માની લો કે તમે ક્યાંક બહાર જવા નીકળ્યા છો, કોઈક જગ્યાએ ફરવા જઈ રહ્યાં છો, રાઈટ? તમે સરસ તૈયાર થઈને, એકદમ ખુશખુશાલ મૂડમાં હાથમાં હૈય ને ઉઠાવી શકાય એટલા બિસ્ત્રા પોટલાં લઈને નીકળી પડ્યા છો. તમે એક રેલ્વે પ્લેટફોર્મ પર આવીને ઊભા છો. હમણાં ગાડી આવશે એમ માની તમે રાહ જોઈ રહ્યાં છો...
કલાક, બે કલાક, વીતી જાય છે. ગાડી નથી આવતી. તમારો ઉત્સાહ મંદ પડવા લાગે છે. તમને સમજાતું નથી કે આવું કેમ થઈ રહ્યું છે. તમે રેલ્વેને, આપણી સરકારને ગાળો દો છો, ભગવાનને પણ કંઈનું કંઈ કહી દો છો અને પાછળથી પછી તમને જાણ થાય કે ભૂલ તમારી જ હતી. તમે ખોટા પ્લેટફોર્મ પર આવીને ઊભા રહી ગયાં હતાં...ત્યારે?
એ ગાડી તો બિલકુલ એના સમયે જ આવેલી અને આવીને ચાલી પણ ગઈ. તમને લીધા વગર જ ચાલી ગઈ. એ ગાડીના એક ડબ્બામાં એક સીટ તમારા માટે રિઝર્વ હતી. એ ડબ્બાની બહાર લખેલા નામની યાદીમાં એક નામ તમારું પણ હતું. એ ગાડી તમને લેવા માટે થોડી વાર ત્યાં ઊભી પણ રહી હતી. તમને જાણ થાય કે તમે શું ભૂલ કરી રહ્યાં છો અને તમે એ ભૂલ સુધારી લેવા પ્રયત્ન કરો ત્યાં સુધીમાં એ ગાડી પછી આગળ નીકળી ગઈ જાય ત્યારે...
હવે તમે શું કરશો? હજી તમે એ આગળ નીકળી ગયેલી ગાડીની રાહ જોઈ ત્યાં જ બેસી રહેશો કે એના પછી આવતી બીજી કોઈ ગાડીમાં ચઢી જશો કે ઘરે પાછા ફરી જશો?
આ વાત એક સામાન્ય ગાડીની નથી. આ વાત એ તમામ પ્રેમીઓની છે જેમની નિયતિમાં એમના પ્રેમી પાત્રનો સંગાથ લખાયો જ નથી! તમને કોઈ સાથે પ્રેમ થાય જ નહીં એ સૌથી બેસ્ટ અવસ્થા છે. કોઈ સાથે પ્રેમ થઈ જાય અને લાગે કે એને મેળવવા ખૂબ સ્ટ્રગલ કરવું પડશે એ પરિસ્થિતિ પણ એકંદરે સારી છે. તમારે ભલે આજે દુઃખી થવું પડે પણ ભવિષ્યમાં એ દિવસોને યાદ કરી તમે તમારા પ્રેમી પાત્ર સાથે ખૂબ મજા કરો એવું બની શકે. હું અહીં એવા પ્રેમીઓની વાત કરી રહી છું જેમને પહેલેથી જ ખબર છે કે એમના પ્રેમનું કોઈ ભવિષ્ય નથી અને તોય એ લોકો પોતાની લાગણીને રોકી નથી શકતાં! એક એવી લાગણીના પ્રવાહમાં વહી જવું જ્યાં ખબર હોય કે કશુંય મેળવવાનું નથી બસ ગુમાવવાનું જ છે અને તોય દિલ હોંશે હોંશે, વારંવાર એ જ રસ્તે દોડ્યું જાય એને જ તો પ્રેમ કહ્યો છે ને...
મને એ ક્યારેય સમજાયું નથી કે ભગવાન એવું કેમ કરે છે પણ મોટે ભાગે એવું બનતું હોય છે કે બધા પ્રેમીઓ એકબીજાની પાછળ એક સીધી લાઈનમાં ઉભા એક જ દિશામાં જોતા હોય છે અને એમાં જ એ એમની આગળ વાળા સિવાય બીજા એક્કે પ્રેમી પાત્રનું મોઢું સુધ્ધાં જોવા નથી પામતા. આખી જિંદગી એ મારા બેટા એમની આગળ ઊભેલી વ્યક્તિ એકવાર પાછળ ફરી એમની સામે જુએ એ રાહમાં કાઢી નાંખશે પણ એકવાર એ પોતે પાછળ ફરીને એમની રાહ જોઈ ઊભેલી વ્યક્તિ તરફ નહીં જુએ. જેને પણ થોડી ઈચ્છા થઈ અને પાછળ વળીને જોયું એ પાછળ જોનાર અને એની પાછળ ઊભેલી બંને વ્યક્તિઓ રાજી થઈ જવાની. એમાંના એક ને એની ઈચ્છિત વ્યક્તિ મળી જશે જ્યારે બીજું ધીરે ધીરે પરિસ્થિતિ સમજીને પ્રેમ કરતા શીખી જશે. મારે વાત એ લોકોની કરવી છે જે પાછું વળીને જોવામાં માનતા જ નથી. એમનાં લક્ષ્યથી સહેજ પણ ચલિત થવા કરતાં એમને મન પ્રાણ જાય એવી પીડા આજીવન સહેવી સરળ છે.
