આજની આ દુનિયાનો દસ્તુર છે, અહિયાં છેતરી જનાર હોંશિયાર મનાય છે અને છેતરાઈ જનાર ગુનેગાર. ખબર નથી પડતી આ કેમનું થઈ ગયું, માણસ બદલાયો કે દુનિયા?
એક છોકરના હાથમાં પેન્સિલ છોલવાનો નવો સંચો જોઈ એની મમ્મીએ પુછ્યું, ‘અલ્યા, આ નવો રમકડાં જેવો સંચો ક્યાંથી લાવ્યો?’
‘મારા એક ફ્રેંડને મેં મારૂ નકકામું રમકડું આપ્યું અને બદલામાં આ સંચો લઈ લીધો.’ દીકરાની વાત સાંભળી મમ્મી રાજી થઈ. પપ્પાએ મંદ મંદ મુસ્કાન સાથે બેટાને માથે હાથ ફેરવ્યો. માબાપ બંનેને લાગી રહ્યું છે કે એમનો દીકરો બહુ ચતુર છે, ક્યાંય પાછળ નહીં પડે, હંમેશા આગળ જ વધતો રહેશે. કહેતા દુખ થાય છે પણ આ સાચું છે, આવા લોકો દુનિયામાં ક્યાંય પાછળ નથી પડતા. આવો દીકરો પાછો કેટલાય માબાપને ગમતોય હોય છે.
એક બીજો કિસ્સો જુઓ, નોકરીથી થાકીને માણસ ઘરે આવે છે. ઘરમાં એની જ રાહ જોવાઈ રહેલી. આજે એક સહી કરે એને દસ હજાર રૂપિયા મળવાના હતા. એ રકમ ક્યાં વપરાશે એનું ઘરના બધાએ પ્લાનિંગ પણ કરી નાખેલું અને એ જ વખતે પુરુષે કહ્યું, ‘હું રૂપિયા નથી લાવ્યો. સહી કરતા મારા હાથ ધ્રુજી ઉઠ્યા.’ ઘરનાં બધાના મોંઢા પડી ગયા. ઘરમાં થોડીવાર સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ અને પછી ધીરે ધીરે ચણભણ ચાલું થઈ. ‘આખી દુનિયા જલસા કરે છે, બસ આપણે જ ઈમાનદારીનું પૂંછડું પકડી રખવાનું.’ ‘તમે સહી નહીં કરી તો કોઈ બીજો કરી દસ હજાર રોકડા કરી લેવાનો, ભગવાન જાણે આમનામાં બુધ્ધિ ક્યારે આવશે?’
એક બાળક ભૂલ કરે, કોઈને છેતરીને એની સસ્તી વસ્તુના બદલામાં બીજાની મોંઘી વસ્તું લઈ આવે એ કામ વખાણવા લાયક છે કે વખોડવા લાયક? બાળક તો હજી નાદાન છે પણ બીજાને છેતરવું ગલત છે એ એને કોણ સમજાવશે? ઘરનું માણસ સીધું છે એને ખોટા કામ કરવાની ફાવટ નથી તો આ ગર્વ કરવા જેવી વાત છે કે ગુસ્સો કરવા જેવી? આ બધા જ સવાલ વિષે આપણે વિચારીએ છીએ એના જવાબેય સરસ મજાનાં આપીએ છીએ, ફરક એટલો કે જ્યારે આપણી સાથે સાચુકલું આવું કઈં ઘટી રહ્યું હોય ત્યારે આપણે એક કોમન થઈ ગયેલો શબ્દ, ‘વ્યવહારું’ વાપરી આપણી જવાબદારીમાથી છટકી જઈએ છીએ. આજે જમાનો બીજાને છેતરવાનો ચાલી રહ્યો છે, છેતરાઈ જવાનો નહીં.
કોઈ શાકભાજીવાળો તમને ત્રીસનાં ભીંડા ચાલીસમાં પકડાવી જાય ત્યારે કેવો જીવ બળે છે. જાણે રાજપાટ લુંટાઈ ગયું અને હવે વન વન ભટકવાના દિવસો આવી ગયા. અહિયાં વાત દસ રૂપિયા વધારે અપાઈ ગયા એની નથી પણ દસ રૂપિયા કોઈ છેતરીને પડાવી ગયું એનું લાગી આવે. આપણે એમ ના વિચારી શકીએ કે, હશે બિચારો આખો દિવસ તડકામાં લારી લઈને ફરે છે દસ રૂપિયા વધારે ભલે લઈ ગયો…મનની શાંતિ કરતા આપણને દસ રૂપિયા વધારે લાગે છે. એક ભાઈ શાકમાર્કેટ પાસે ગાડી પાર્ક કરી રહેલા ત્યાં જ બાજુમાં જામફળ લઈ ઊભેલી એક વૃધ્ધાએ કહ્યું, ‘સાહેબ સરસ ફળ છે લઈ જાઓ, ઘરવાળી રાજી થશે.’ સાહેબે કહ્યું, ‘સારા જોઈને થેલીમાં ભરી આપ.’ નેવું રૂપિયાનું બિલ થયું ભાઈએ રાજી થઈને સોની નોટ આપી. ઘરે જતાં જ ઘરવાળી બગડી, બધા ફળ પાકી ગયેલા અને એકાદ દિવસમાં બગડી જાય એવી હાલતમાં હતા. એ ભાઈને અંદાઝ આવી ગયો કે એ માજી એમને છેતરી ગયા છતા એમણે હસીને કહ્યું, ‘એ માજીને વધારે જરૂર હશે, સો રૂપિયામાં આપણું શું લૂંટાઈ ગયું?’ વાત ત્યાં જ પૂરી થઈ ગઈ, ના કોઈ અફસોસ, ના કોઈ વસવસો, બસ મનની શાંતિ અકબંધ રહી...
એવો તો કેવડો મોટો ફાયદો થઈ જાય કોઈને છેતરી લેવામાં અને એવું તે શું મોટું નુકશાન થઇ જાય કોઈ વાર છેતરાઈ જવામાં? હવે કોઈ એમ ના કહેતા કે અમે તો લગ્ન કરવામાં છેતરાઈ ગયા, સામેવાળાને પણ એવું જ લાગતું હશે!