Home About Books Stories Articles Gallery Contact
socail • 5 Min Read

તમને સોશ્યલ મીડિયા પર ચાલતી ચર્ચા કેટલી ને કેવી અસર કરે છે?

Niyati Kapadia July 9, 2026
તમને સોશ્યલ મીડિયા પર ચાલતી ચર્ચા કેટલી ને કેવી અસર કરે છે?

સોશ્યલ મીડિયા પર લખવાનો મોકો મળ્યો ત્યારથી અમુક લોકોને કદાચ એમ લાગે છે કે એમણે લખી નાખ્યું એટલે વાત પૂરી, લોકોએ આંખો મીચીને એ જે કહે એ માની જ લેવાનું. કોઈ ફિલ્મ વિશેની વાત હોય, સામાજિક વાંધા વચકા હોય કે છેવટે વાત સરકાર પર આવીને અટકી હોય આ લોકો એમનો અભિપ્રાય ચોક્કસ આપશે. એ અભિપ્રાય આપે ત્યાં સુધી વાંધો નથી તકલીફ ત્યારે થાય જ્યારે તમે એમની વાત સાથે સહમત ના થાઓ અને એ તમને એમના દુશ્મન માની બેસે...

હાલમાં જ ફેસબુક પર જવાન ફિલ્મના રિવ્યૂ બાબતે લોકો સામસામે આવી ગયા છે. એક કહે કે મને ફિલ્મ ગમી એટલે તરત બીજો કહેશે મને ફિલ્મ જરાય ના ગમી. સીધી વાત છે કે પહેલાંએ જે કહ્યું એની વાત સાથે સો એ સો ટકા લોકો સહમત નથી જ થવાના. કેટલાક તો વિરોધ નોંધાવવા ઊભા જ હશે. હવે સોશ્યલ મીડિયાના હોશિયાર લેખક શું કરશે એ કહું... એ પહેલાએ જે લખ્યું હતું એનો પ્રતિભાવ જોશે અને પછી એનાથી તદ્દન વિરોધી વાત કહેશે. આનો ફાયદો એ થશે કે પહેલા લખાયેલી પોસ્ટનાં બધા જ વિરોધીઓ તરત જ એમને પક્ષે આવી જશે! ટુંકમાં કંઇક લખતા પહેલાં જ એમને આછીપાતળી ખાતરી હોય કે આ મુદ્દે વિરોધ/સમર્થન વાળું લખવાથી આટલી લાઈક્સ તો પાક્કી આવશે જ આવશે.

ચુનીલાલ કહે “જવાન" ગમી સારી ફિલ્મ છે એમાં દેશના પાયાનાં પ્રશ્નો ઉઠાવ્યા છે એટલે તરત, મનુલાલ કહેશે મને “જવાન" જરાકે ના ગમી, લોકોએ ત્રણસો રૂપિયા ખર્ચીને કંટાળવું હોય તો જ ફિલ્મ જોવા જવું. હવે પાછું આટલું લખીને, એમના મનમાં જે વિચાર આવી ગયો હોય એને લોકો વચ્ચે ફંગોળી મેલીને આ લોકોને પાછી ધરપત નથી થતી. એમને એમની પોસ્ટ નીચે સો બસો લોકો એમના સમર્થનમાં જોઈએ. એમણે કહ્યું કે ફિલ્મ જોવી જોઈએ તો એમના સમર્થકોએ કંઈ જ વિચાર્યા વગર ફિલ્મ જોવી જ જોઈએ અને જો એ કહે કે ફિલ્મ નથી જોવાની તો એવી અપેક્ષા રાખશે કે એમના સમર્થકોને જો ભૂલથીયે થિયેટર આગળથી પસાર પણ થવું પડ્યું તો એ લોકો એમનું માથું નીચું રાખીને ચાલશે.

વાત ખાલી ફિલ્મની નથી, વાત ખાલી સામાજિક સમસ્યાઓ કે રાજનીતિની પણ નથી, વાત છે ચારે બાજુ ફૂટી નીકળેલા એવા ઉગતા લેખકો/લેખિકાઓની જેમને એમની પોસ્ટ પર કેટલી લાઈક્સ આવી એ સિવાય કશાયની નથી પડી. કોઈક સળગતા મુદ્દાને હાથ લગાડવાથી, કોઈ પક્ષ વિશે ઘસાતું બોલવાથી, કોઈની તરફેણ કરવાથી કે કોઈકને નીચા દેખાડીને પણ જો પોસ્ટ પર લાઈક્સ વધારી શકાય તો એ લોકો એવું ચોક્કસ કરશે. એમને જો કોઈ વાત ખરેખર અસર કરે છે તો એ છે પોસ્ટ નીચે આવેલી કૉમેન્ટની સંખ્યા અને એમના વધેલા ફોલોવર્સ.

