માણસના જીવનમાંથી મજા ક્યારે ગાયબ થઈ જાય ખબર છે? જ્યારે એની કુતૂહલવૃત્તિ ખલાસ થઈ જાય. નવું જાણવા કે શોધવા ને બદલે એને આ દુનિયાની આદત થઈ જાય...
તમે એક નાના બાળકને જોજો. એની પાસે કેટલા બધા સવાલ હોય છે. કેટલું બધું એને જાણવું હોય છે. રાત પડે ત્યારે જ ચાંદો કેમ આવે છે એ દિવસે કેમ નથી આવતો? કૂતરાનું બચ્ચું કૂતરા જેવું જ કેમ દેખાય છે? રાત્રે છોડ પર ફૂલ કોણ ચોંટાડી જાય છે કે પછી ગાય ચકલીની જેમ ઉડતી કેમ નથી? બાળપણમાં આ બધા સવાલોના જવાબ જાણવાની ઉત્કંઠા હોય છે અને એટલે જ બાળપણ મજાનું હોય છે.
જેમ જેમ એ બાળક મોટું થતું જાય એની જાણકારી વધતી જાય છે. એને ખ્યાલ આવી જાય છે કે ચાંદ પર કોઈ ડોશીમા કે સસલું નથી રહેતું. કૂતરાનું બચ્ચું અને બિલાડીનું બચ્ચું અલગ હોય. જો ગાય આકાશમાં ઉડતી હોત તો માણસોએ માથે ટોપલો રાખીને ફરવું પડત. કાલ્પનિક દુનિયા અને વાસ્તવિક દુનિયા વચ્ચેનો તફાવત એને સમજાવા લાગે છે. પર્યાવરણ, જીવવિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, ભૂગોળ, ઈતિહાસ વગેરે ને લગતું જ્ઞાન એને મન બસ પરીક્ષામાં સારા ગુણ લાવવા પૂરતું સિમિત થઈ જાય છે અને અહીં જ ક્યાંક એક સ્ટેજ પર આવી એની કુતૂહલવૃત્તિનો સમૂળગો નાશ થઈ જાય છે. ખબર નહીં આવું કેમ થાય છે પણ મોટા ભાગના માણસો સાથે થાય છે ખરું એ હકીકત છે અને ત્યાંથી જ પછી જીવનની મજા મરી જાય છે.
તમે યાદ કરી જુઓ, બાળક રૂપે જાદુના ખેલ જોવામાં તમને જે મજા આવતી એ હવે નથી આવતી ને. જાદુગર એનો એ જ છે. એની ટોપી એની એ જ છે. એ ટોપીમાંથી ઉડતું કબૂતર પણ એનું એ જ છે તો ફરક ક્યાં પડી ગયો? બાળપણમાં એ જાદુ જોઈ જે નવાઈ લાગતી હતી એ હવે નથી લાગતી, મજા ના આવવા પાછળનું મુખ્ય કારણ જ એ છે. ખ્યાલ તો હજી નથી આવ્યો કે જાદુગરની ટોપીમાંથી કબૂતર કેવી રીતે નીકળે છે પણ આપણે સ્વીકારી લીધું કે જાદુગર હોય એને હાથચાલાકી કરતા આવડે. એ જે દેખાડે છે એ જાદુ નથી પણ હાથચાલાકી છે એટલી વાત માની લઈ આપણે આગળ વિચારવાનું પડતું મૂકી દઈએ છીએ. હા, પણ એ કબૂતર ક્યાંથી આવી ગયું એ ભેદ જાણવાની મથામણ જે કરી શકે એ હજી એ ઘટનાને જોઈ આનંદ પામી શકે!
મૂળે બધો ડખો આદત પડી જવાનો છે. આ દુનિયામાં જે જેમ ચાલે છે એમ એને સ્વીકારી લો અને મનમાં કોઈ સવાલ પેદા થાય એ પહેલાં જ એને ડામી દો. જિંદગી બસ એમ જ પૂરી કરી નાંખો. હા, ભૈ આપણે જીવવું ક્યાં છે જીવનને પૂરું કરવું છે.
કેટલાય લોકો એમ કહે છે કે અમારી પહેલાં જે જે વૈજ્ઞાનિકો કે ચિંતકો થઈ ગયા એમણે બધું જ શોધી લીધું છે હવે અમારે કંઈ શોધવા જેવું બાકી નથી. અમારે જે જવાબ જોઈએ એ પુસ્તકો કે ગૂગલ થકી મળી જાય છે. સાચું કહું તો આવું સાંભળીને મને હસવું આવી જાય છે. વૈજ્ઞાનિકો એ શોધ કરી છે એની ના નહીં પણ હવે આગળ કંઈ જાણવાને બાકી નથી બચ્યું એવું કોણે કહ્યું?
