Home About Books Stories Articles Gallery Contact
lesson • 5 Min Read

પાકા ઘડે કાંઠલો ચઢાવવાની વાત

Niyati Kapadia July 9, 2026
પાકા ઘડે કાંઠલો ચઢાવવાની વાત

આ હમણાં ગયોને એ મંગળવાર મારા માટે ખાસ હતો. મારો જન્મદિવસ હતો! જીવાઈ ગયેલા વરસોમાં એક આંકડો વધી ગયો અને બાકી બચેલા વરસોમાંથી એક ઓછું થયું. એ દિવસે મને વિચાર આવી ગયેલો કે હવે જિંદગીના કેટલા વરસ બાકી બચ્યા હશે? હું સાઠ, સીતેર વરસની થઇ શકીશ ખરી?

વિચારવાનું આપણા હાથમાં હોય ત્યારે સારું જ વિચારવું એવો મારો નિયમ છે. મેં માની લીધું કે હું સીતેર વરસ સુધી હું આ પૃથ્વી પરના હવા-પાણી ખૂટાડતી રહીશ! તરત જ પાછો બીજો વિચાર આવ્યો, એ વખતે પણ તું અત્યારે જેવી છે એવી જ રહીશ કે બદલાઈ જઈશ?

મેં થોડુંક વિચાર્યું અને તરત જ મારા ફળદ્રુપ ભેજામાં એક મસ્ત વિચાર આવી ગયો. મેં એક પત્ર લખ્યો, મને પોતાને! મુદ્દાસર વાત કરતો એક પત્ર અને એ પત્રને પછી મેં મારા ખૂબ જ ગમતા એક ઘરેણાના ડાબલામાં છુપાવીને મૂકી દીધો છે. એ ઘરેણાંનો ડબ્બો રોજ રોજ નથી ખૂલતો, એને સાચવીને લોકરમાં મૂકી રખાય છે પણ જેવો ઘરમાં કોઈ સારો પ્રસંગ આવે ત્યારે તરત જ એને યાદ કરીને બહાર કઢાય છે. હવે જ્યારે પણ એ ડબ્બો ખુલશે ત્યારે ઘરેણાંની સાથે મારો મને પોતાને લખેલો એ પત્ર મળશે...

એ પત્રમાં મેં મને પોતાને કેટલીક સલાહ આપી છે. આજથી દસ, પંદર કે પચીસ વરસ બાદ પણ મારે શું કરવાનું છે એ સૂચવ્યું છે.
સૌથી પહેલી સલાહ લખી છે કે પત્રમાં લખલી દરેક વાત મારે માનવી. ભલે એ વખતે એમ લાગે કે આ બધુ નદાનીમાં લખેલું અને તને એ ના ગમે તોય એવું જ કરવાનું છે! ઉંમર વધવાની સાથે સાથે તારી સમજદારી વધી હશે, તું પહેલા કરતા વધારે લાગણીશીલ બની હશે અને એ લાગણીમાં તણાઈને તું ખોટા નિર્ણય લેતી ના થઈ જાય એટલે જ તો આ પત્ર લખ્યો છે!

બીજી સલાહ આપી છે કે તારા પુખ્ત થઈ ગયેલા સંતાનો પર ગર્વ કરજે અને એ માંગે નહિ ત્યાં સુધી સલાહ આપવા ના દોડી ના જતી. માપાબ બન્યા પછી આપણને એક ટેવ પડી ગઈ હોય છે આપણા સંતાનોની ચિંતા કર્યા કરવાની. એમને વાતે વાતે સૂચના આપ્યા કરવાની અને એ ટેવ જીવનના અંત સુધી છૂટતી નથી. એક છોડ ઉછેરતી વેળાએ જરૂર મુજબ ખાતર, પાણી આપ્યા બાદ એને એની રીતે વિકાસ પામવાનો સમય આપવો પડે છે. એ વખતે આપણે કંઈ કરવાનું નથી હોતું બસ વિશ્વાસ રાખવાનો હોય છે એક બીજની વૃક્ષ બનવાની શક્તિ પર. આ જ વાત સંતાનોને પણ લાગુ પડે છે. જે સંસ્કાર એમને ગળથૂથીમાં સિંચ્યા છે એ નાશ નથી પામવાના અને એક દિવસ એ ચોક્કસ ઉગી નીકળશે.

