Home About Books Stories Articles Gallery Contact
Short Fiction • 15 Min Read

મનનો ભાર

Niyati Kapadia
મનનો ભાર

મનનો ભાર


મનનો ભાર

બેધ્યાનપણે જ સાંજે દુકાનની બહાર લાઈનમાં ઊભો ઊભો હું મારો નંબર આવે એની રાહ જોતો કાન ખંજવાળી રહ્યો હતો. મને એમ કે મોંઢે માસ્ક પહેરેલું છે, એટલે કોઈ મને ઓળખી નહીં શકે પણ હું ખોટો ઠર્યો. મારાથી સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને થોડે દૂર ઊભેલી એક મહિલાએ મને ઓળખી કાઢ્યો.

“મધુ..? માધવ તું જ છે ને?” ધેરો, કોઈ ઊંડી ખીણમાથી આવતો હોય એવો અવાજ મારા કાને પડ્યો અને મારું દિલ જાણે ધડકવાનું ભૂલી ગયું.

“મને ઓળખી નહીં? હું રાધા, રમેશકાકાની રાધા?” એણે એનું માસ્ક સહેજ નીચે ઉતાર્યું અને મારા ઉપર જાણે વીજળી પડી.

મારુ મન કહી રહ્યું હતું, હું તને ના ઓળખું રાધા એ શક્ય છે?

“ક્યાં ખોવાઈ ગયો? મને ઓળખી કે નહીં?” એણે માસ્ક સરખું કર્યું અને મારી સામે આંખો કાઢીને જોઈ રહી.


હું થોડો છોભીલો પડી ગયો, એ થોડી બદલાયેલી લાગી, એની આંખો તરફ જોઈ વાત કરતા એ સહેજ અજાણી લાગી. વાતો કરવામાં હું ઉત્સાદ હતો અને એ હુનર મહિલાઓ આગળ જરૂર કામ આવતું, મેં તરત હસીને કહ્યું, “ના કેમ ઓળખું તું ભૂલી જવાય એવી વ્યક્તિ થોડી છે? કેમ છે અને સાસરેથી ક્યારે આવી?”

“અરે આ લૉકડાઉન ચાલું થઈ ગયું અને અહીંયા ફસાઈ ગઈ. હું મમ્મી પપ્પા સાથે ત્રણ ચાર દિવસ રોકવા આવેલી અને હવે મહિનો રહેવાનું થયું. મારા મિસ્ટર બિચારા એકલા એકલા ત્રાસી જવાના."

એનો નંબર આવી જતાં એ આગળ વધી દુકાનદાર તરફ ગઈ, એને જોઈતી વસ્તું ખરીદી અને બાય કહી ચાલી ગઈ. એની પછી તરત મારો નંબર હતો. સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા દુકાનની બહાર કરાયેલા એક વર્તુળમાં ઊભો હું રાધાને જોતા જ જડ થઈ ગયો હતો, દુકાનદારે બૂમ પાડીને મને જગાડયો,

“અરે ભાઈ ઝડપ રાખો પાછળ લાંબી લાઇન છે હમણાં સાત વાગે મારે દુકાન બંધ કરવી પડશે.”


હું જાગ્યો ખરો પણ પૂરો ભાનમાં ન આવી શક્યો. હું શું લેવા માટે અહિયાં આવેલો એ પણ ભૂલી ગયો. સારું હતું કે મારી ઘરવાળી મીરાને મારા ભૂલી જવાની શક્તિ ઉપર પૂરો ભરોસો છે. એ મને દરેક સામગ્રીનું લિસ્ટ થેલીમાં મૂકીને જ આપે. જેવી થેલી ખોલી એવી જ કાગળની એક ચબરખી દેખાઈ અને મેં એ દુકાનદારને સોંપી.

