Home About Books Stories Articles Gallery Contact
Life • 5 Min Read

તમારી શ્રદ્ધના પુરાવા ના આપી શકો તો ચાલશે પણ એને કોઈકના કહેવાથી ત્યજી ના દો...

Niyati Kapadia June 22, 2026
તમારી શ્રદ્ધના પુરાવા ના આપી શકો તો ચાલશે પણ એને કોઈકના કહેવાથી ત્યજી ના દો...

હજી આ ગયા સોમવારની જ વાત કરું, એક બહેને એના છોકરાને કહ્યું કે ચાલ મને જરા મંદીરે મૂકી જા, મારે શિવજીને દૂધ ચઢાવવું છે.

એ છોકરો સોશ્યલ મીડિયામાં ઠલવાતાં કચરાથી સારી રીતે માહિતગાર હતો. એણે કોઈકનું વાંચીને કે જોઈને મનમાં ભેગા કરી રાખેલા અજ્ઞાનના ઢગલાને ફંફોસી જવાબ આપતા કહ્યું, “મમ્મી તું હજી પણ આવું બધું માને છે? શિવલિંગ પર દૂધ ચઢાવવાથી શું થઈ જવાનું? એ ત્યાંથી વહીને સીધું ગટરમાં જવાનું, ટોટલ વેસ્ટ થવાનો. એના કરતાં તું એ દૂધ કોઈ ભૂખ્યા બાળકને કે ગરીબ ભિખારીને આપ તો એની ભૂખ મટશે. એ તને આશીર્વાદ આપશે."

મમ્મીએ તરત કહ્યું, “જે વાતમાં વધારે ખબર ના પડતી હોય ને ત્યાં મૂંગા રહીએ, દરેક વાતે અભિપ્રાય આપવો જરૂરી નથી."

“વાહ તમને ખબર ના પડે એમ કહી છટકી જવાનું તમને મોટેરાઓને સરસ રીતે આવડી ગયું છે. માન્યું કે અમને તમારા જેટલી ખબર નથી પડતી તો ખબર પાડો ને. તમે લોકો કંઈ નથી કહેતા ત્યારે જ અમારે બીજાનું સાંભળવું પડે છે ને..."

એ છોકરાએ થોડા દિવસો પહેલાં શિવજીને દૂધ, ફૂલ, બીલીપત્ર વગેરે ચઢાવતો એનો પોતાનો એક વિડિઓ સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. એ વિડિયો પર અમુક મિત્રોએ એની જે ખિંચાઈ કરેલી...જે મજાક ઉડાવેલી કે ના પૂછો વાત. કેટલાક અજાણ્યા લોકોએ પણ એ પોસ્ટ નીચે કોમેન્ટ કરી સલાહ આપી હતી કે ભાઈ તું સાધુ બની જા અને જંગલમાં જઈ તપસ્યા કર. તારો ભગવાન તને પરીક્ષા આપ્યા વગર પાસ કરાવી દેશે. તું ભણવા પાછળ શા માટે સમય વેડફી રહ્યો છે.

એ છોકરો ત્યારે બધાને જડબાતોડ જવાબ આપવા માંગતો હતો પણ વિરોધીઓની વૈજ્ઞાનિક દલીલો આગળ શું કહેવું એ એની સમજમાં નહોતું આવી રહ્યું. નાનપણમાં મમ્મીએ શીખવેલું -શિવલિંગ પર ચઢાવેલું દૂધ શિવજીને પહોંચે છે, એ પ્રસન્ન થાય છે. એ હાલ આવું કહે તો એની સાથેના બીજા છોકરાઓ એને પાગલ કરાર કરી લે. પૃથ્વી શેષનાગના માથા પર ટકેલી છે એવું એની દાદીએ એક વખત કહેલું ત્યારે એ પોતે પણ હસી પડેલો. ઘણું બધું વિચાર્યા બાદ છોકરાએ લોકો સાથે લમણા લેવાને બદલે એ વિડિયો હટાવી લેવાનું મુનાસીબ માન્યું હતું. જેમની સામે દલીલો કરવામાં ટકી શકવું મુશ્કેલ લાગ્યું એમના પક્ષે ભળી જવામાં એને ફાયદો લાગ્યો અને એ ભળી ગયો.

