Home About Books Stories Articles Gallery Contact
Life • 5 Min Read

સપ્તપદીની સાત સલાહ

Niyati Kapadia July 9, 2026
સપ્તપદીની સાત સલાહ

હાલ લગનની મૌસમ ખીલી ઉઠી છે. જ્યાં જુઓ ત્યાં લોકો પરણી રહ્યાં છે ત્યાં એક વાત મારું ધ્યાન ખેંચે છે, લોકો વરવધુને આશીર્વાદ મસ્ત આપે છે.

સુખી થાઓ અને કરો, ખુશ રહો, સૌભાગ્યવતી ભવ - આમ જુઓ તો આ બધા આશીર્વાદ લગન બાદ જીવન ખુશહાલ રહે એવું જ કંઈ કહે છે પણ એવું દરેક વખતે બનતું નથી. નવા નવા લગ્ન હોય ત્યારે થોડો સમય બધું સરસ છે એવો ભ્રમ થાય છે અને પછી ધીરે ધીરે એ ભ્રમ તૂટવા લાગે છે. લગ્ન કરીને ફસાઈ જવાયું એવું લાગે છે. આવું કેમ થાય છે?

કોઈ પણ પ્રોફેશનલ માણસ પાસે સલાહ લેવા જાઓ તો કન્સલ્ટિંગ ફી આપવી પડે પણ અમે લેખક જીવ બૌ ઉદાર, મફતમાં સલાહ આપીએ અને એય એક પર એક ફ્રી આપીએ. અહીંયા હું તમને એક બે નહીં પણ પૂરી સાત સલાહ આપી રહી છું અને એ પણ તદ્દન મફત. હાલો ત્યારે વાંચો અને લાઈક કરો, મતલબ કે અમલ કરો...

સૌથી પહેલી અને અગત્યની સલાહ- એકબીજાને સાથ આપો. ભલે તમારો પાર્ટનર જે કહી રહ્યો હોય એ તમને ગમે કે ના ગમે પણ એની વાત સાંભળો અને હકારાત્મક પ્રતિભાવ આપો. આ ખૂબ નાનકડી પણ ખૂબ મહત્વની વાત સાબિત થશે તમારા નવા નવા સંબંધમાં એકબીજા સાથે લાગણી અને વિશ્વાસથી જોડાવા માટે.

બીજી થોડી ખાનગી સલાહ - સપનાની દુનિયાને છોડી જમીન ઉપર આવી જાઓ. આપણામાં મોટા ભાગના લોકો એવા હોય છે જે લગ્ન બાદ જ જીવનસાથી સાથે પહેલી વખત શારીરિક રીતે નિકટ આવતા હોય છે. હવે માની લો કે તમે પચીસ વરસે પરણો છો તો ત્યાં સુધી જ્યારે પણ તમારા મનમાં જાતિય આવેગ આવ્યો હશે ત્યારે તમે કોઈ ને કોઈ કલ્પના કરી હશે. એ કલ્પનામાં જે મજા આવી હોય એવી જ મજા વાસ્તવિક જીવનમાં પણ આવવી જ જોઈએ એવું જરૂરી નથી. આપણે સૌ ફિલ્મ અને ટીવીમાં સુહાગરાતના ઉત્તેજિત દ્ર્શ્યો જોઈ એને જ સાચું માની લઈએ છીએ જે ભૂલભરેલું છે. ત્યાં એક એક સીનના કેટલાય રિટેક થતાં હોય છે, એ જોડી તમને જોવી ગમે એ માટે એક આખી ટીમ કામે લાગેલી હોય છે. તમારા લગનની પહેલી રાત જેવી ફિલ્મોમાં બતાવે છે એવી ના જાય તો ફિકર છોડો અને એવી હજી ઘણીય રાતો તમારે એકમેકના સાનિધ્યમાં વિતાવવાની છે એમ માની આગળ વધો.

ત્રીજી ખૂબ ઉપયોગી સલાહ - પતિપત્ની બંનેએ એક બીજાનું માન જાળવવું. તમે નવા નવા પરણ્યા હો ત્યારે એકબીજા સાથે વધારે વાતો નહીં કરો તો ચાલશે પણ એકમેકનું માન નહીં જાળવો એ નહીં ચાલે. સંયુક્ત કુટુંબમાં જ્યાં આસપાસ કોઈનું કોઈ હાજર હોય ત્યારે તમારે એ નથી ભૂલવાનું કે જે વ્યક્તિ સાથે તમે જીવનભર માટે જોડાયા છો એના માન સન્માનનું રક્ષણ કરવું એ તમારી પહેલી ફરજ છે. આપણે ત્યાં કુટુંબનું એકાદ સભ્ય તો એવું હોય જ છે જેને અમારે તો આમ ને અમારા ત્યાં તો તેમ કહી કહી નવી વહુ કે જમાઈને નીચા દેખાડવાની મજા આવતી હોય. આવા સમયે વાત વધારે વણસે એ પહેલાં જો એને કુનેહપૂર્વક વાળી લેવાય કે થોડાક સાસરી પક્ષના વખાણ કરી લેવાય તો એનાથી તમારા લાઇફ પાર્ટનરના મનમાં તમારી ખૂબ સુંદર છાપ પડશે. તમારા કુંટુંબીજનોને એ કદાચ નહીં ગમે પણ એ બધું પાછળથી સંભાળી લેવાશે.

