મારી વાત
આખો હૉલ ખીચોખીચ ભરાયેલો હતો. કેટલાય અજાણ્યા સ્ત્રીપુરુષો ત્યાં હાજર હતા. આ બધા ભેગા થયેલા એમનું દુઃખ વહેંચવા માટે.
પોતાના દુઃખ, તકલીફ, પીડા વગેરે બીજા આગળ કહી દેવાથી મન હળવું થઈ જાય છે, મનમાં શાંતિનો અનુભવ થાય છે એવી જ કોઈ વિચારણાથી પ્રેરાઈને આ ‘મારી વાત’ ગ્રુપ ચાલું થયેલું. આજે એ ગ્રુપના સભ્યોની મિટિંગ ચાલી રહી હતી. ત્યાં હાજર દરેક જણના હાથમાં વારાફરતી માઇક આવતો અને એ પોતાની આપવીતી કહી મન હળવું કરી રહ્યાં હતાં...
એક યુવાન અને સુંદર દેખાતી યુવતીના હાથમાં માઇક આવતા જ એણે ઊભા થઈ, અવાજમાં થોડુંક દર્દ ઘોળી એની વાત ચાલું કરી: મેં એને દિલથી ચાહ્યો હતો. એની દરેક બુરાઈ સાથે એને અપનાવેલો. એની તોછડાઈ, એનું અપમાન બધું હું સહન કરી લેતી. શરૂઆતમાં મને એમ કે એ પણ મને ચાહે છે પણ પછી એક દિવસ એણે નશામાં ધૂત થઈ કહ્યું કે, “હું એના માટે એક બોજ છું. હવે એ મને પ્રેમ નથી કરતો. એ મારાથી કંટાળી ગયો છે અને છૂટવા માટે હવાતિયાં મારી રહ્યો છે."
યુવતીએ સહેજ વાર ચૂપ રહી, હોઠ ભીડી કહ્યું, “મેં એનું ઘર સદાને માટે છોડી દીધું છે. હું એને ચાહી શકું પણ એની ઈચ્છા વિરુદ્ધ પરાણે એને વળગી રહેવાનું...” એણે ઘડીક અટકી ડુમો ગળા નીચે ઉતાર્યો, “મેં એને મુક્ત કરી દીધો.”
ત્યાં હાજર બધા સભ્યોએ તાળીઓના ગડગડાટથી એ યુવતીની વાતને વધાવી લીધી. કોઈકે કહ્યું, “સાચી વાત છે, તે બરાબર કર્યું."
માઇક એક યુવકના હાથમાં આવ્યો. વાદળી જિન્સ અને પીળું ટીશર્ટ પહેરેલા અને એકદમ ટૂંકા કપાયેલા વાળ વાળા યુવાને પોતાની વાત શરૂ કરી, “છેલ્લા ત્રણ વરસથી હું gpsc ક્લીયર કરવા પ્રયત્ન કરી રહ્યો છું. મારી સ્કૂલ સમયની ગર્લફ્રેન્ડને હું સમય નહોતો આપી શકતો. મારી સાથે જ એક્ઝામ આપી રહેલો મારો એક મિત્ર કલેક્ટર તરીકે સિલેક્ટ થઈ ગયો પછી મારી ગર્લફ્રેન્ડ અને એની વચ્ચે મુલાકાતો વધી ગઈ છે. મને લાગે છે કે એ બંને લગ્ન કરી લેશે. "
છોકરાનો અવાજ ઢીલો થઇ ગયો અને બધાએ તાળીઓ પાડીને એના દુઃખમાં ભાગીદારી નોંધાવી.