આ વાત ભલે નાનકડી છે પણ ખૂબ મહત્વની છે. આ કોઈ એક ઘરનો કિસ્સો નથી દરેક ઘરની વાત છે, આજે નહીં તો આવતી કાલે તમારા ઘરના બાળકોની પણ આ જ સ્થિતિ આવવાની. એ માટે જરૂરી છે કે આપણે શું અને શા માટે કરીએ છીએ એની બાળકોને સાચી સમજ આપીએ.

શિવજીને દૂધ અર્પણ કરવું એટલે ડોલ ભરી ભરીને દૂધ ઢોળી દેવું એવું નથી. શિવજી તો એક ચમચી દૂધથી પણ પ્રસન્ન થઈ શકે છે અને કશુંય નહીં ચઢાવો ફક્ત શ્રદ્ધાથી એમનું નામ લેશો તોય એ તમારા પર કૃપા કરશે. અહીં મહત્વ દૂધનું નથી, શિવજીને પ્રસન્ન કરવાથી પણ વિશેષ મહત્વની વાત તમારી એમના પરની શ્રદ્ધા છે.

કોઈ પણ માતા જ્યારે વ્રત કરે છે, ભગવાનની પૂજા આરાધના કરે છે ત્યારે એ શું વિધી કરે છે એ જાણવા કરતા તે એ શા માટે કરે છે એ ભાવના જણાવી અગત્યની છે. રોજ સવારે વાહન લઈને ઘરેથી નીકળી જતો એનો દીકરો/દીકરી કે પતિ સલામત રીતે ઘરે પાછો આવી જાય એ માટે એ શિવજીને ભલામણ કરતી હોય ત્યારે કંઈ શિવજી પોતે ત્રિશૂળ લઈ રક્ષા કરવા નથી આવી જવાના પણ એ માતાને એમ થાય છે કે ભગવાન એના પરિવારની રક્ષા કરી રહ્યો છે. એ શ્રદ્ધા એના મનને કેટલી શાંતિ આપી જાય છે એ તો જેને અનુભવ હોય એ જ જાણી શકે. રાતભર જાગી વાંચનાર વિદ્યાર્થી સવારે પરીક્ષા આપતા પહેલા ભગવાન આગળ માથું નમાવે છે ત્યારે ભગવાન એને બદલે પરીક્ષા આપવા નથી આવતા પણ એના મનમાં એક વિશ્વાસ જાગે છે કે આજનું પેપર સારું જશે, એ વિશ્વાસ અગત્યનો છે.

ભગવાને તો દરેક માનવને એક સરખું મગજ આપ્યું છે તોય અમુક ખૂબ હોશિયાર અને અમુક ડોબા રહી જાય છે. દરેક માણસ એક સરખો બુદ્ધિશાળી નથી. એક ક્લાસમાં વીસ છોકરા પરીક્ષા આપી રહ્યા છે, બધાએ એક જ શિક્ષક પાસેથી શિક્ષણ લીધું છે, લગભગ સરખી મહેનત કરી છે તો પણ જ્યારે પરિણામ આવે ત્યારે કોઈ છોકરો સોમાંથી સો ગુણ લઈ આવે છે જ્યારે બીજો કોઈ નાપાસ થાય છે, આવું કેમ?

