Home About Books Stories Articles Gallery Contact
Romance • 5 Min Read

તમે પરેન્ટ્સનું અપડેટેડ વર્ઝન છો કે હજી એનું એ જ જૂનું મોડેલ

Niyati Kapadia June 16, 2026
તમે પરેન્ટ્સનું અપડેટેડ વર્ઝન છો કે હજી      એનું એ જ જૂનું મોડેલ

આ આજકાલના બાળકો એટલે બાપ રે બાપ! એમને એકેય વાતે ના પહોંચી વળાય. અમે નાના હતા ત્યારે તો મમ્મી-પપ્પા કે દાદા-દાદી જે કહે તે બધું તરત માની જતાં. એ કહે કે ચાંદાને મામા અને સૂરજને દાદા કહેવાનું તો કહી લેતાં. અમે સામે કદી એવો સવાલ નહોતા કરતાં કે મમ્મી ચાંદો તારો ભાઈ થાય તો આપણે તારા એ ભાઈએ કેમ રાખડી બાંધવા નથી જતા? વેકેશનમાં સૂરજદાદાને ત્યાં જઈને રસ પૂરી ખાવાની જીદ નહોતા કરતાં. કોઈક વાર ભૂલે ચૂકેય જો બાપા આગળ જીદ કરી હોય ને બાપા હાથમાં ધોકો લે તો ચૂપચાપ મિયાની મિંદડી જેવા થઈ કોઈની નજરે ના ચઢાય એવા ઘરના એક ખૂણે ભરાઈ જતાં...

આ બધી તો થઈ અમારા ભવ્ય બાળપણની વાતો જેને યાદ કરીએ ત્યારે ખરેખર એમ થાય છે કે અત્યારના બાળકો બદલાય ગયા છે કે અમને જ અમારા બાળકોને સાચવતા નથી આવડતું. એ લોકો અમને નથી જ ગાંઠતા એ હકીકત છે. જ્યારે બાળપણમાં માબાપ કહે એમ કરવું પડતું હતું ત્યારે વિચાર આવતો કે અમે જે દિવસે મોટા થઈ જઈશું, મમ્મી કે પપ્પા બની જઈશું, ત્યારે બધું અમારું ધાર્યું જ કરશું. આવું વિચારી વિચારીને તો આખું બાળપણ વિતાવી દીધેલું અને આજે હાલ એ છે કે એક દોઢ વર્ષના ટેણીયા પાસેથી ટીવીનું રિમોટ પડાવી લેતાય નથી આવડતું!

હજી બે દિવસ પહેલા જ હું મારા દીકરી અને દીકરા સાથે વાતો કરતી બેઠી હતી. મેં કહ્યું કે તુર્કીનાં એક તળાવમાંથી ત્રણ હજાર વરસ જૂનો મહેલ નીકળી આવ્યો. એ જમાનામાં લોકો આજના જેવા અઘતન સાધનો વગર આવા ભવ્ય મહેલ કેવી રીતે બાંધતા હશે? સાચે જ એ વખતે દેવતાઓ પૃથ્વી પર વસતા હશે.

મારું વાક્ય જેવું પૂરું થયું કે તરત મારો દીકરો કહે એ બીજા ગ્રહ પરથી આવેલા એલિયન હતા. મને બાળકો સાથે આવી ચર્ચા કરવાની મજા આવે એટલે મેં કહ્યું, આ ખરું તમને કંઈ ના સમજાય એટલે તરત એલિયન હતા એમ કહી દેવાનું! મારી દીકરી કહે, અને તમને લોકોને કંઈ ના સમજાય એટલે તરત ભગવાને કર્યું એમ કહી દેવાનું!
મેં કહ્યું હા તે દુનિયાની રચના ભગવાને જ કરી છે. આ આપણો ગિરનાર પર્વત જ જોઈ લો એ કેવી રીતે બન્યો એની જાણ છે? મારા બંને બાળકોને મારી પાસેથી વાર્તા સાંભળવાની મજા આવે. એમને થયું કે મમ્મી હવે કોઈ લાંબો અને રસપ્રદ કિસ્સો કહેશે એટલે બંને પલાઠી વાળીને મારી સામે બેસી ગયેલા. મેં પણ પછી ચાલું કર્યું...

હજારો વરસો પહેલા, સતયુગના ઉતરાર્ધમાં આજે જ્યાં ગિરનાર પર્વત દેખાય છે ત્યાં એક ઊંડી ખીણ હતી. એમ કહી શકાય કે ઊંડો તળિયા વગરનો ખાડો હતો. એકવાર દેવોની માનિતી ગાય કામદુધા ત્યાંથી પસાર થતા એ ઊંડા ખાડામાં પડી ગઈ હતી. ત્યાં તપ કરી રહેલાં એક ઋષિ દંપતીએ આ દ્રશ્ય જોયું અને એમને ખૂબ દુઃખ થયું એટલે એમણે શ્રી વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી. એમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ ભગવાન હાજર થયા ને એમણે એ ખાઈને દૂધ વડે ભરી નાંખી. કામદુધા એ દૂધ પર તરતી તરતી બહાર આવી ગઈ. આ દ્રશ્ય જોઈ એ ઋષિ દંપતિ પ્રસન્ન તો થયું પણ સાથે જ એમને વિચાર આવ્યો કે આ ગાયની જેમ જ કેટલા બધા નિર્દોષ જીવ અકસ્માતે આ ખાડામાં પડી જતાં હશે અને જીવ ગુમાવતા હશે. એમણે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ તમે આ ખાડાને પૂરી દો તો અતિઉત્તમ.
વિષ્ણુ ભગવાને એમની વાત સ્વિકારી લીધી અને આ કાર્ય પાર પાડવા મેરુ પર્વતને કહ્યું કે તમારા પુત્રોમાંથી કોઈ એક ને કહો કે એ આવીને આ ખીણમાં સ્થાન લે જેથી આ ખાડો ભરાઈ જાય. મેરુપર્વતે આખી વાત સાંભળી દુઃખી અવાજે કહ્યું કે માફ કરજો પ્રભુ પણ મારા દીકરા હવે આ કામ પાર પાડી શકે એવી હાલતમાં નથી.