એ એક એક વસ્તું પેક કરતો રહ્યો ત્યાં સુધી હું ફરી વિચારે ચઢ્યો. રાધા એટલે માધવનો પ્રાણ, મારો પ્રાણ. એ મારા ઘરની સામેની લાઇનમાં જ ચોથા નંબરના મકાનમાં રહેતી અને અમે રોજ સાથે સાથે શાળાએ જતાં, એકબીજાના ઘરે જઈ વાતો કરતા. ઉંમરમાં એ મારા કરતાં વરસ મોટી હતી અને એ એનો પૂરો ફાયદો ઉઠાવતી. વાતે વાતે મને સલાહ આપતી, કોઈ ભૂલ કરું તો રીતસર ખખડાવી જ નાખતી અને ક્યારેક તોફાને ચઢી હોય તો મારા માથા ઉપર ટપલી પણ મારી દેતી. એ વખતે એ મારાથી સહેજ ઊંચી હતી મારા હાથમાં એનો ચોટલો આવી જતો પણ હું એને ખેંચવાની હિંમત નહતો કરી શકતો. સાવ નાની ઉંમરથી જ રાધા તરફ કોઈ ખેંચાણ થતું હું અનુભવી શકતો હતો. એ શું હતું એની ખબર ત્યારે પણ નહતી પડી અને હજી આજેય નથી પડી. હા,

એ ખેંચાણ આજે વરસો બાદ પણ અકબંધ છે એની ખબર પડી ગઈ. કેટલા વરસે મેં એને જોઈ...

“એક હજાર ત્રીસ.”

“આટલા બધા?”

હું ઉતાવળે બોલી ગયો અને પછી ભાન થયું દુકાનદાર રૂપિયા માંગી રહ્યો હતો. મેં ગજવામાંથી પર્સ કાઢ્યું અને રૂપિયા ગણવા લાગ્યો, પાછળથી કોઈનો અવાજ આવ્યો,

“આ દુકાનદારો અત્યારે આપણી ગરજ જોઈને લૂંટી રહ્યા છે.”

મને થયું ખોટા સમયે બબડાટ થઈ ગયો હવે અહીંથી ભાગી જવામાં જ સાર છે.

દુકાનેથી ભાગીને ઘરે તો આવ્યો પણ મન હવે રાધમય બની ચૂકેલું. ઘરે આવીને શ્રીમતીજીને થેલી સોંપી હું બાથરૂમમાં ઘૂસ્યો અને સવારની જે ગીતની એક લાઇન મગજમાં રમી રહેલી એને શાવરના અવાજ સાથે

મેળવીને હું મોટેથી ગાવા લાગ્યો. ખરેખર જો આ બાથરૂમ અને શાવરની સુવિધા ના હોત તો મારા જેવા કેટલાય બેસુરા ગાયકો એમની ગીત ગાવાની લાલશા મનમાં ને મનમાં દબાવી ગૂંગળાઈ મરત...

એ સાંજે હું જમવા બેઠો ત્યારે મારા ચહેરા પર ઝળકતી ખુશી મારી પત્ની મીરાએ તરત નોટીશ કરી. એ બિલાડી દૂધની તપેલી તરફ જેવી નજરે જોઇ રહે એવી જ નજરે મારી સામે જોઈ રહેલી. પછી મલકાઈને બોલી,

“રોજ તો જાણે ઉતરેલી કઢી પી લીધી હોય એવું મોઢું લઈને જમતા હોં છો. આજે...ચહેરો હસુ હસુ થઈ રહ્યો છે, કંઈ ખાસ વાત છે?." 

“એટલે હવે હું હસુ એમાંય તમે પ્રોબ્લેમ છે?" મેં પણ કતરાતી નજરે એને જોતા કહ્યું.

“મારી સામે હસો એમાં શું વાંધો હોય, મારી ઉપર હસો તો બતાવી દઉં," એ ખિલખિલ કરતી હસી નાખતા બોલી. મને ક્યારેય સમજાયું નથી કે એને આટલું બધું હસવું શેનું આવે છે? ક્યારેક તો હું અરીસામાં મારું મોઢું ચેક કરી લેતો હોઉં છું, ક્યાંક જોકર જેવો તો નથી

દેખાતો!