ત્રીજી વાત કરી છે જીવનમાં વેઠેલી તકલીફોને પોતાની અંદર જ ક્યાંક છુપાવીને મૂકી રાખવાની. તારી જિંદગી તું તારી મરજી મુજબ જીવી છું. તારા જે તે સમયના નિર્ણયો તેં જાતે લીધા છે એમાં તારા પરિવારજનોની ઈચ્છા અસર કરે છે પણ તારા બાળકોની મરજી ક્યાંય દૂર દૂર સુધી દેખાતી નથી! એ નાના છે, એમને ખબર ના પડે એમ માનીને એ લોકોની લાંબા વખત સુધી અવગણના કરાઈ છે. તમારા માટે મેં આટલી તકલીફ વેઠી - આ વાક્ય સંપૂર્ણ સાચું નથી! એ બધુ જીવનમાં આગળ વધવા માટે જરૂરી હતું એવી સમજ તારી હતી, બાળકોની નહિ! એ લોકો ક્યારેક કહી દે કે બધી મમ્મીઓ બાળકોને મોટા કરે છે એમાં તે શી નવાઈ કરી...ત્યારે દુઃખી શા માટે થવું જોઇએ! એમની રીતે એ વાત યોગ્ય જ છે એને પચાવતા શીખી લે.

ચોથી વાત લખી છે જીવનમાંથી જિજ્ઞાસા ખલાસ નહિ કરવાની! માણસનો સ્વભાવ છે ખાંખાંખોળા કર્યા કરવાનો અને એમાંથી કોઈ બાકાત નથી. તારા દાદાના જમાનામાં ફોન કે ટીવી નવાઈની વાત હતી. તારા પપ્પાના સમયમાં મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ નવું હતું. તારા સમયમાં આગળ જતા કદાચ માણસોની જગ્યાએ આવી ગયેલા રોબોટ્સ નવાઈની વાત હશે! તારી સારસંભાળ રાખવા તારા ઘરના લોકો પાસે કદાચ સમય ના બચે અને એ લોકો તારા માટે એક રોબોટ લાવી આપે તો જરાય ચું કે ચા કર્યા વગર તું એ રોબોટને, એની સિસ્ટમને સમજવાનો પ્રયાસ કરીશ અને એની સાથે જાતને કેળવી લઈશ. પુસ્તકો વાંચવાનો, ફિલ્મ જોવાનો તારો શોખ અંતિમ ઘડી સુધી તું જાળવી રાખીશ અને એ વખતે એ શોખ પુરો કરવા જે સાધન હાથવગા હશે એને વાપરતા શીખવામાં તું તારાથી ઉંમરમાં કેટલાય નાના ટાબરિયાઓની મદદ વિના સંકોચ માંગીશ. પહેલા પુસ્તક હાથમાં લઈને વંચાતું હતું, પછી મોબાઈલમાં સમાઈ ગયું, ઓડિયો બુક આવી તો કાનમાં ઇયર બડ્સ ખોસ્યા હવે આગળ કાંઈક બીજું ગતકડું આવશે તો એય શીખી લેવાશે...મતલબ પુસ્તક વાંચવાથી હોવો જોઈએ કેવી રીતે વાંચ્યું એનાથી નહીં!

પાંચમી વાત હંમેશા આનંદમાં રહેવાનું અને પ્રાર્થના કરવાનું ક્યારેય બંધ ના કરવું. ચિડાયેલા કે સોગિયા મોંઢાવાળા માણસો જેમ અત્યારે તને નથી ગમતા એમ આગળ જતા તારા ઘરનાંને પણ નહિ ગમે. સહજ બનીને જીવવું જ ઉત્તમ. જ્યારે લાગે કે વાત આપણા કાબૂ બહારની છે ત્યારે ભગવાન ઉપર છોડી દેવાની, એક પ્રાર્થના કરી લેવાની અને એની અસર ઉપર ભરોસો રાખવાનો.

છઠ્ઠી અને છેલ્લી વાત ઘરના દરેક સભ્યને એ વિશ્વાસ હોવો જોઈએ કે ગમેતેવી પરિસ્થિતિમાં પણ તું એમની સાથે છે. એમની ચઢતી, બઢતી બધુ તને સ્વીકાર્ય છે. એમની જીતમાં તું ખુશ છે અને કદાચ હાર થાય તો જીતવાના જુસ્સા સાથે ખેલાતો એક નવો દાવ જોઈ નાખવાની તારી તૈયારી છે!
બસ, આટલી છ વાતો યાદ રાખજે અને જડતાથી એનું પાલન કરજે

Read More

તમને સોશ્યલ મીડિયા પર ચાલતી ચર્ચા કેટલી ને કેવી અસર કરે છે?
socail

તમને સોશ્યલ મીડિયા પર ચાલતી ચર્ચા કેટલી ને કેવી અસર કરે છે?

Read More