Home About Books Stories Articles Gallery Contact
importance • 5 Min Read

પરિવર્તન સંસારનો નિયમ છે- તમને આ સોનેરી વાક્ય સમજાયું?

Niyati Kapadia July 9, 2026
પરિવર્તન સંસારનો નિયમ છે- તમને આ સોનેરી વાક્ય સમજાયું?

હમણાં મેં એક મસ્ત પુસ્તક વાંચ્યું. એમાં બે વેંતિયા અને બે ઉંદરની વાત હતી. એ ચારે જણા રોજ એમના ઘરની બહાર નીકળતા અને એક ભુલભુલામણીમાં ફરી ચીઝનાં ટુકડા શોધ્યા કરતા.
બંને ઉંદરો સ્વભાવે તરવરિયા હતા અને જે કોઈ પરિસ્થિતિ ઊભી થાય એનો સ્વીકાર કરી આગળ વધી જતાં. જે બે વેંતિયાં હતા એ સ્વભાવે થોડા વિચારશીલ હતા. એ બધાની પસંદ અલગ હતી. ઉંદરોને થોડું સખત હોય એવું ચીઝ ખોતરીને ખાવાનું પસંદ હતું જ્યારે વેંતિયાઓને નરમ ચીઝ ગમતું. એ ભુલભુલામણીમાં દરેકને એમની પસંદનું ચીઝ મળી રહેતું હતું.

એક વખત એ ચારે જણે સારું એવું ફરી લીધા બાદ પણ ક્યાંય ચીઝ ના મળ્યું ત્યારે ભૂખ્યા જ પાછા ફરી જવું કે હજી આગળ જવું છે, એ સવાલ ઊભો થયેલો. ત્યારે ઉંદરોએ કહ્યું કે, આટલે આવીને પાછા જવું એના કરતા આ નવા રસ્તે થોડું ચાલી નાંખવું બહેતર છે. આવતી કાલે જ્યારે આપણે પાછા અહીં આવીએ ત્યારે ખબર તો હોય કે આ રસ્તે આગળ જવાનું છે કે નહિ?

એ થોડાક આગળ ગયા ને એમની આંખો ફાટી ગયેલી. એમની નજર આગળ ચીઝનો વિશાળ પહાડ ઊભો હતો. અલગ અલગ પ્રકારના કેટલાય ચીઝ ત્યાં હાજર હતા. ચારે જણે પેટ ભરીને ખાઈ લીધું અને સંતોષ સાથે પાછા ફર્યા. બીજે દિવસે એમને ખબર હતી કે ક્યાં જવાનું છે. એ લોકો સીધા જ એ ચીઝના પહાડ વાળી જગ્યાએ પહોંચી ગયેલા. આજે પણ ત્યાં વિપુલ પ્રમાણમાં ચીઝ પડ્યું હતું. એમને બીજે ક્યાંય જવાની જરૂર નહોતી.

હવે આ એમનો નિત્યક્રમ થઈ ગયો હતો. એ રોજ સવારે નીકળતા, ચીઝના ઢગલા વાળી ગલીમાં આવતા, પેટ ભરીને ચીઝ આરોગતા અને પછી પાછા ચાલ્યા જતા. એમને એકવાર પણ એ વિચાર નહોતો આવ્યો કે અહીંયા આટલું બધું ચીઝ આવ્યું ક્યાંથી? વેંતિયાઓ એમના સ્વભાવ મુજબ વિચારવા લાગેલા કે આ ચીઝ એમના નસીબમાં લખેલું હતું અને એ એમને મળી ગયું. ઉંદરો કશું જ નહોતા વિચરતા એ બસ ચીઝ ખાતા અને હજી કેટલો જથ્થો બાકી બચ્યો છે એ જોતા રહેતા. એક દિવસ ઉંદરે કહ્યું કે હવે અહીંનું ચીઝ ઓછું થઈ રહ્યું છે, સ્વાદ પણ બદલાઈ રહ્યો છે, આપણે નવા ચીઝની શોધ ચાલું કરી દેવી જોઈએ. એની વાત સાંભળી વેંતિયાઓએ કહ્યું કે આ ચીઝ આપણા નસીબમાં હતું એટલે આપણને આ લાભ મળ્યો અને એ લાભ આગળ પણ મળતો રહેશે.