એ બધું તમારા આત્મવિશ્વાસ સાથે જોડાયેલું છે. તમારા મનને તમે કેટલું કાબૂમાં લઈ શકો છો એ જ ખરું જાદુ છે અને એ માટે જે સૌથી સરળ ઉપાય આપણા વડવાઓ દેખાડી ગયા એ છે ભગવાનને શરણે ચાલ્યા જાઓ. બધું ટેન્શન એમને અર્પણ કરી તમે શાંતિથી જીવો. અણીને સમયે તમે તટસ્થ રીતે વિચારી શકો એ હિંમત તમને એક નાનકડી પ્રાર્થના કે એક નાનકડો મંત્ર આપી જાય છે.
કોઈ પૂછે કે શિવજીને દૂધ કેમ ચઢાવો છો ત્યારે એમને શાંતિથી એટલું કહી દેવાનું કે મારી શ્રદ્ધા છે. એનાથી મારો આત્મવિશ્વાસ વધે છે. શ્રાવણમાં દૂધ નહીં અને ભાદરમાં છાસ નહીં એવું કહી શ્રાવણમાં દૂધનો ત્યાગ કરાવનાર આપણાં વડવાઓ મૂરખ નહોતા પણ આજે એ વાત સોશ્યલ મીડિયાના વૈજ્ઞાનિકોને સમજાવતા આપણાં નાકે દમ આવી જાય છે. આવું થાય ત્યારે એ બધી દલીલોમાં પડવાનું ટાળી આપણા મનને ગમે તે કરતા રહેવું શ્રેષ્ઠ છે.

કોઈ કહેશે અલ્યા તું સાયન્સનો વિદ્યાર્થી થઈ શિવલિંગ પર બીલીપત્ર ચઢાવે છે, ઝાડના પાન તોડી પ્રકૃતિને નુકશાન કરે છે? આવા લોકોને કહી દેવાનું કે હા, હું એમ કરું છું અને મારા જેવા અનેક માણસોની એ અસ્થાને લીધે જ આજે બીલીપત્રના ઝાડનું જતન કરી એને ઉછેરવામાં આવે છે. શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી મારા મનને શાંતિ મળે છે. આજે કેટલાય એવા લોકો છે જેમને પોતાની જાતને કાબૂમાં રાખવા નશીલા પદાર્થનું આદિ બનવું પડે છે. તમને જો મંદિરમાં જઈ ભગવાન આગળ માથું નમાવે કે એક દીવો પ્રગટાવે એ હિંમત મળી રહેતી હોય તો એમાં ખોટું શું છે?

જો તમારું બાળક એના ઘરના સંસ્કાર ત્યજી બીજા રસ્તે જઈ રહ્યું છે તો તમારે સૌથી પહેલાં એની તકલીફ સમજવાની જરૂર છે. આજે આપણે જે સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ ત્યાં માબાપ અને બાળકો વચ્ચે મોબાઈલમાંથી ડોકિયાં કરતી આખી દુનિયા આવી જાય છે ત્યારે કોની કેટલી વાત માનવી, કેટલી ઉડાવી દેવી, કેટલી મનમાં ઘૂસવા જ ના દેવી એ બધું આપણે આપણા બાળકોને શીખવાડવું પડશે.

જે લોકો આજે તમને શિવજીની પૂજા કરતા અટકાવે છે એ કાલે કહેશે કે તમે કપાળે તિલક કેમ કરો છો, ગળામાં તુલસીની માળા કેમ પહેરો છો, નવરાત્રિમાં ગરબે કેમ રમો છો, દિવાળીએ ફટાકડા કેમ, હોળીએ રંગ કેમ, દશેરાએ રાવણને જલાવવાનો કેમ...આ કેમ નો કોઈ અંત નથી. તમે કેટલું છોડી દેશો અને કોના માટે?

અમસ્તું,
આખી દુનિયામાં એક હિંદુ ધર્મ જ એવો છે જે તમને નાસ્તિક બનવાની પણ છૂટ આપે છે, નિર્ણય તમારે લેવાનો છે!

Read More

તમને સોશ્યલ મીડિયા પર ચાલતી ચર્ચા કેટલી ને કેવી અસર કરે છે?
socail

તમને સોશ્યલ મીડિયા પર ચાલતી ચર્ચા કેટલી ને કેવી અસર કરે છે?

Read More