લાલ ગુલાબ
એક છોકરી હતી, એના બગીચાનાં બધા ફૂલ કોઈ કારણ વગર જ સુકાઈ રહેલા અને એ જોઈ એ છોકરી ખૂબ ઉદાસ થઈ જતી. છોકરીના ઘરથી થોડેક આગળ એક બીજું મોટું મકાન હતું. કહો કે મોટી હવેલી હતી. એ હવેલીનો માળી રોજ એ રસ્તે પસાર થતો અને પેલી સુંદર છોકરીને એક નજર જોઈ લેતો. એક દિવસ એણે નોંધ્યું કે બગીચામાં ફૂલો સુકાઈ રહ્યા છે અને એને લીધે જ એ ફૂલો જેવી સુંદર છોકરી ઉદાસ રહે છે.
“તમે વધારે પડતું ખાતર આપી રહ્યા છો જેને લીધે છોડ નબળા પડી રહ્યા છે." એ માળી એના કામમાં એક્સપર્ટ હતો અને સુકાઈ રહેલા છોડ જોઈ તરત જ એણે ઉપાય બતાવ્યો.
છોકરીને પહેલાં તો આ અજાણ્યા માણસને આવી ટકોર કરતો જોઇ નવાઈ લાગી પણ પછી થયું કે કદાચ એની વાત સાચી હોય. છોકરીને ફૂલો પસંદ હતા અને તેને માટે એ કોઈ પણ ઉપાય કરવા તૈયાર હતી. માળી સહેજ હસીને ચાલ્યો ગયો. છોકરીએ છોડને ખાતર આપવાનું બંધ કર્યું અને જોયું કે થોડાક જ દિવસોમાં છોડ ફરી તંદુરસ્ત થઈ ગયા. ફૂલો વધારે સુંદર દેખાવા લાગ્યા. છોકરીને થયું કે એણે પેલા અજાણ્યા માણસનો આભાર માનવો જોઈએ જેની સલાહને લીધે આ ફૂલો ફરી ખીલી ઉઠ્યા.
છોકરીએ તે છોકરાને પહેલાં ક્યારેય જોયો ન હતો. એની યાદ રૂપે છેલ્લે જોયેલો એક હસતો ચહેરો જ દેખાતો હતો. એક દિવસ એ છોકરી કોઈ કામથી પેલા મોટા હવેલી જેવા ઘર આગળથી પસાર થઈ રહી હતી ત્યાં એણે બગીચામાં અનેક સુંદર ફૂલો જોયા, સાથે જ એની માવજત લઈ રહેલા માળીને જોયો. “અરે આ તો એ જ છે જેણે મને સલાહ આપેલી." છોકરીનું દિલ કહી ઉઠ્યું અને એ ખુશ થઈ ગઈ.
બીજે દિવસે બગીચામાંથી એક સુંદર લાલ ગુલાબ ચુંટી છોકરી પેલા માળી પાસે આવી અને એને એ ગુલાબ આપતા કહ્યું, “આ તમારા માટે છે. મારા તરફથી એક નાનકડી ભેંટ. તમારી સલાહ પ્રમાણે મેં ખાતર આપવાનું ઓછું કર્યું અને મારા બગીચાનાં ફૂલો ખીલી ઉઠ્યા."
“ખૂબ આભાર, પણ એક માળી તરીકે એ મારું કામ છે. તમે ભૂલ કરી રહેલા એ મેં જોયું એટલે તમારું ધ્યાન દોર્યું. આટલું સરસ ફૂલ તમારે મને નહિ કોઈ યોગ્ય વ્યક્તિને આપવું જોઈએ." માળીને ફૂલ લેતા સહેજ સંકોચ થયો. પોતે એક ગરીબ, સાવ સામાન્ય માળી છે એ ભાવ એના મનમાં આવી ગયો.
“એ રસ્તેથી રોજ કેટલાય લોકો પસાર થાય છે, પણ તમારા સિવાય કોઈએ ફૂલોની કે મારી પરવા નહોતી કરી. આ ફૂલ હું ખાસ તમારા માટે જ લાવી છું અને એ તમારે જ રાખવું પડશે. માની લો એ તમારા જ નસીબમાં લખાયેલું છે." છોકરીની આંખોમાં કંઇક એવું હતું કે માળી ના ન કહી શક્યો અને ફૂલ રાખી લીધું.
છોકરી ચાલી ગઈ પણ માળીને થયું કે પોતે આવી સુંદર ભેંટને લાયક નથી. હકીકતે એને હવે એ સુંદર છોકરીથી તકલીફ થઈ રહેલી. પોતે સહેજ પણ એની લાગણીને લાયક નથી એ વિચાર એને દુઃખી કરવા લાગ્યો. થોડોક વિચાર કરીને એણે એ ફૂલ પોતાના માલિકને આપી દીધું, એમણે એને અહીં કામ પર રાખ્યો ત્યારે જ એ પેલી યુવતીના ઘર આગળથી પસાર થઈ શક્યો અને આ બધી ઘટના બની.