હજી બ્રહ્માંડના રહસ્યો ક્યાં પૂરા ઉકેલાયા છે. આપણી પૃથ્વી કેવી રીતે આવી, એની પર માનવ જીવન કેવી રીતે ચાલું થયું, પહેલો માનવ ક્યાંથી આવ્યો હશે, પૃથ્વી જેવો જ બીજો કોઈ ગ્રહ અસ્તિત્વ ધરાવતો હશે, કોઈ બીજા ગ્રહ પર માનવ કે જીવન હશે? આવા સવાલો ઉકેલવા અતિમુશ્કેલ છે અને તમે એનો સાચો જવાબ મેળવી શકો કે ના મેળવી શકો પણ એની પાછળ મથામણ કરતા તમને જીવવાની મજા ચોક્કસ આવશે. કેવી રીતે એ કહું, આખા આ બ્રહ્માંડમાં એક માનવ નામના અદના જીવડાં તરીકે તમારી ઓકાત શું છે એની તમને ખબર પડવા માંડશે અને ત્યારે પછી પેલો ‘હું' જે હંમેશા કહ્યા કરે છે કે ‘હું આમ' ને ‘હું તેમ' એ હેઠો બેસી જશે. એ હું શાંત થશે એવી પછી મજા આવવાની ચાલું થશે!
મોટી મોટી વિજ્ઞાનને લગતી વાત જવા દો, સ્વાભાવિક છે કે બધાને એમાં રસ ના પડે, તમે માણસ વિશે જ વિચારો ને. તમે કોણ છો? મતલબ તમે આ પૃથ્વી પર ક્યાંથી આવ્યા અને પછીથી ક્યાં ચાલ્યા જશો? આ સવાલનો જવાબ જાણવામાં એક તમારા સિવાય બીજા કોઈને રસ નહીં હોય. એનો જવાબ તમારે પોતે જ શોધવો પડશે અને જ્યાં સુધી એ જવાબ શોધવાની મથામણ ચાલું રહેશે જીવનમાં નવા નવા અનુભવ થતાં રહેશે, સરવાળે છેક અંત સુધી તમને જીવવાનો કંટાળો નહીં આવે!
તમે ક્યારેય તમને પોતાને એમ પૂછ્યું છે કે હું આ દુનિયામાં કેમ આવ્યો/આવી છું? અરે આમ શરમાઈ ના જાઓ, એક વાર અરીસામાં જોઈને તમારી જાતને પૂછી જુઓ કે તમે આ દુનિયામાં શા માટે આવ્યા છો? શું જવાબ મળે છે એ જાણો. થોડુંક વધારે વિચારો અને રસપ્રદ જવાબ ના મળે ત્યાં સુધી એ સવાલ પૂછ્યા જ કરો. હાલ તમે જીવનના જે તબક્કે છો એનાથી રાજી છો કે હજી એમાં કોઈ સુધારો કરવાની જરૂર છે એ જાણો અને એ સુધારા કરે જાઓ.
માની લો કે ટૂંક સમયમાં જ તમારું મૃત્યું થઈ જવાનું છે. હવે તમારી પાસે થોડાક મહિના જ જીવન બચ્યું છે ત્યારે? ત્યારે અચાનક જ તમને જીવનનું મૂલ્ય સમજાઈ જશે. અત્યાર સુધીની સફર ભલે ગમ્મે તેવી રહી પણ આગળ જેટલું બાકી છે એ તમે સારી રીતે જીવવાનું નક્કી કરશો. કેટલાય માણસોને તમે માફ કરી દેશો, કેટલાયને થોડુંક વધારે સન્માન આપવાનું, એમની વધારે માવજત કરવાનું ચાલું કરશો તો કેટલાયને હંમેશા માટે ભૂલી જશો. જે ભૂલો ભૂતકાળમાં થઈ ગઈ એને સુધારવા જે થઈ શકે એટલું કરી તમે એને ભૂલીને આગળ વધી જશો. બાકી બચેલા જીવનની એક એક પળ તમે સારી રીતે જીવવા ઈચ્છશો...
અરે ભલા માણસ, જે કામ મૃત્યુનો ભય જોઈ શકે એ જીવવાની ચાહત માટે પણ થઈ જ શકે ને. આમેય મરવાનું તો બધાયે એકને એક દિવસ નક્કી જ છે તો પછી જીવવાની શરૂઆત કરવામાં રાહ શેની જોવાની હોય.
ટુંકમાં જીવનમાં મજા નથી રહી એમ કહેવું એ એક બહાનું છે, એમ કહી તમે તમારી જિજ્ઞાસાવૃત્તિ ખતમ થઈ ગઈ છે એ છુપાવો છો.