રાતે મને ઊંઘ ન આવી. રહી રહીને રાધા સાથેના બાળપણના મીઠાં સ્મરણો યાદ આવી રહ્યાં. રોજ સાંજે એ મારા ઘરે આવતી અને આખા દિવસની વાતો કરતી. મેં મારું ગૃહકાર્ય કર્યું કે નહીં એ પણ રાધા ચેક કરતી અને જો મેં ના કર્યું હોય, જે હું કરવાનો પણ ના હોય, એ મને પરાણે કરાવતી. હું અકળાઈ જતો ક્યારેક છતાં એને ના ગમે એવું કંઈ કરવાનું મને સહેજે પસંદ ન આવતું. કેટલા સુંદર હતા એ દિવસો.

એક રાતે એ મારા ઘરે ચિત્રહાર જોવા આવેલી. એના ઘરે કોઈ મહેમાન આવેલા હતાં. મારા ઘરે હું અને મમ્મી બે જ ટીવી જોતાં હતાં. ચાલું પ્રોગ્રામની વચમાં જાહેરાત આવેલી અને એણે મારી પાસે પાણી માંગ્યું હતું. હું પાણી લેવા રસોડામાં ગયો ત્યારે એ પણ મારી પાછળ આવી પહોંચેલી.

“મધુ...માધવ જોને મારા બંને હાથે મહેંદી મુકેલી છે, હું પાણી કેવી રીતે પીવું?" એણે એના બંને હાથ મારી સામે લંબાવી પૂછેલું.

હું શું કરી શકાય એ વિચારી રહ્યો હતો અને એણે કહેલું,

“લલ્લુની જેમ શું વિચાર્યા કરે છે? તું જ પાણી પીવડાવી દે ને."

એણે ખૂબ જ સાહજિકતાથી કહેલું અને પોતાનું મોઢું મારી તરફ લંબાવેલું, મેં ગ્લાસ એના હોઠે ધર્યું અને એ પાણી પીવા લાગેલી, મને ફાવી નહતું રહ્યું અને થોડું થોડું પાણી એના હોઠના ખૂણેથી બહાર રેલાઈ રહ્યું હતું, એ પાણી પીતી મંદ મંદ હસી રહેલી અને મારા મનમાં કંઇક અજીબ જ સંવેદન ચાલી રહેલું. એ શું હતું તે મને સમજાયું ન હતું પણ મારી મમ્મી અચાનક રસોડામાં આવી ગયેલી અને એને રામજાણે શું સમજાયું પણ એ કડક અવાજે બોલેલી,

“રાધા હવે તું મોટી થઈ. તારે પાણી પીવું હોય તો મને કહેવાય." 

રાધા કંઈ કહ્યા વગર માથું ધુણાવી બહાર ભાગી ગયેલી. મારા માટે એય આશ્ચર્ય સમાન હતું, એને ભાગી જવાની શું જરુર હતી? ચિત્રહાર હજી પૂરું ક્યાં થઈ ગયેલું? મને મમ્મી ઉપર ખીજ ચઢેલી પણ એની સામે બોલવાની મારી હિંમત ન હતી. મનમાં થયું કે રાધા મોટી થઈ ગઈ તો હું કેમનો નાનો રહી ગયો? એ વખતે એ અઢારની અને હું

સતર વરસનો હતો.

એ પછી એક દિવસ ખબર મળેલી કે એને જોવા છોકરાવાળા આવવાના છે. એણે મને વાત કરી એવો જ હું ઉદાસ થઈ ગયેલો. મને એમ કે એ પણ મને ચાહે છે. એક દિવસ હું નોકરી કરતો થઈ જાઉં એટલે એના ઘરે જઈ માંગુ નાખીશ અને પછી અમે બંને પતિપત્ની બની જીવનભર સાથે રહીશું. આ જ તો મારું એકમાત્ર સપનું હતું. છેક સમજણો થયો ત્યારથી જોયેલું સપનું એને એક પળમાં રાધા આમ કેવી રીતે તોડી શકે. મેં સહેજ ઊંચા અવાજે એને કહી દીધેલું,

“તું ના પાડી દેજે એ છોકરાને. એ કે દુનિયાનો એકેય છોકરો તારે લાયક નથી." 