હવે એ જમાનામાં દરેક પર્વતને પાંખો હતી. એ એમનું મન થાય ત્યાં ઊડીને જતા અને પછી નીચે પડી જતાં. એમની નીચે દબાઈને કેટલાય ગામ નષ્ટ થઈ જતાં. એકવાર એક ગામનું સત્યનાશ વળેલું જોઈ ત્યાંથી પસાર થઈ રહેલા લોમેશ ઋષિને અત્યંત ક્રોધ આવી ગયેલો અને એમણે મેરુ પર્વતના દરેક પુત્રની પાંખો કાપી નાંખેલી. પાંખો વગરના પર્વત હવે ક્યાંય ઊડીને જઈ શકે એમ નહોતા. મેરુ પર્વત આ વાત કહી રહ્યા હતા ત્યાં એમના એક પુત્રએ કહ્યું કે જ્યારે લોમેશ ઋષિ અમારી પાંખો કાપી રહ્યા હતા ત્યારે અમારો સૌથી નાનો ભાઈ રેવતાચલ ભાગીને દરિયામાં છુપાઈ ગયેલો. એની પાંખો હજી સલામત છે એટલે એ આ કાર્ય કરી શકશે. મેરુપર્વતે પછી રેવતાચલને વાત કરી ત્યારે એણે ભગવાન આગળ ત્રણ શરત રાખેલી. એ ત્રણ શરત મંજૂર થઈ પછી જ રેવતાચલ ઊડીને સોરઠમાં આવેલી એ ખીણમાં સમાઈ ગયેલો. એ રેવતાચલ એટલે જ આજનો ગિરનાર. મેં આટલી વાત કહી અને પછી હું ચૂપ થઈ ગઈ. રેવતાચલ પર્વતની શી ત્રણ શરતો હતી એ જાણી લાવવાનું કામ મેં મારા બાળકોને સોંપ્યું અને એ ગૂગલ પ્રેમી બાળકો તરત એમના ફોન લઈ શોધખોળ કરવા લાગી ગયેલા.

સૌથી પહેલું તો એમને ગૂગલબાબાએ કહ્યું કે ગિરનાર પર્વત લાવારસ ઠંડો પડતાં એમાંથી બન્યો છે. એનાથી આગળ એમણે સર્ચ કર્યું પણ વધારે માહિતી ના મળી એટલે મને કહે પર્વતને પાંખો હતી અને લોમેષ ઋષિએ એ કાપી નાંખી એવી વાતો આજના જમાનામાં કોણ માને?

ખેર, અમારી વચ્ચે આવી બધી મજેદાર ચર્ચા તો ચાલતી જ રહે છે. આ બધી ચર્ચા કરતી વખતે મને એમ થાય કે આજના આ હોશિયાર બાળકોને મન આપણી પૌરાણિક વાતો એક મજેદાર વાર્તા જેવી છે. એમને એ સાંભળવાની મજા આવે છે પણ એવું હકીકતમાં થયું હશે એવું માનવાને એમનું મન રાજી નથી થતું. જે જમાનામાં આ બધું કહેવાયું હતું એ જમાના અને આજ વચ્ચે હજારો વરસ પસાર થઈ ગયા છે ત્યારે એ ઘટનાઓને આજના બાળકો સ્વિકારી શકે એ રીતે નવા રૂપે વ્યક્ત કરવાની જરૂર છે.

આજે બાળકોને મન જે કંઈ પણ વૈજ્ઞાનિક રીતે સાબિત કરી શકાય એ જ સાચું છે. જ્યાં વિજ્ઞાનના હાથ ટૂંકા પડે ત્યાં એ લોકો તરત પરગ્રહથી આવી ગયેલા કોઈ અજાણ્યા જીવ અને એની શક્તિઓ વિશે કલ્પના કરવા લાગી જાય છે. એમને મન રોબોટ્સ કે પરગ્રહવાસી સાચા છે જ્યારે દેવતાઓ હજી શંકા સ્વરૂપ. આ બધા પાછળનું કારણ મને જેટલું સમજાય છે એ મુજબ આપણી વાત કહેવાની સ્ટાઈલ થોડીક બદલવાની જરૂર છે. જૂની વાતોને એક નવા બીબામાં ઢાળી, નવા આકર્ષક પેકેટમાં પેક કરી બાળકો આગળ રજૂ કરતા એ હોંશે હોંશે બધું જાણવા અને માનવા તૈયાર થઈ જાય એ શક્યતા નકારી શકાય એવી નથી.

Read More

તમને સોશ્યલ મીડિયા પર ચાલતી ચર્ચા કેટલી ને કેવી અસર કરે છે?
socail

તમને સોશ્યલ મીડિયા પર ચાલતી ચર્ચા કેટલી ને કેવી અસર કરે છે?

Read More