અવિરત અને જીયા
મોરપંખની ભાત વાળી કુર્તી ને આછા આસમાની રંગનુ જિન્સ પહેરેલી જિયાએ એનાં પાતળા મોંઢાને ચારે બાજુ ગુમાવી, અલગ અલગ ખૂણેથી તપાસીને, બેકાબૂ બનેલ એક સ્વછંદી લટને ચહેરા પર વેલાની જેમ લહેરાવા દઈને, ચાર ફોટા ખેચ્યા ને એમાંના એકને ફેસબુક પર મુક્યો. હવે એનું આજનું જરૂરી કામ આટોપાઇ ગયું હતું. એ નવરી પડીને જરા આડી પડવાનો વિચાર જ કરતી હતી ત્યાં હાથમાં રહેલાં ફોન પર એક નોટીફિકેશન જોયું. એ જણાવી રહ્યું હતું કે એના પતિ અવિરતે કોઈ રાવિ નામની છોકરીની પોસ્ટ પર કોમેંટ કરી હતી...
ખલાશ! એટલું જોતા જ જિયાની ઊંઘ ઉડી ગઈ. એણે તરત જ એ પોસ્ટ ખોલીને અવિરતની કોમેંટ જોયી,
“Looking beautiful dear! Awesome pic.”
એ ઘટનાની બીજી જ મિનિટે જિયાનું મગજ ફાટ ફાટ થઈ રહ્યું હતું. મારા ફોટાને તો એક લાઈક આપવાનોય સાહેબને ટાઇમ નથી ને અહીં કેવી કોમેન્ટો મારવા નવરાશ મળી જાય છે! એણે મનમાં ને મનમાં અવિરત પણે અવિરતને કેટલુયે સંભળાવ્યુ પછી વિચાર્યુ કે એ પોતે અત્યારે અહિં હેરાન પરેશાન થઈ રહી છે ને, પેલો તો ઓફીસમાં નવરો (!) બેઠો બેઠો શી ખબર એની કઈ સગલીની સાથે ચેટિંગ કરી રહ્યો હશે?
આખરે એક નિર્ણય લઈને જિયાએ એના પતિદેવને ફોન જોડ્યો.
“હલો!” અવિરતે વાઈફ કોલિંગ જોતા જ ફોન ઉઠાવ્યો.
“લ્યો કેવી પેલ્લી જ રિંગે ફોન ઉઠાવી લીધો, હાલથી જ નવરા પડી ગ્યા કે ફોન હાથમાં લઈને જ બેઠાં'તા?"
“મારા માટે તો કોઈ દી તમારી પાસે ટાઈમ જ નથ હોતો ને પેલી, એમની સખીઓને મેસેજ કરવા તો આખો દા'ડો નવરા ને નવરા!”
“તું કોની વાત કરે છે?" અવિરતે આંખો બંધ કરીને માંડ શાંતિ જાળવતા ધીરેથી પુછ્યું.
“કોની? તે હમણા જેને તમે લખેલુંને કે બવ રુપાળી લાગસ એ તમાર હગલીની વાત કરું સુ.”
“જો હાલ હું મિટિંગમા વ્યસ્ત છું ઘરે આવીને વાત કરીએ?" અવિરતે એની તરફ મંડાયેલી બાર આંખો તરફ કઈંક ખેદથી જોતા શાન્તિથી કહ્યું.
“લે તારી! ન્યા મિટિંગોમાં વ્યસ્ત સે તે અહીંયા આ ફેસબુકમાં કિયો નવરો બધુ કુટ્યા કરતો સે?"
“મેં એવુ તો શું લખી માર્યું છે?" અવિરતે કંટાળીને પુછ્યું.
“ના, ના, હવે તમે પારકી બાઈયુંની પોસ્ટમાં ઘૂસીને હુ, હુ કૉમેન્ટ કરી આઇવા એયે પાસુ મારે યાદ કરાવવાનું?”
“જો મગજની નસ ના ખેંચ જે કેવું હોય એ જલદી બકી મર.”અવિરતે જરા ગરમ થઈને સંભળાવ્યું.