“અચ્છા, તો કોણ છે મારે લાયક?" મીઠું હસતા એણે પૂછેલું.

“હું..."

હે ભગવાન આટલું “હું” કહેતા તો મારું દિલ જે જોર જોરથી ધડકવા લાગેલું, હું આખેઆખો ધ્રુજી ઉઠેલો.

બોલી રહ્યા બાદ મારા કાન, મારું મગજ, મારું દિલ, મારું સમગ્ર અસ્તિત્વ રાધાનો જવાબ સાંભળવા આતુર હતું. એ જવાબ “હા" જ હશે, એ કદાચ શરમાઈ જશે, દોડીને ભાગી જશે અને દરવાજે ઊભી રહી મારી તરફ એક નજર ફેંકી, સહેજ મલકીને જતી રહેશે એવી હું કલ્પના કરી રહેલો અને એણે સત્યાનાશ વાળી દીધેલું...

પહેલા તો એ ખડખડાટ હસી પડી એ જ મને અપમાન જેવું લાગેલું, એ પછી જે શબ્દો આવ્યા એણે રહી સહી કસર પણ પૂરી કરી નાખેલી, મારામાંના આશિકને ખૂબ જ ક્રૂરતાપૂર્વક રહેંસી નાંખેલો. મારી જ પ્રિયતમાએ ઠંડે કલેજે મારી હત્યા કરેલી.

“ગાંડો થયો છું લલ્લું? હું તારાથી મોટી છું અને ગમે તે કરી લે તું હંમેશા મારાથી નાનો જ રહેવાનો."

મારા માથા પર એક ટપલી મારવા એનો હાથ લાંબો થયેલો પણ એ ના મારી શકી. હવે હું એનાથી ખાસ્સો ઊંચો હતો અને આ વખતે મેં મારું માથું જુકાવ્યું ન હતું. 

એ ચાલી ગયેલી. જાણે કંઈ જ બન્યું ના હોય એમ એ સ્વસ્થ હતી. છોકરાવાળા આવ્યા અને એને જોઈને

ગયા. છોકરો કેવો હતો એ જણાવવા એ સાંજે મારા ઘરે આવેલી પણ મેં એને એ એકાંત હાથે કરીને ન હતું આપ્યું. વાંચવાનું બહાનું કરી હું ચોપડીમાં માથું છુપાવી બેસી રહેલો. એ મમ્મી સાથે થોડી વાતો કરીને ચાલી ગયેલી. છોકરો મુંબઈ જવાનો હતો, મસમોટા પગારવાળી નોકરી હતી, ખૂબ દેખાવડો હતો, રાધા અને એની જોડી જામે એવી છે એવી એવી વાતો મારા કાને અથડાયા કરતી હતી અને મને અંદરથી કંઈનું કંઈ થઈ જતું.

ક્યારેક થતું કે એ રાધાડીને પકડીને કહી દઉં કે તને મારા જેટલું આ દુનિયામાં કોઈ નહીં ચાહી શકે અને તરત જ એનું પેલું ખડખડાટ હાસ્ય યાદ આવી જતું, મનનો ઉમળકો મનમાં જ દબાઈને રહી જતો.  રાધાની સગાઈ થઈ ગઈ અને પછી એ એના મંગેતર સાથે બનીઠનીને ફરવા જતી એ જોઈ મારા હૃદય પર સાપ આળોટવા લાગતા. મારો પ્રેમ ક્યારે એના પ્રત્યેની દાઝમાં ફેરવાઈ ગયો એની મનેય ખબર ના પડી...એના લગ્નમાં હું હાજર ન રહ્યો. એણે તો મને અણવર બનીને એની સાથે જવાની ઓફર મુકેલી, મારા અને એના ઘરના બધા માની પણ ગયેલા, એક હું જ તૈયાર ન હતો એનો નાનો ભાઈ બનવા. લગ્નના બે દિવસ પહેલા જ હું પરીક્ષાનું બહાનું કાઢી મિત્રની હોસ્ટેલની રૂમ પર રહેવા ચાલી ગયેલો.


