ચિત્રકારની મુંઝવણ
એક જગ્યાએ એક ચિત્રકાર રહેતો. એ ખૂબ સુંદર ચિત્રો બનાવતો. ઘણાં બધાં એની કળાનાં ચાહક તથા ચિત્રોનાં ખરીદદાર હતા. આ બધું છતાં ચિત્રકારને સંતોષ નહોતો. મનોમન એને એમ થયાં કરતું કે એણે એની કળા હજી વધારે સુંદર બનાવવી જોઈએ. એના ચિત્રમાં જે કંઈ થોડી ઘણી કમી રહી જતી હોય એને દૂર કરવી જોઈએ.
ચિત્રકારની મુશ્કેલી એ હતી કે ચિત્રમાં રહી ગયેલી કમી એને દેખાડે કોણ? એને જાતે જે સુધારા વધારા કરવાનું સૂઝે એ તો એ તરત જ કરી લેતો પણ જે ભૂલ એને ના દેખાય એને કેમની સુધારવી?
એક દિવસ પછી એણે એ મુશ્કેલીનો ઉપાય પણ વિચારી લીધો...
ચિત્રકારે એક સુંદર ચિત્ર તૈયાર કરી એમના નગરના ચોકમાં મૂક્યું અને ચિત્ર નીચે લખ્યું કે જેને પણ આ ચિત્રમાં કોઈ ખામી દેખાય એ પેન્સિલ વડે ત્યાં એક ટપકું કરી દે.
સાંજે જ્યારે ચિત્રકાર ચોકમાં ગયો તો એનું ચિત્ર જોઈ નિરાશ થઈ ગયો. આખા ચિત્ર પર ઠેર ઠેર કાળા ટપકા કરેલા હતા. કોઈ એક એવી જગ્યા બાકી નહોતી બચી જ્યાં કાળું ટપકું ના થયું હોય. એ ખૂબ હતાશ થઈ ગયો. આવું ત્રણેક વખત બન્યું પછી એણે ચિત્ર દોરવાનું જ છોડી દીધું!
એ ઘટનાને થોડાં દિવસો બાદ ચિત્રકારનો એક મિત્ર એને મળવા આવેલો. એ મિત્રએ જોયું કે ચિત્રકાર નવા ચિત્ર નથી બનાવી રહ્યો. એણે કારણ પૂછ્યું ત્યારે ચિત્રકારે એની મુશ્કેલી જણાવી. ચોકમાં જે બનેલું એ આખો પ્રસંગ કહી એ ટપકાં વાળા ચિત્રો પણ બતાવ્યા.
મિત્રએ થોડીક વાર વિચાર કર્યો ને પછી ત્યાંથી ઊભા થઈ એ ઓરડામાં પડેલું એક બીજું જૂનું ચિત્ર લીધું..એણે એ ચિત્ર ચિત્રકારને દેખાડી કહ્યું કે આજે આપણે આ ચિત્રને ચોકમાં મુકીશું.
ચિત્રકાર મિત્રની વાત માની એમ કરવા તૈયાર થયો. એ જ્યારે ચિત્ર નીચે અગાઉ લખેલું એવું જ વાક્ય લખવા ગયો ત્યારે એના મિત્રે એને રોકતા કહ્યું, “એક મિનિટ ઊભો રહે દોસ્ત, આ વખતે હું કહું એમ લખ.”
ચિત્રકારે ચિત્ર નીચે સૂચના લખી, “જેને પણ આ ચિત્રમાં કોઈ ખામી દેખાય એ એને સુધારી જાય."
બંને મિત્રો સાંજે ફરી પાછા એ ચિત્ર પાસે ગયા ત્યારે જોયું કે એ ચિત્ર પર એક પણ નવી રેખા ખેંચાયેલી નહોતી!
ચિત્રકારના મિત્રએ કહ્યું, “જોઈ લે, દુનિયા આવી જ છે દોસ્ત! એ તમને તમારી ખામીઓ જરૂર દેખાડશે પણ એમાંથી કોઈક જ એવું હશે જે તમારી એ ખામીને સુધારવામાં રસ દાખવશે. આપણે ખામી દેખાડનાર કરતાં ખામી સુધારનાર તરફ વધારે ધ્યાન દેવું જોઈએ."
ચિત્રકારને એના મિત્રની વાત સમજાઈ ગઈ, એણે નક્કી કર્યું કે જ્યાં સુધી કોઈ સ્પષ્ટ રૂપે એની ભૂલ દેખાડી એ ભૂલ કેવી રીતે સુધારી શકાય એમ નહિ જણાવે ત્યાં સુધી એ લોકોની વાતો સાંભળી નિરાશ નહિ થાય અને પોતે પ્રયત્ન કરી નવું શીખવાનું છોડી નહિ દે. ચિત્રકારની મુશ્કેલીનો અંત આવ્યો ને એ ફરી પીંછી હાથમાં પકડી નવા ચિત્રો દોરવા લાગ્યો. -નિયતી કાપડિયા “નિર્ઝર”
Thank you for reading this story. Share your thoughts or explore more works below.
Read more on Author Website ← Back to Stories