“હું બકવાટ કરુ છું? આ હારુ, આંયા હું આખો દિ નોકરની જેમ તમારુ ઘર હંભાળુ ને તમે, તમે...ફોન ઉપર બીજી છોડીઓ હારે...એ... ઈએ...” જિયા વાત કરતા કરતા જ રડી પડી.
“ઘરેથી વાઇફનો કોલ છે.” અવિરતે સહેજ ઝંખવાઇને એના સ્ટાફને થોડી વાર માટે મિટિંગ મોકુફ રાખી બહાર જવાનો ઇશારો કર્યો.
“ઓ.કે. સર આપણે લન્ચ-બ્રેક પછી મળીયે.”
બધા બહાર ગયા પછી અવિરતે વાત શરુ કરી,
“જિયા પ્લિજ યાર, જરાક તો મને સમજવાનો પ્રયત્ન કર! મને ખરેખર કઈ સમજમાં નથી આવી રહ્યું. તું કોની વાત કરે છે? મેં કોને મેસેજ કર્યો હતો? મારું તો મગજ બહેર મારી ગયુ છે! જે યાદ છે એય બધુ ભુલી જઈશ.”
“નાટક કરવામા આમને કોઈ નઈ પહોંચે! તમારી સગલી પેલી રિયાડીની વાત કરું સુ,આજ હવારે,"
“ઓહ માય ગોડ! યાદ આવી ગયું.” અવિરત શાન્તિ સુરમાં બોલ્યો.
“અરે એ રિયા એટલે સુનિતાબેનની મોટી દિકરી, જેના લગ્નના ઘરેણા બનાવવાનો આપણને ઓર્ડેર મળ્યોછે એ. આમ જુઓ તો એ મારી ભત્રીજી થાય.”
“ઓ... પેલી સુનિતાબેનની રિયા! ફોટામાં તો ઈ કેવડી મોટી લાગે સે, નઈ? મી'તો ઓળખી જ નઈ. તમેય ખરા માણસ સો પેલ્લા જ ઓળખાણ કાઢી દીધી હોત તો હું કંઈ આટલી મગજમારી કરત! ખાલી ખોટો મારો કેટલો ટાઈમ બગાડ્યો.”
“મેં તારો ટાઇમ બગાડ્યો?”
“તો શુ?” જિયાએ કંટાળીને કહ્યું, “હારું હાલો મેલો હવે, જૈ સી ક્રુષ્ણ!”
તો આ હતા આપણી આજની વાર્તાના પાત્રો, અવિરત અને જિયા. બન્ને જણાના લગ્નને ચાર વરસ થઈ ગયા હતા. અમદાવાદી અવિરતને ફેસબુક પર રાજકોટની જિયા સાથે ઓળખાણ થયેલી. બન્ને જણા ચેટિંગ કરતાં કરતાં એકબીજાને લવ કરતાં થઈ ગયેલાં. છેલ્લે વાત લગ્ન સુધી આવી પહોચેલી ને બન્ને પછી પરણી ગયેલાં. આમ જુઓ તો એ લોકો સુખી હતા. એક્બીજાને હજી ચાહતા હતાં છતાં, જિયાને ક્યારેક થતું કે, જેમ અવિરતે ફોન પર વાતો-ચેટિંગ કરી કરીને એને પટાવી એમ એ હવે કોઈ બીજીને તો નહી પટાવતો હોય ને. આ એક શંકાને લીધે જ જિયા અવિરતના ફોન પર ચાંપતી નજર રાખતી. જો એ કોઈ જુવાન છોકરી સાથે વાત કરતો કે એનો ફોટો લાઈક કરતો પકડાઇ જતો, તો એ બિચારાનું આવી બનતું. ખેર, આવા ખાટા મીઠા ઝગડા વચ્ચે પણ એમનુ દાંપત્ય જીવન એકંદરે સારી રીતે ચાલ્યા કરતું હતું.
એક દિવસે અવિરત કંઇક વધારે કામમાં હતો. એ સવારે જ એનાથી એક ભુલ થઈ ગઈ હતી. મજાક મસ્તીમાં એણે જિયાની માસીની દિકરી સાથે થોડી વધારે પડતી લાંબી વાતો કરી લીધી હતી. અવિરતને મનોમન ચિંતા હતી કે હમણા જિયાનો ફોન આવશે, એ લડાઇ કરશે ને કામમા વધુ વીલંબ કરાવશે.