એક વાર એક છોકરો છોકરી ઓનલાઇન એકબીજાના પ્રેમમાં પડી ગયાં હતાં. બંનેએ હજી એકબીજાને જોયા ન હતાં પણ એકમેક સાથે વાતો કરતાં એમના મન એકબીજામાં ભળી ગયાં હતાં. લગભગ બે વરસ સુધી એમણે એકબીજાના ફેંક ફોટો જોઈ વાતો કરી હતી, છાને ખૂણે પ્રેમ કર્યો હતો. પછીથી બંને એ મળવાનું નક્કી કર્યું. રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પર સાંજે છ વાગ્યે મુલાકાત ગોઠવાઈ ગઈ...
એ સાંજે છ વાગવામાં હજી દસ મિનિટ બાકી હતી અને છોકરીએ છ નંબરના પ્લેટફોર્મ પર પગ મૂક્યો. એની નજર તરત જ પેલા છોકરા પર ગઈ. છોકરો એ જ જગ્યાએ ઊભો હતો જ્યાં એમણે મળવાનું નક્કી કર્યું હતું. છોકરી એક પળમાં એને ઓળખી ગઈ અને ત્યાં જ એને ખ્યાલ આવ્યો કે છોકરો છેલ્લી ઢબના આધુનિક કપડામાં સજ્જ હતો. એનું જીન્સ, એની ટીશર્ટ, એના સ્પોર્ટ્સ શૂઝ, સોનેરી રંગેલા વાળ, ક્લીન શેવ ચહેરો... એ એક રાજકુમાર જેવો લાગી રહ્યો હતો જ્યારે છોકરી એક સાદા કોટન ડ્રેસ અને લાંબા વાળના ઢીલા ચોટલામાં હતી. તડકામાં ચાલીને આવતા એનું શરીર પરસેવે નીતરી રહ્યું હતું. એની હિંમત જ ના થઈ કે એ જઈને પેલા છોકરાને મળે.
એ છોકરાએ અડધો કલાક રાહ જોઈ પછી છોકરીને મેસેજ કર્યો, કૉલ જોડ્યો, છોકરીએ કોઈ જવાબ જ ના આપ્યો. બરાબર એ જ વખતે એ પ્લેટફોર્મ પર એક બીજી છોકરી ટ્રેનની રાહ જોતી ઉભી હતી. એ પછી પેલા છોકરા પાસે આવી એની સાથે વાત કરવા લાગી.
બીજે દિવસે એ છોકરીએ ફોન પર છોકરાની માફી માંગતા કહ્યું કે પોતાને ખૂબ જરૂરી કામ આવી ગયું હતું એટલે એ ના આવી શકી. છોકરાએ કહ્યું કંઈ વાંધો નહીં અને એમણે ફરીથી ત્યાં જ મુલાકાત ગોઠવી. આ વખતે મુલાકાતના દિવસે જ એ છોકરીને મોંઢે ખીલ નીકળી આવ્યા હતા. એ છેક પ્લેટફોર્મ સુધી ગઈ હતી. એણે એ રૂપાળા છોકરાને પોતાની રાહ જોતો જોયો હતો અને એની સરખામણીએ પોતે સાવ સાધારણ દેખાય છે એમ વિચારી એને મળવાની હિંમત જ નહોતી કરી. તે દિવસે પણ એ છોકરાની પેલી બીજી અજાણી યુવતી સાથે મુલાકાત થઈ હતી. આ વખતે બંને એ સારી એવી ચર્ચા કરી હતી.
આપણી વાર્તાની હિરોઈન એની મેળે જ પછી કોઈ કારણ આપ્યા વગર એ છોકરાની જિંદગીમાંથી ચાલી ગઈ હતી. છોકરાને ખૂબ દુઃખ થયેલું. એને સમજાયું જ નહોતું કે ભૂલ ક્યાં થઈ, આખરે કંટાળીને એ પણ ગુમનામીની દુનિયામાં ક્યાંક ખોવાઈ ગયેલો અને એક દિવસ ફરી એક પ્લેટફોર્મ પર એની મુલાકાત પેલી બીજી અજાણી યુવતી થઈ હતી. આ વખતે એ મુલાકાતમાં એક ફોર્મલ ચર્ચા કરતાં થોડી વધારે સંવેદના સભર વાતો થઈ હતી. ધીમે ધીમે પ્રેમ પાંગર્યો હતો ને એ બંને લગ્નના બંધમાં બંધાઈ ગયેલા.
આ જ વાર્તા જો હું લખી રહી હોત તો એ છોકરાના દિલમાં પેલી લઘુતાગ્રંથિ અનુભવી રહેલી યુવતી માટે થોડીક સ્પેશિયલ જગા રાખત. અચાનક પ્લેટફોર્મ પર એને પેલા છોકરા સાથે ટકરાઈ જતી બતાવત અને ત્યાંથી જ પ્રેમનો એક નવા સ્વરૂપે એમના જીવનમાં પ્રવેશ કરાવત. કેટલી સરસ રીતે હેપ્પી એન્ડિંગ આવી જાત, હેં ને!
ખેર, સાચુકલી દુનિયામાં નિયતિ એટલે કે ભાગ્યની દેવી પ્રેમથી ભરેલી જિંદગીઓમાં પહેલાં જ પ્રયાસે હેપ્પી એન્ડિંગ ભાગ્યે જ લાવે છે. જો કે હજી મને એક વાત નથી સમજાતી... એ જે ગાડી આગળ નીકળી જાય છે એમાં ખાલી રહી ગયેલી એ એક સીટનું પછી શું થતું હશે? એ ગલત પ્લેટફોર્મ પર રાહ જોઈ રહેલી વ્યક્તિ વિશે ગાડી પોતે ક્યારેય સભાન બનતી હશે ખરી?