માલિક એ સુંદર ફૂલ તરફ જોઈ રહ્યાં અને એમને થયું કે આ ફૂલ એમની પત્નીને ગિફ્ટ કરવું જોઈએ, હમણાંથી પોતે વ્યસ્ત રહે છે અને પત્નીનું ધ્યાન નથી રાખી શકતા. એને સારું લાગશે. એમણે માળી પાસેથી ફૂલ લઈ લીધું અને પોતાની પત્નીને ભેંટ આપ્યું. માલિકની પત્નીનાં હાથમાં આ સુંદર ગુલાબ આવ્યું એટલે એ ખૂબ રાજી થઈ સાથે ચિંતા પણ થઈ કે આટલું સુંદર ફૂલ થોડાક જ સમયમાં સુકાઈ જશે. કલાક બે કલાક બાદ એના રૂપરંગ બદલાવા લાગશે પછી એ કોઈ કામનું નહિ રહે. એણે ઘરની નોકરાણીને એ ફૂલ આપ્યું અને કહ્યું કે દીવાનખંડનાં ફ્લાવર વાઝમાં આ ગુલાબ વધારે સમય આવું જ ખીલેલું રહી શકે તેવી રીતે ગોઠવીને મૂકી દે.
નોકરાણી ફૂલ લઈ ગઈ. ફૂલ ખરેખર ખૂબ સુંદર હતું. એની સુંદરતાને લીધે એ બીજા ફૂલોને ઝાંખા પાડી રહેલું. નોકરાણીએ વાઝમાં બીજા ગુલાબનાં ફૂલો ગોઠવી દીધા અને એ ગુલાબ છુપાવીને પોતાની સાથે લઈ ગઈ. તેણે એ ગુલાબ બંગલામાં ડ્રાઈવર તરીકે કામ કરતા પોતાના પ્રેમીને આપ્યું. પ્રેમીને ફૂલ જોઈ કોઈ અલગ જ લાગણી થઇ આવી. એને થયું કે આટલું સુંદર ફૂલ મારા કંઈ કામનું નથી. આ એને મળવું જોઈએ જે ખરેખર આવા સુંદર ફૂલોને ખીલવે છે. એણે ગુલાબનું ફૂલ રસ્તામાં આવતા એક નાનકડા મંદિરમાં ભગવાન આગળ મૂકી દીધું.
એ મંદિરમાં રોજ દર્શન કરવા આવતા એક યુવકે એ ફૂલ જોયું અને ભગવાનને પગે લાગી એમના આશીર્વાદ રૂપે ઉઠાવી લીધું. તે યુવક પોતાની સાયકલ ઉપર સવાર થઈ આગળ વધી રહેલો ત્યાં જ સામેથી આવી રહેલી એક ગાડીથી બચવા એણે સાયકલ ઝડપથી સહેજ સાઈડમાં વાળી અને ફૂલ હાથમાંથી નીચે પડી ગયું.
થોડાક સમય બાદ તે ઘરે પોસ્ટ આપવા આવેલા પોસ્ટમેનની નજર જમીન પર પડેલા ગુલાબ ઉપર પડી અને એની સુંદરતા જોઈ એણે તે ઉઠાવી લીધું. થોડેક આગળ જઈ એક ઘર આગળ પોસ્ટમેન ઊભો રહ્યો અને દરવાજો ખખડાવ્યો. એક માણસે આવીને દરવાજો ખોલ્યો એને કેટલાક પત્રો આપી પોસ્ટમેન જવાનું જ કરતો હતો ત્યાં જ અચાનક એ ઊભો રહી ગયો અને પૂછ્યું,
“તમે અહીંયા માળી તરીકે કામ કરો છે ને? મેં તમને બગીચામાં પાણી છાંટતા જોયા છે."
માળીએ “હા" કહી એટલે ટપાલીએ પેલું ગુલાબ એની આગળ ધર્યું. “મારી સાથે તડકામાં ફરીને આ બિચારું કરમાઈ જશે, આને તમે જ રાખો. કોઈક તમારા જેવા જ ફૂલોના ચાહકે આને ઉછેર્યું હશે આના અસલી હકદાર તમે જ છો."
માળીએ ફૂલ હાથમાં લીધું અને ધ્યાનથી જોયું. આ તે જ ગુલાબનું ફૂલ હતું જે પેલી સુંદર યુવતી સવારે એને આપી ગયેલી અને કહેલું કે,
“આ ફૂલ હું ખાસ તમારા માટે જ લાવી છું અને એ તમારે જ રાખવું પડશે. માની લો એ તમારા જ નસીબમાં લખાયેલું છે."
માળી ફરીથી સહેજ હસ્યો અને એ ફૂલ રાખી લીધું.
આપણી આસપાસ ઘટતી નાની નાની ઘટના કોઈક મોટી ઘટનાને અંજામ આપવા જ ઘટી રહી હોય એ શક્ય છે. જે તમારા જ નસીબનું છે એ ગમે ત્યાંથી ફરતું ફરતું તમારી પાસે પરત આવશે અને એ ઘટનાને અંજામ આપવા જ કેટલીય નાની નાની ઘટના ઘટતી રહેવાની.
- નિયતી કાપડિયા “નિર્ઝર”
Thank you for reading this story. Share your thoughts or explore more works below.
Read more on Author Website ← Back to Stories