આજે વિચારું છું તો હસવું આવે છે પણ મેં જીવનમાં જે કંઈ પ્રગતિ કરી એના મૂળમાં રાધા પ્રત્યેનો ગુસ્સો જ હતો. એણે મને “હું નાનો હતો" એટલા ખાતર જ ઠુકરાવેલો અને મેં નક્કી કરેલું એના કરતાં દરેક વાતે મોટા બનવાનું. એના કરતાં મોટું ઘર, મોટી ગાડી, સુંદર પત્ની, ત્યાં સુધી કે જેવી ખબર મળેલી કે લગ્નના પાંચ વરસે એ મા બનવાની છે ત્યારે મે પણ બાપ બનવાનો નિર્ણય લઈ નાખેલો. હું બાપ બની ગયેલો પણ એ મા નહતી બની શકી...

વરસો જૂની એ વાતે ત્યારે મને સહેજે પીડા નહતી આપી પણ આજે વિચારું છું ત્યારે મને એના માટે દુઃખ થઇ રહ્યું છે. એનું બાળક અધૂરા માસે જ મરણ પામેલું અને એ ફરી ક્યારેય મા ન બની શકી. એ પછી મેં એને જ્યારે જોઈ ત્યારે એ થોડી ગંભીર લાગેલી. પિયર આવે ત્યારે હવે એ પહેલાંની જેમ મને મળવા ઘરે નહતી દોડી આવતી. અચાનક આવતા જતા ક્યાંક નજર મળી જાય તોય સહેજ હસીને, “કેમ છે માધવ?" બસ એટલું જ પૂછી લેતી અને હું એની આગળ મારી સુંદર પત્ની, મારા બે દીકરા કે મારી નવી ગાડી એની નજરે ચઢે એવી ગોઠવણ કરી, મારી સફળતા બતાવવાનો પ્રયાસ કરતો

રહેતો. 

રાતના બાર વાગી ગયા. હું હજી જાગી રહ્યો છું. લાગે છે આજે ઊંઘ નહિ આવે. અત્યાર સુધી હું જ્યારે પણ યાદ કરું રાધાનો વરસો જૂનો સુંદર ચહેરો જ મારી નજર સામે આવતો આજે એને ખરેખર જોઈ ત્યારે...

એ કોણ હતી? એ રાધા જેવી દેખાતી જરૂર હતી પણ એ મારી રાધા ન હતી. માસ્ક પહેરેલ ચહેરો અડધા ઉપરનો ઢંકાયેલો હતો. એની બે આંખો જ હું ધારીને જોઈ શકેલો. એ આંખોમાં શું હતું? દુખ? ઉદાસી? કે પછી પસ્તાવો? ના એ કદાચ થાકી ગયેલી આંખો હતી. આજ સુધી એ જ્યારે પણ મને મળી એ મારી સામે જોઈ હસી હતી અને એની એ હસી ઉપર ગુસ્સો કરવામાં હું એની આંખો તરફ જોવાનું ચૂક્યો હતો. એ સાચું જ કહે છે હું ખરેખર લલ્લું છું. કેવી થઈ ગઈ છે એ? ના આ એ રાધા હતી જ નહીં જેને મેં બેહદ ચાહી હતી. જેના તરફથી જાકારો મળ્યો એમ માનીને આખી જિંદગી પછી ધૂત્કારી હતી.