ચોથી ખૂબ સમજદારી ભરી સલાહ - તમને દુઃખ પહોંચાડે એવી કોઈ વાત છુપાવો નહીં. નવા નવા લગ્ન થયા હોય ત્યારે તમે બંને માણસો એકબીજાથી અજાણ્યા છો. આજ સુધી ભલે તમે તમારી દરેક તકલીફ જાતે સોલ્વ કરતા આવ્યા હો હવે એવું નથી કરવાનું. હવે તમારી પાસે એક એવી વ્યક્તિ છે જેને તમે તમારા મનની દરેક વાત કહી શકો છો. તમને તમારા પાર્ટનરની કે એમના ઘરની કોઈ વાત ના ગમે, એનાથી તમારી લાગણી દુભાતી હોય તો ખુલીને વાત કરો. દુઃખને મનમાં ને મનમાં દબાવી રાખવાથી એ મટી નથી જતું પણ વખત આવે એ બમણા વેગથી ઉછળીને બહાર આવે છે અને ત્યારે થાય કે જો શરૂઆતમાં જ આ વિશે ધ્યાન અપાયું હોત તો પરિસ્થિતિ આટલી બધી વણસી ના હોત.

પાંચમી જરૂરી સલાહ - એક મજબૂત સંબંધ મુક્તિ ઝંખે છે બંધન નહીં. તમે એકબીજાની ખૂબીઓ, ખામીઓ જાણો, જણાવો અને એનો સ્વિકાર કરો. એકબીજાની સાથે જરૂર રહો પણ જરૂરતથી વધારે ગુંદરીયા થઈ ચીપકી ના જાઓ. એકબીજાને મોકળાશ આપો. તમે પતિપત્ની થયા એટલે હવે તમને તમારા પાર્ટનરની દરેક વાત જાણવાનો તમને અધિકાર છે એમ માની તમે એમના ફોનના પાસવર્ડ માંગો, એમના મિત્રો વગેરેની તપાસ કરો એ બધું ઠીક નથી. સમાજની સાક્ષીએ જે વ્યક્તિએ તમારો હાથ પકડ્યો છે એ હવે જીવનભર તમારી જ છે એમ માની એની ઉપર વિશ્વાસ મૂકતા શીખો.

છઠ્ઠી અને યાદ રાખવા જેવી સલાહ - તમારા ઝઘડામાં તમારા પરિવારના સભ્યોને વચ્ચે ના લાવો. એક વાત સદા યાદ રાખો કે હાલ તમે પતિપત્ની ભલે સાથે હો પણ તમે બંને જુદા જુદા પરિવારમાંથી આવો છો. બંનેના ઘરના કાયદા, નિયમો અલગ હશે અને એ જે પણ હોય તમારે એને અપનાવવા રહ્યાં. વહુ થઈએ ત્યારે સાસરીમાં જે નિયમ હોય એ પ્રમાણે ચાલવું પડે અને જમાઈ થઈએ ત્યારે સાસરી પક્ષે જે પણ થતું હોય એનો આદર કરવો પડે. કેટલાક પતિપત્ની પહેલાં લાગણીમાં તણાઈ જઈ એમના કુટુંબના બધા સભ્યો વિષે ઝીણામાં ઝીણી વાત એમના જીવનસાથીને કહી દેતા હોય છે અને પછી જેવો એકાદ ઝઘડો થાય ત્યારે, તમારી મમ્મી તો આમ ને તમારી દાદી તો તેમ કહી તડાફડી બોલાવી દે છે. આ સારું નથી લાગતું. આવું કરવામાં તમે તમારા સાસરી પક્ષની નજરમાંથી ઉતરી જાઓ છો.

સાતમી સૌથી છેલ્લી અને સૌથી મજાની સલાહ - મન ભરીને લડી લો પણ રાતની વાત સવાર સુધી લંબાવો નહીં. દુનિયાના કોઈ પતિપત્ની એવા નહીં હોય જે એકબીજા સાથે લડતા ઝઘડતા ના હોય. એમાં કંઈ ખોટું નથી. જ્યાં સામેવાળા માણસની કોઈ વાત ના ગમે ત્યાં બોલવું જ જોઈએ પણ લડતી વખતે ઉપરની છો સલાહ યાદ રાખીને લડવું. જે કહેવું હોય એ સ્પષ્ટ રીતે કહેતા શીખી જાઓ અને ગોળ ગોળ વાત કરવાનું ટાળો. વાતનો નિવેડો આવે, ના આવે પથારીમાં ભેગા થાઓ ત્યારે એકબીજાને માફ કરીને હસી નાંખવાની આદત કેળવી લો. રાતના બેડરૂમમાં દાખલ થાવ ત્યારે ભલે દિવેલ પીધા જેવું ડાચું લઈને ગયા હોં સવારે જ્યારે બહાર આવો ત્યારે ખુશ ખુશાલ દેખાવા જોઈએ.

બસ, મારી આટલી સાત સલાહ યાદ રાખી અમલ કરો પછી તમે પણ સુખી દાંપત્ય જીવન જીવતા થઈ જશો.

Read More

તમને સોશ્યલ મીડિયા પર ચાલતી ચર્ચા કેટલી ને કેવી અસર કરે છે?
socail

તમને સોશ્યલ મીડિયા પર ચાલતી ચર્ચા કેટલી ને કેવી અસર કરે છે?

Read More
જેનો સાથ ભાગ્યમાં ના હોય એનું જ કાયમી ઠેકાણું દિલમાં હોય છે!
luck

જેનો સાથ ભાગ્યમાં ના હોય એનું જ કાયમી ઠેકાણું દિલમાં હોય છે!

Read More