ઓફિસમાં એક બહુ જરુરી ચર્ચા ચાલી રહી હતી ત્યાં જ એનો ફોન રણ્ક્યો. જિયાનો કૉલ હતો. અવિરતને ખીજ ચઢી ગઈ. શક કરવાનીયે કોઈ હદ હોય કે નહિ! એ મને શું સમજી બેઠી છે? અજાણતા જ એણે ફોન સાઈલન્ટ મોડ પર મુકી દીધો.
ઓફિસની ચર્ચા થોડી લાંબી ચાલી. મોડી સાંજે એ નવરો પડ્યો કે તરત યાદ આવ્યુ, જિયાનો ફોન આજે ના આવ્યો! ફોન હાથમા લેતા જ એણે જોયુ તો જિયાના ચાર મિસકોલ હતા. એનાથી હસી પડાયુ. જિયા કેવી ચિડાઇ હશે એ વિચારે એને વધારે હસવું આવ્યું. પછી પાછું વિચાર્યુ કે, બિચારી આખો દિવસ ઘરમાં એકલી હોય, એનુંય કોઇની સાથે વાત કરવાનુ મન તો થાય જ ને! એણે મનોમન નક્કી કર્યુ કે ઘરે જતા એ પિક્ચરની ટિકિટ લેતો જશે, જિયાને ફિલ્મ જોવાની બહુ ગમે.
ઑફિસનું બધું કામ પરવારી, ફિલ્મની ટિકિટ લઈને એ ઘરે પહોચ્યો ત્યારે સાડા સાત થઈ ગયા હતા. એણે બેલ માર્યો. એક, બે, ત્રણ ...ચાર વાર બેલ માર્યો.
“જબરી ચિડાઈ લાગે છે!” એ મનોમન હસી પડ્યો ને ગજવામાંથી ડુપલીકેટ ચાવી કાઢી એણે બારણું ખોલ્યું.
“જિયા...!” જરા લાડથી બોલતો એ આગળ ચાલ્યો અને આગળ જતાં જ એ થંભી ગયો. એની આંખો ફાટી ગઈ. એની નજર આગળનુ દ્રશ્ય જોઇને એને કમકમા આવી ગયા.”
“જિયા... શું થયુ તને?”
અવિરત બેડરુમમાં પ્રવેશ્યો તો એણે જોયુ કે જિયા પલંગ પરથી નીચે જમીન પર ઉંધી પડેલી હતી ને એની બાજુમાંથી લોહીનો રેલો નિકળતો હતો!
બેબાકળો બનીને એ જિયા તરફ કુદ્યો. બે હાથોથી પકડીને એણે જિયાને સીધી કરી ને એનુ માંથુ ખોળામાં લઈ એને ઢંઢોળી. જિયા બેભાન હતી.
“જિયા, જિયા? શું થઈ ગયું તને? કોઇ ગુંડો ઘરમાં ઘુસી આવેલો? તારી ઉપર કોઇએ હુમલો કર્યો? કે તે આપઘાત કરવાનો તો પ્રયત્ન નહતો કર્યો? હે ભગવાન આ શું થઈ ગયુ?
વધારે વખત ના બગાડતા અવિરતે પછી એને બન્ને હાથોમાં ઉઠાવી લઈ ગાડીમાં સુવડાવી હતી અને ગાડી હોસ્પિટલ તરફ ભગાવી મેલી હતી.
લગભગ અડધા કલાકે નર્સે આવીને કહ્યું, “એમને ગર્ભપાત થઈ ગયો છે. ત્રણ મહિનાનો ગર્ભ હતો. લોહી ખુબ જ વહી ગયુ છે. જો જલદી લોહી નહી મળે તો...” નર્સે વાક્ય અધુરું છોડ્યું.
થોડીવાર રહીને એક બિજી નર્સે આવીને કહ્યું, “બી નેગેટીવ! આ ગ્રુપનુ લોહી અમારી પાસે નથી જો એમના કોઈ સગાનું આજ ગ્રુપ હોય તો બોલાવી લો એમને.”