હું ઊભો થઈ રસોડામાં આવ્યો અને થોડું પાણી પીધું. મારૂ મન કંપી રહ્યું હતું. વરસોથી જે નફરત મેં દિલમાં દબાવી રાખેલી એ આજે ઓંચિતી મારો સાથ છોડી

રહેલી અને હું એને એમ જવા દેવા નહતો ઈચ્છતો. એ નફરત તો હતી જેણે આજ સુધી મને ટકાવી રાખ્યો હતો. પહેલા રાધા તરફનો પ્રેમ હતો જેણે મને સપના જોતો કરેલો, એ પછી રાધા પ્રત્યેની નફરત હતી જેણે મને એ સપના પૂરા કરવા દોડતો કરેલો, આજે જો એ નફરત પણ ચાલી જશે તો પછી મારામાં બચશે શું?

“તમારી તબિયત તો ઠીક છે?” મીરા જાગી ગઈ હતી અને મારા ખભે હાથ મૂકી શાંતિથી પૂછી રહી હતી, “તમારું બીપી માપી જોઉં?”

“ના એવું કઈં નથી થોડી બેચેની થાય છે.”

મીરા મને ચાહતી હતી. એણે મારા જીવનમાં પત્નીની ભૂમિકા સુપેરે ભજવી હતી. હું માનું છું કે એનાથી સારી પત્ની બીજી કોઈ મને મળી જ ના શકે અને તોય અળવીતરું મન એક ક્ષણ માટે પણ રાધાને ભૂલ્યું ન હતું એ હકીકત હતી. મેં એને સાચવી હતી, એની નાનામાં નાની ઈચ્છા પૂરી કરેલી પણ હું એને ક્યારેય એવી રીતે નહતો ચાહી શક્યો જેવી રીતે મેં રાધાને ચાહી હતી.

“કઈં વાત કરવી છે? મનમાં જે હોય એ કહી નાખો એટલે

તરત નિરાંત થઈ જશે.”

એણે ફરી શાંતિથી અને પ્રેમાળ અવાજે કહ્યું. હમણાં પચાસ વરસની આસપાસના પુરુષો પહેલા જ એટેકમાં ગુજરી ગયા હોય એવું વારે વારે બની રહેલું અને એ થોડી ગભરાતી હતી એ મારી જાણમાં હતું. મેં સહેજ ટીખળ કરવા જ કહ્યું,

“આજે કરિયાણા વાળાને ત્યાં ગયેલો ત્યારે મારી એક જૂની ગર્લફ્રેન્ડ મળી ગયેલી. બસ એને જોઈ ત્યારનો થોડો વિહવળ છું.”

“આ મજાક કરવાનો વખત છે? અડધી રાતે ઊંઘ ના આવતી હોય તો હું પણ મારા બે ચાર બોય ફ્રેંડની કહાની સંભળાવી શકું છું.” એણે મોઢું મચકોડીને કહ્યું અને હું હસી પડ્યો.

થોડીવાર અમે બંને ચૂપ રહ્યા. બેડરૂમમાં આવી પલંગ પર આડા પડ્યા અને એણે પુછ્યું,

“ગર્લ ફ્રેન્ડ એટલે શું? તમે એને ખરેખર ચાહતા હતા કે ફક્ત ટાઈમ પાસ, આજના છોકરાઓ જેવું?”


મને થયું આ હવે પીંછો નહીં છોડે. વાંદરના હાથમાં મેં જ નિસરણી પકડાવી હતી હવે જે થાય એ જોયા વગર છૂટકો હતો? ખરું કહું તો મારે એને દુખી નહતી કરવી. એ પણ વરસો જૂની વાત લઈને...

“છોડને યાર સૂઈજા હવે.”

