલી વહાલસોઈ, અન્નપૂર્ણાના અવતાર સમાન મારી મા આજે...” રોહિતનો અવાજ ગળગળો બન્યો.
થોડીવાર મૌન છવાયું.
“તારા મનમાં આટલુ દર્દ ભરેલું હતું ને, તે મને એનો જરાય અણસારેય ના આવવા દીધો. ચાલ ભૂલી જા એ બધું, આપણે લગ્ન કરી લઈએ, હું તારી મમ્મીને મારી મમ્મી માનીને સાચવીશ, એમને કોઈ તકલીફ નહીં પડવા દઉં. તું મારી પર વિશ્વાસ રાખ.” આનલની આંખો વરસી પડી.
“મને તારા પર પૂરો ભરોસો છે જાન, પણ હું તને પ્રેમ કરું છું ને હું તને દુખી થતી ક્યારેય નહીં જોઈ શકું. હું નથી ઇચ્છતો કે તારું ઊજ્જવળ ભવિષ્ય મારી માની સેવા કરવામાં વેડફાઈ જાય.”
“રોહિત, પણ હું,”
“કંઈ ના બોલીશ. તું ભલે બધું જ સહેવા તૈયાર હોય પણ હું નથી. તું મને જ્યારે પણ મળે ત્યારે આમ જ ગુલાબની જેમ ખીલેલી દેખાવી જોઈએ નહીં કે થાકેલી, હારી ગયેલી.”
રોહિત અવળો ફરી આંગણામાં ઊગેલા ચંપાના ઝાડ સામે જોઈ રહ્યો પછી એમ જ ઊભો રહી બોલ્યો, “તું તારા જેવા જ સારા ઘરના કોઈ છોકરાને પરણી જજે. હું કોઈ સાવ સામાન્ય, મારી માની સેવા કરવા તૈયાર હોય એવી છોકરીને અપાવીશ." એ ફરી આનલ સામે ફર્યો ને અવાજમાં ઉમળકો ભરી કહ્યું, “એ જો, એ મમ્મીનું સરખું ધ્યાન નહીં રાખેને તો દઈશ એને ઊલટા હાથની એક.” આંખમાથી વહી આવવા મથતા આંસુને ખાળવા રોહિત જોરથી હસી પડ્યો, સાવ ખોટે-ખોટું...
આખરે છૂટા પડી ગયા બંને કે એમ કહો છૂટા પડી જવું પડ્યું. એ સાંજના બનાવ બાદ બેઉ વચ્ચે મૌનનું એક અદૃશ્ય આવરણ છવાઈ ગયું. થોડાક જ દિવસો બાદ પરીક્ષા આવી ને ગઈ. પરિણામનો દિવસ પણ આવી ગયો. બંને ડિસ્ટિક્શન સાથે પાસ થયા હતા. રોહિતને જોતા જ આનલ એની સાથે વાત કરવા અધીરી બની હતી. એ એની પાસે ગઈ હતી.
આનલ હજી તો કંઈક કહેવા જ જતી હતી કે એ પહેલાં રોહિતે વાત ચાલું કરતા કહ્યું, “મારા લગ્ન નક્કી થઈ ગયા છે. બે દિવસમાં હું મારા ગામ ચાલ્યો જઈશ. આવતા અઠવાડિયે અમારા લગ્ન છે.“
આનલને માથે જાણે વિજળી પડી. એને ઘણું બધું કહેવું હતું, રોહિત સાથે લડવું હતું, પોતાના પ્રેમને કે તક આપવા સમજાવવો હતો પણ એને જે કહેવું હતું એ શબ્દો જીભ પર આવ્યા જ નહીં. ન જાણે કેમ પણ એણે એને ભીની આંખે લગ્ન બાબતે શુભેચ્છા આપી ને ત્યાંથી સદાને માટે ચાલી ગઈ.
આ વાતને પંદરેક દિવસ થવા આવ્યો હશે કે રોહિતનો મેસેજ આવેલો, “એક વાત યાદ રાખજે તું હંમેશા મારી દોસ્ત રહીશ.”
મેસેજ સાથે એણે પત્ની સાથેનો લગ્ન સમયનો ફોટો મોકલ્યો હતો. આનલે ફોટો જોયો. ધારી ધારીને ને એ તે રોહિત સાથે ઉભેલી યુવતી અને રોહિતને જોઈ રહી. એની જગ્યાએ એ પોતે હોત તો...મેસેજના જવાબમાં એણે ફોટા પર ફક્ત લવ રિએક્ટ કર્યું.
થોડાક સમય બાદ એ પછી શહેર છોડીને બીજે ચાલી ગઈ. બે વરસ પસાર થઈ ગયા. રોહિત અને આનલ વચ્ચે કોઈ વાત ન થઈ. એક નાનકડા મેસેજની પણ આપ-લે નહીં. અચાનક જ પછી આનલે રોહિતને એક મેસેજ મોકલ્યો, “હેપ્પી ફેમિલી!”
મેસેજ સાથે એક ફોટો હતો જેમાં આનલ, એક સુંદર યુવક અને એક નાના બાબા સાથે હતી.