બીજે દિવસે એ લોકો ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં ચીઝના થોડાક જ ટુકડા પડ્યાં હતાં. ઉંદરોએ કહ્યું કે હવે નવું ચીઝ શોધવાનો સમય આવી ગયો છે. એમણે થોડી પેટ પૂજા કરી લીધી અને તરત ત્યાંથી નવા રસ્તે નવું ચીઝ શોધવા નીકળી પડ્યા. વેંતિયાઓ માટે આ અનુકૂળ આવી ગયેલી પરિસ્થિતિને છોડીને આગળ વધવું મુશ્કેલ હતું. એમને લાગતું હતું કે આ જે કંઈ થયું એ સારું નથી થયું. એ રોજ અહીં આવતા ત્યારે જે ચીઝનો પહાડ જોવા મળતો હતો એ હજી દેખાવો જોઈએ, રોજ દેખાવો જોઈએ, કોઈ એને દૂર ના રોજ દેખાવો જોઈએ, કોઈ એને દૂર ના કરી શકે. એમણે મનોમન એવું માની લીધેલું કે આ જે વિકટ પરિસ્થિતિ આવી છે એ થોડા સમય પૂરતી જ છે અને ટૂંક સમયમાં એમને અહીંથી જ સરસ ચીઝ મળી રહેશે.
ત્યાં જે પણ ચીઝના ટુકડા પડેલા હતા એ થોડા દિવસોમાં ખલાસ થઈ ગયા. નવું ચીઝ આવ્યું નહીં ને બંને વેંતિયાઓને ભૂખ્યા રહેવાના દિવસો આવ્યા ત્યારે એમાંના એકે કહ્યું, “તને નથી લાગતું કે આપણે પણ હવે નવા ચીઝની શોધ કરવી જોઈએ?" ત્યારે બીજા વેંતિયાએ એની વાતનો ઇનકાર કરતા કહ્યું કે હું અહીં જ રહેવાનો છું. આગળ જતાં નવી ગલીઓમાં ભૂલા પડી જવાનો ભય છે જ્યારે આ ગલી મારી જાણીતી છે. હું અહીંયાથી ક્યાંય જવાનો નથી.

બીજા થોડા દિવસો બંને ભૂખ્યા રહેવું પડ્યું ત્યારે એક વેંતિયાને થયું કે ખાધા વગર કેટલા દિવસો જીવિત રહી શકાય? એણે વિચાર્યું કે હું જો અહીં બેઠો રહીશ તો ચીઝ મળશે કે નહીં એની કોઈ ખબર નથી પણ હું જો બહાર નીકળીને નવા રસ્તે ચીઝ શોધીશ તો કદાચ એ મળી જશે. આ જગ્યાએ આવ્યા પહેલા પણ અમે લોકો એમ જ રોજ શોધખોળ કરતા હતા અને પેટ ભરવા જેટલું મળી રહેતું હતું. એણે એમાં મિત્રને આગળ વધી નવું ચીઝ શોધવા સમજાવ્યો પણ એ ના માન્યો ત્યારે એ એકલો નીકળી પડ્યો...