આમાય ખરી મજા તો ત્યારે આવે છે પોતાને ધાંસુ લેખક સમજતા લોકો રાતોરાત પક્ષ પલટો કરતાં દેખાય! માની લો કે છગને આજે એક પોસ્ટ લખી કે ફલાણી હિરોઈન જે કરી રહી છે એ સાચું છે, મને ગમ્યું. કલાક વીત્યો, બે કલાક વીત્યા, દસથી વધારે લાઈક્સ ના આવી. ત્રીજા કલાકે ફરી એણે એ પોસ્ટ પર નજર કરી તો તેર લાઈક્સ અને ચાર કૉમેન્ટ. એમાંથી બે કૉમેન્ટ પાછી પોસ્ટનો વિરોધ કરતી આવી. હવે છગન શું કરશે? એ તરત એની આ પોસ્ટ ડીલીટ મારી દેશે અને બીજી નવી પોસ્ટ લખશે. આગળ લખી હતી એનાથી તદ્દન વિરોધી વાત કહેશે, ફલાણી હિરોઈન તો સાવ બોગસ છે. પોતાની જાતને ખબર નહિ શું માની બેઠી છે, એને ના તો અભિનય આવડે છે ના તો એ મધુબાલા જેવી રૂપાળી છે. એકવાર છગન કોઈ પોલિટિકલ પાર્ટી કે ધર્મ વિશે એલફેલ લખી નાંખશે, કલાક રહીને એને ભાન થશે કે અરે આ પોસ્ટ પર તો ધારી લાઈક્સ ના આવી એટલે પછી એ તરત ટર્ન અબાઉટ કરી પહેલાં જે લખ્યું હોય એનાથી તદ્દન ઊલટું લખી કાઢશે...
માન્યું કે સોશ્યલ મીડિયા પર પોતાના વ્યક્તિગત વિચારો વ્યક્ત કરવાની સૌને આઝાદી છે અને આ આઝાદીનો ફાયદો કે ગેરફાયદો ઉઠાવીને લોકો મન ફાવે તે લખી નાંખે છે પણ...આ જ સમયે એમની પોસ્ટ પસંદ/ના પસંદ કરવાવાળાને શું થઈ જાય છે? એ લોકો કેમ આવા ગલીએ ગલીએ ફૂટી નીકળેલા વિચારકોના પ્રભાવમાં આવી જાય છે અને એમની પોતાની સામાન્ય બુદ્ધિને કામ કરતી અટકાવી દે છે? કોઈ વાંધાજનક પોસ્ટ લખે ત્યારે આપણે એનો વિરોધ નોંધાવીએ સારી વાત છે પણ એવાની વાતનું શું મૂલ્ય જે પોતે જ પોતાની વાત પર અડીખમ ઊભા ના રહી શકતા હોય.

જનતા જનાર્દન તરીકે હવે લોકોએ પણ એ શીખવું પડશે કે સોશિયલ મીડિયા પર ક્યાં એમનો કિંમતી સમય આપવો અને ક્યાં કંઈ જોયું જ ના હોય એમ ત્યાંથી છટકી જવું. દરેક વાત, દરેક મુદ્દો તમારા કામનો નથી હોતો. ઓનલાઇન જે લડાઈ ચાલી રહી હોય એ ફોન બંધ કરીને ગજવામાં મુકતા જ જો તમારા જીવનમાંથી ગાયબ થઈ જવાની હોય તો વેળાસર ફોન બંધ કરી દેવો જોઈએ. અહીં વેળાસર એટલે એ લખાણ તમારા મનની શાંતિ હણી લે એ પહેલાની ક્ષણ! જેની સાથે તમારે કંઈ જ લાગતું વળગતું ના હોય એવા વાદવિવાદમાં અટવાઈ ત્યાં તમારી અમૂલ્ય સલાહ કૉમેન્ટ રૂપે વેડફી નાંખવાથી બચી શકો એમ હોય ત્યાં સુધી બચી જવું જોઈએ. ના તમારા જીવનમાં કોઈ દુઃખ હોય, ના તમારા ઘરમાં કે આસપાસમાં કોઈ માથાકૂટ થઈ રહી હોય ત્યારે સામે ચાલીને ઓનલાઇન ચાલી રહેલી બબાલમાં પડીને તમારા મગજનું બેન્ડ બજાવતા અટકાવી શકો એમ હો તો અટકાવી લેવું જોઈએ.
મને એ કહો કે શાહરુખ ખાન કે અક્ષય કુમારની ફિલ્મ ચાલે એનાથી તમને કોઈ ફાયદો થવાનો છે? ફિલ્મ બુરી તરહથી પીટાઈ જાય તો તમને કંઈ નુકશાન જવાનું છે? બીજું બધું જવા દો પહેલાં તો એ કહો કે તમને થીયેટરમાં જઈ ફિલ્મ જોવામાં કોઈ રસ છે ખરો? જો આ ત્રણેય સવાલના જવાબ “ના" હોય તો પછી મેલો ને માથાકૂટ. જેને એ ફિલ્મ વિશે જે લખવું હોય એ લખે આપણે શું...તમને જો એવું લાગતું હોય કે ફિલ્મ દેખાડીને સમાજ સુધારી શકાય છે તો તમે ફિલ્મ જુઓ અને તમને એમાંની જે વાત સારી લાગે એને તમારા ગ્રુપમાં ચર્ચો. ઈચ્છો અને આવડે તો એને તમે પોતે સોશ્યલ મીડિયા પર ચર્ચી શકો છો પણ આ વખતે ધ્યાન રાખવું કે એ ચર્ચા તમારી જાણીતી વ્યક્તિઓ સુધી જ સીમિત રહે. હા, તમને અજાણ્યા લોકો સાથે ઓનલાઇન લમણા લેવા ગમતા હોય તો જાહેરમાં ચર્ચા કરો પણ ધ્યાન એટલું રાખવાનું કે મોબાઈલની બબાલ મોબાઈલ હેઠો મૂકી દો ત્યાં સુધી જ તમારા માથે સવાર રહેવી જોઈએ...

ટુંકમાં, સોશ્યલ મીડિયા પર જો તમે મજા કરવા જ આવતા હો તો બિનજરૂરી ચર્ચામાં ભાગ લેવાનું ટાળવું.

Read More

જેનો સાથ ભાગ્યમાં ના હોય એનું જ કાયમી ઠેકાણું દિલમાં હોય છે!
luck

જેનો સાથ ભાગ્યમાં ના હોય એનું જ કાયમી ઠેકાણું દિલમાં હોય છે!

Read More