સમયના થોડા બીજા પન્ના પલટાઈ ગયા. આનલના પપ્પાની તબિયત ઠીક ના હોવાથી એ પાછી એના જૂના શહેરમાં આવી હતી. એ એના પપ્પાનો રિપોર્ટ લેવા હોસ્પિટલે ગયેલી ત્યાં જ એને એની કોલેજના સમયની એક સહેલી મળી ગઈ હતી. બંને વચ્ચે ઘણીબધી વાતે ચર્ચા થઈ ત્યાં જ અચાનક વાત-વાતમાં એ સખી એ કહ્યું,
“ખરાં છો યાર, તમે બંને પણ, એકબીજાને આટલો બધો પ્રેમ કરો છો તો પરણી કેમ નથી જતાં? હવે શું વાંધો છે? પેલાની મમ્મીનું પણ બે વરસ પહેલાં મૃત્યુ થઈ ગયું.”
“તું કોની વાત કરે છે?” આનલ ને લાગ્યું કે એ રોહિત વિશે કહી રહી છે છતાં એણે ખાતરી પૂછ્યું.
“તારી અને રોહિતની જ તો.”
“પણ, એણે તો લગ્ન કરી લીધેલાને... જો મારી પાસે એનો ફોટો છે.” આનલે મોબાઇલમાં રોહિતે જે મોકલેલો એ ફોટો કાઢીને બતાવ્યો.
“અરે યાર, કેમ આમ કરે ? તું એનો મેસેજ વાંચ. એમાં ક્યાં લખ્યું છે કે, આ એની પત્ની છે?”
“મતલબ?” આનલની આંખો ભરાઈ આવી. એના કાન હવે જે સાંભળવાના હતા એની પર વિશ્વાસ કરવા ને પોતાના દિલને ઊછળી પડતું રોકવા એ સાવધ બની.
“મતલબ કે એ હજી તારો જ છે, એણે લગ્ન નથી કર્યા, એ પણ તારી જેમ જ કુંવારો છે... તું વાત કર એની સાથે.”
ધડકતા દિલે આનલે ફોન જોડ્યો. એક, બે ને ત્રીજી રિંગે, ફૉન ઊંચકાયો, સામેથી એ જ જાણીતો અવાજ આવ્યો,
“હલો... હલો, આનલ!”
આનલને ગળે ડૂમો બાઝી ગયો. એ આગળ કંઈ જ ના બોલી શકી. મહા મહેનતે ધીરેથી એના હોઠ પરથી ફક્ત, “રો...હિ...ત ” એટલું જ નીકળી શક્યું. આનલે ફોન કટ કરી દીધો. એનાથી રડી પડાયું.
“આ તારો કોલ આવે છે.” બાજુમાં બેઠેલી સખીએ આનલના ખભે હાથ ફેરવતા કહ્યું.
આનલે ફોન લીધો. સામે છેડે રોહિત હતો.
“જો હવે ફોન કટ ના કરતી. શું થયું કંઈ તકલીફ હોય તો જણાવ મને, તું રડે છે કેમ?”
“તારી મા મરી ગઈ એટલે રડું છું, સાલા ગધેડા...” આનલને રોહિત પર બરાબરની ખીજ ચઢી હતી.
“અરે...માઇન્ડ યોર લેન્ગવેજ."
“નહીં કરું જા, થાય એ કરી લે, એક નંબરનાં જૂઠ્ઠાડાં, કોના લગ્નનો ફોટો મોકલેલો, હ્મ્મ?” આનલથી ધ્રૂસકું નંખાઈ ગયું.
બે ઘડી બંને છેડે શાન્તિ છવાઈ.
“મેં જે કર્યુ એ તારી ભલાઇ માટે જ કરેલું. તું જીવનમાં આગળ વધે, ખુશ રહે એટલે એમ કરવું મને જરૂરી લાગ્યું હતું. બે વરસ પહેલા જ્યારે મમ્મી ઊંઘમાં જ ગુજરી ગઈ ત્યારે સૌથી પહેલાં મને તારો જ વિચાર આવેલો. હું તને કોલ કરવા જ જતો હતો કે સામેથી તારો મેસેજ આવેલો, તે તારા સુખી પરિવારનો ફોટો મોકલ્યો હતો. એ જોયા પછી તને ડિસ્ટર્બ કરવાનું...”
“એ ફોટોમાં મારી સાથે મારા મામાનો દિકરો અને એનો દિકરો હતો.” આનલે રોહિતની વાત કાપતાં કહ્યું, “હું હજી તારી જ છું.” આનલે રડતાં રડતાં કહ્યું.
બંને છેડે શબ્દોનો સંગાથ છૂટી ગયો પણ એકમેકના જોર જોરથી ઊછળી રહેલા હૃદય ફરીથી સાથે સાથે ધબકી રહ્યા...
“તું ક્યાં છે? એડ્રેસ આપ તું જ્યાં પણ હોય હું હાલ જ આવું છું.”
થોડીક મિનિટો પછી રોહિત અને આનલ એની જેગુઆરમાં સાથે હતાં... અને આ વખતે સદાને માટે!
–નિયતી કાપડિયા “નિર્ઝર”
05/06/2018
Thank you for reading this story. Share your thoughts or explore more works below.
Read more on Author Website ← Back to Stories