નવા રસ્તે એને ઘણો ડર લાગ્યો. કેટલીય વાર થયું કે પાછો વળી જાય ત્યાં ચીઝ મળે ના મળે મિત્ર તો મળશે પણ પાછા જવામાં એને મોતનો ભય દેખાયો અને એ આગળ વધતો રહ્યો. મનને રાજી કરવા એણે પછી કલ્પના કરવા માંડી કે આગળની ગલીમાં જતા જ એને નવું ચીઝ મળી આવ્યું છે અને પોતે એને ચાવી રહ્યો છે. આવી કલ્પના કરતા એને સારું લાગ્યું અને એ આગળ વધ્યો. એને નાના નાના કેટલાક ચીઝના ટુકડા મળતા રહ્યા. હવે એને થયું કે હું જો એ જ જૂની જગાએ બેઠો રહ્યો હતો તો અત્યારે એટલો અશક્ત થઈ ગયો હોત કે ચાલવાના પણ હોશ ના હોત પણ એવું નથી થયું. હું નવા રસ્તે આગળ વધ્યો અને મને પેટ ભરવા જેટલું તો મળી ગયું. હજી આગળ જતાં કદાચ વધારે પ્રમાણમાં પણ મળી જાય.

હવે એ વેંતિયાના મનમાંથી આગળ વધવાનો ડર ચાલ્યો ગયો હતો. પોતે મુરખાની જેમ ત્યાં કોઈ આવીને એને માટે નવું ચીઝ મૂકી જશે એવો વિચાર કરતો બેસી રહ્યો હતો એ વિચાર પર એને હવે હસવું આવી રહ્યું હતું. પોતે પણ જો ઉંદરો સાથે જ નીકળી ગયો હોત તો સારું હતું એમ વિચારી એણે નવા રસ્તે આગળ વધી ચીઝની શોધ કરવાનું ચાલું રાખ્યું અને પછી એક દિવસ એને ફરી ચીઝનો વિપુલ જથ્થો મળી ગયો.

એણે જોયું કે એના મિત્ર ઉંદરો પહેલેથી જ એ નવી જગ્યાએ હાજર હતા. એમની તંદુરસ્તી કહી રહી હતી કે એ લોકોને આ જથ્થો કેટલાય વખત પહેલાં મળી ગયો હતો. એમણે હસીને વેંતિયાનું સ્વાગત કર્યું અને બધા નવું તાજું ચીઝ આરોગવા લાગ્યા.

આ વખતે પાછા ગયા બાદ વેંતિયાએ ફરી એના પેલા જૂના મિત્ર પાસે જઈ કહ્યું કે અમે ચીઝનો નવો જથ્થો શોધી લીધો છે તું પણ કાલથી મારી સાથે ત્યાં આવી જજે. એ મિત્ર ના માન્યો અને પોતાની જીદ પર અડી રહ્યો. એને હજી વિશ્વાસ હતો કે એને ત્યાંથી જ નવું ચીઝ મળશે.

બંને ઉંદરો સાથે આ આગળ વધી ગયેલો વેંતિયો હાલ ખુશ છે. એણે પણ હવે ઉંદરોની જેમ ચીઝના જથ્થા અને ક્વોલિટી પર નજર રાખવાનું શીખી લીધું છે અને અહીંયા કોઈ બદલાવ આવે તો તરત નવા માર્ગે નીકળી પડવા એ તૈયાર છે. પેલા જૂના મિત્રનું શું થયું એ વિશે કોઈ જાણકારી નથી મળી.

આટલે સુધી વાંચ્યું ને...હવે તમે આ વાર્તા અને એના પાત્રો સાથે તમને પોતાને જોડી જુઓ. તમારું ચીઝ એટલે શું... એ તમારો ધંધો, સંબંધ કે બીજું ગમ્મે તે હોય શકે છે. તમે આ ચારમાંથી કોના જેવા છો કે કોના જેવું બનવા ધારશો?

Read More

તમને સોશ્યલ મીડિયા પર ચાલતી ચર્ચા કેટલી ને કેવી અસર કરે છે?
socail

તમને સોશ્યલ મીડિયા પર ચાલતી ચર્ચા કેટલી ને કેવી અસર કરે છે?

Read More