“સગા? સગા તો અહીં કોઇ નથી. એનો એક ભાઈ છે અહીં પણ એનું લોહી જુદું છે.”
“તમે પ્રયત્ન કરી જુઓ અમે પણ બીજી જગાએ જોઇએ છીયે”
એ આખી રાત અવિરત માટે કયામતની રાત હતી. શા માટે? શા માટે એણે જિયાનો ફોન નહોતો લીધો, બસ આ જ એક વાત એના દિલને કોરી રહી. બસ એક્વાર જિયા સાજી થઈ જાય તો, એ કદી પછી કોઇ છોકરી સાથે વાત પણ નહી કરે! એવુ એ મનોમન નક્કી કરતો રહેલો. આખરે એ રાત વીતી ગઈ...
સવારે જિયા ભાનમાં આવી ગઈ હતી. ભગવાનનો પાડ માનતો અવિરત એની બાજુમાં જ એનો હાથ પકડીને બેઠો હતો. આખી રાતનો એને ઉજાગરો હતો, છેલ્લાં કેટલાંય કલાકોનો ઉપવાસ હતો, છતાં એ ખુશ હતો.
નર્સે આવીને જિયાની તબિયત પુછીને સાથે જણાવ્યું કે એ કેટલી નસીબદાર છે, એનો પતિ એને કેટલુ ચાહે છે. એના ગ્રુપનું લોહી મેળવવા એણે કેટકેટલા લોકોને પુછ્યું હતું. ફેસબુક-વોટ્સએપ બધી જગાએ એણે કેટલો પ્રયત્ન કર્યો હતો.
“પણ તે મારો ફોન હુ કામ નો'તો ઉપાડ્યો?” જિયાએ ધીરેથી પુછ્યું.
“અરે યાર મને એમ કે તારી માસીની દિકરી જોડે થોડી લાંબી વાત કરેલી એટલે તું મને ખીજાઈશ.”
“લે તે મારી બેન ઇ તારી બેન નંઈ? એની હારે તું વાતુ કરે એમાં હું કોઇ દી બોલતી હોઉં.”
“સોરી યાર, ભુલ થઈ ગઈ.” અવિરતે ક્ષોભ સાથે કહ્યું.
“ભુલ તો મારાથી થઈ ગઈ, હું તમારી અમાનત સાચવી ના શકી.” જિયા થોડી ઢીલી થઈ ગઈ,
“અચાનક પેટમાં દુખાવો ચાલુ થઈ ગ્યો તો, મેં તમને ફોન કરેલો ને પછી હું ઢળી પડી.”
અવિરતે પ્રેમથી જિયાને માથે હાથ ફેરવી એને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો.
“પણ મને લોહી કોણે આલ્યું? મારું બ્લડ ગ્રુપ તરત તો નઈ મળ્યું હોય.” જિયા જરાક મલકાઈ.
“પ્રિતીએ.”
“પ્રિતી? એવડી ઇ વળી કોણ સે?” જિયાનાં કપાળ પર અચાનક જ ત્રણ કરચલી પડી ગઈ.
“એ... એ મારી સાથે કોલેજમાં ભણતી'તી. આમ કોઈ ખાસ કોન્ટેક્ટ નથી બસ કોઇ કોઇ વાર એની સાથે વાત થઈ જાય.” અવિરતને ભૂલથી સાચું નામ લઈ લીધા બાદ હવે પરસેવો વળી રહ્યો હતો.
“તમારે કોલેજ સોડ્યાને તો વરહો થઈ ગ્યા તઈ તમે હજી એની હારે સ્હુ કામ વાતો કરો છો?”
જિયા આંખો ઝીણી કરીને, કપાળમાં શક્ય એટલી કરચલી લાવીને અવિરતને અવિરત નજરે વિંધી રહી હતી, ને અવિરત, એ બિચારો માથું જુકાવી, નજરને નીચે રાખી વિચારી રહ્યો કે જિયાને તો બચાવી લીધી પણ હવે એને આ શંકાના ચક્કરમાંથી કોણ બચાવશે? - નિયતી કાપડિયા “નિર્ઝર
Thank you for reading this story. Share your thoughts or explore more works below.
Read more on Author Website ← Back to Stories