હવે માઇક એક કાકાના હાથમાં હતો, પોતાના ચશ્માં સરખા કરી, ખોંખારો ખાઈ એમણે મક્કમ સાદે કહ્યું,
“મારી પત્ની ગુજરી ગઈ અને વહુના હાથમાં રસોડું આવ્યું. વાત ખૂબ નાની છે, પણ મારા માટે અગત્યની છે. મને ચા વગર જરાય ચાલતું નથી. જીવનમાં મને એકમાત્ર વ્યસન છે અને તે આ ચા. મારી વાઇફ હતી ત્યાં સુધી એણે ક્યારેય મને ના નહતું કહ્યું, જ્યારે માંગુ ત્યારે ચા હાજર હોતી. આજે પુત્રવધૂ બે ટાઇમ ચા જરૂર આપે છે પણ એ ચા આપતી વખતે ચાનો કપ ટીપોય પર પછાડીને મૂકે છે. એ કપ અને ટીપોય વચ્ચે થતાં કર્કશ અવાજમાં મને તિરસ્કાર અને અણગમો સ્પષ્ટ સંભળાય છે. મારો ચા પીવાનો મૂડ માર્યો જાય છે. એમ થાય છે કે હવે તો મોત આવે તો સારું."
ફરી “આહ, ઓહ,"ના અવાજ અને તાળીઓ...
હવે માઇક એક નાની, આઠેક વરસની બાળકીના હાથમાં છે, ગુલાબી ફ્રોક પહેરેલી, ખૂબ જ માસૂમ અને વહાલી લાગતી બાળકી કહે છે,
“સોરી, હું તમારા ગ્રુપની મેમ્બર નથી હું દુઃખી નથી, હું બસ થોડી પરેશાન છું. મારું એક નાનું ડોગી ખોવાઈ ગયું છે. હું એને શોધી રહી છું. એનું નામ લવલી છે. મારી મોમ એને જરાય નથી ગમતી. જ્યારે મોમ મને ખાવા ન આપે ને મારાથી કંટાળી મને બાથરૂમમાં પૂરી રાખે ત્યારે લવલી એને જોર જોરથી ભસે છે. એકવાર તો એણે મોમને બચકું ભરી લીધેલું. બસ ત્યારથી મોમને એ ઘરમાં નથી જોઈતું. મારી સાચી મમ્મી ભગવાન પાસે ચાલી ગઈ એ જ દિવસે મારા અંકલના ઘરે આ પપી જન્મ્યું હતું. મને એમ કે જાણે મારી મમ્મી મરી ગઈ અને ફરી મારી સાથે રમવા માટે આ પપી બનીને આવી છે. મેં એ પપીને મારી સાથે રાખી લીધું અને એ પણ મને સૌથી વધારે લવ કરે છે, મારા ડેડ, ને મારા નવા આવેલા ભાઈ કરતા પણ વધારે. એ ખબર નહિ આજ સવારનું ક્યાંક ચાલી ગયું છે. મને મળી નથી રહ્યું...એ આખું સફેદ છે અને એના કપાળે નાનો બ્રાઉન સ્પોટ છે. તમને કોઈને એ મળી જાય તો પ્લીઝ એને મારી પાસે મોકલી આપજો. એને કહેજો કે રીમઝીમ બેબી એને ખૂબ મીસ કરે છે, Thank you." છોકરીએ બે હાથ પહોળા કરી એ એના કૂતરાને કેટલું યાદ કરે છે એ બતાવ્યું અને પછી બધા સામે જોઈ હાથ જોડ્યા.
એ બાળકી પછી માઇક બીજી એક યુવતીના હાથમાં પકડાવી “લવલી...લવલી..." એમ બૂમો પાડતી ત્યાંથી ચાલી ગઈ. આ વખતે ના તાળીઓ વાગી, ના કોઈ અવાજ આવ્યો...આખા હૉલમાં એક મૌન ફેલાયેલું રહ્યું, કેટલીય ક્ષણો સુધી બધા ચૂપચાપ પૂતળા જેમ બેસી રહ્યાં!
(અમુક દુઃખ, મન પર પડેલા ઉઝરડા અને એની ઊંડી પીડા, શબ્દોથી નહિ પણ અનુભવે જ બીજાને સમજાય છે. -નિર્ઝર)
Thank you for reading this story. Share your thoughts or explore more works below.
Read more on Author Website ← Back to Stories