“મને ઊંઘ નહીં આવે. તમને પણ નહીં આવે.” એ થોડીવાર અટકી પછી મારી નજીક આવી, મારી છાતી પર હાથ મૂકી કહ્યું, “આપણા લગ્નને કેટલા વરસ થયા માધવ? હજી તમને આપણી વચ્ચે કોઈ પડદો રાખવા જેવું લાગે છે? ભૂતકાળમાં તમને કોઈ ગમતી હતી એનાથી હવે મને ફરક શા માટે પડવો જોઈએ? જો એ પ્રેમ એટલો આગળ પડતો હોત તો આજે મારી જગ્યાએ એ ના હોત. કે પછી એવું તો નથી ને કે હું તમને સાચવવામાં ઉણી ઉતરી અને આજે એને જોઈ એ તમારી પત્ની નથી એનું તમને દુખ થયું?” એનો અવાજ સહેજ ભીનો થયો કે મને એવો ભ્રમ થયો અને મને મારી જાત ઉપર જ બરાબરની ખીજ ચઢી, થા હજી દોઢ ડાહ્યો થા.

“તું વિચારે છે એવું કઈં નથી, એ તો,”

“એ જે હોય તે મને સાચેસાચું કહો માધવ. હું સાંભળી લઈશ. કોઈને પ્રેમ કરવો એ પાપ નથી પણ પોતાના પતિના જીવનમાં કોઈ બીજી સ્ત્રી હતી એ જાણ્યા બાદ એક સ્ત્રીના મનમાં કેવા કેવા સવાલો થાય એની તમને કલ્પના પણ નહીં આવે. હું ખોટી કલ્પના કરી કરીને હેરાન થાઉં એના કરતાં સારું છે તમે જ મને હકીકત જણાવી દો.”

મીરાનો આ જિદ્દીલો સ્વભાવ, મને સહેજ પણ નથી ગમતો. એકવાર કઈં નક્કી કરી લે પછી મારી કોઈ દલીલ એને ગળે ઉતરે જ નહીં. ના છૂટકે મારે એને કહેવું પડ્યું, બધુ જ સાચેસાચું... મારા પ્રેમથી લઈને મારી નફરત સુધીનું, આજના એના બદલાયેલા રૂપ સુધીનું બધે બધું જ મેં એને કહી નાખ્યું. પાંચેક મિનિટ એ ચૂપ રહેલી પછી એણે જે કહ્યું એવું મને એના સિવાય બીજું કોઈ ના કહી શક્યું હોત.

“ઓ મારા ભોળિયા પતિદેવ, એ છોકરી તમને ચાહતી હતી. ખરેખર ચાહતી હતી અને એને એ ખબર હતી કે એ ચાહત લગ્નમાં પરિણમે એવી કોઈ જ શક્યતા નથી.

આપણા વખતમાં સામસામે રહેતા છોકરા છોકરી ભાઈ બહેન કહેવાય એવો વણલખ્યો નિયમ હતો. તમે બંને સાથે ફરતાં, એકબીજાને ઘરે આવ-જા કરતાં અને તમને કોઈ રોકતું ન હતું એનું કારણ જ એટલું કે લોકોની નજરમાં એ તમારી મોટીબેન સમાન હતી. તમે મને એ કહો કે પ્રેમનો અંત હંમેશા લગ્નમાં જ શા માટે પરિણમવો જોઈએ? એ તમારી દોસ્ત હતી અને એને એ જ સંબંધ ટકાવી રાખવો હતો, આજીવન."

એ સહેજ બેઠી થઇ દિવાલે ટેકો દઈ મારી બાજુમાં ફરી અને એના એક હાથે મારા બચ્યા કુચ્યા વાળમાં રમત કરતા બોલી, “એના મનમાં એવી કેટલી બધી વાતો હશે જે એને તમારી સાથે કરવી હતી, એવી વાતો જે એ બીજા કોઈ આગળ નહીં કહી શકતી હોય. એ આવી હશે તમારી પાસે એના મનનો ભાર ઠાલવવા ક્યારેક અને તમે શું કર્યું? મને એમ કહો કોઈ છોકરી તમારી સાથે લગ્ન કરવાની 'ના' કહે એટલે બાકીના બધા સંબંધ પૂરા થઈ જાય? કોઈ સ્ત્રી કાં તો તમને રાખડી બાંધે કાં તો તમારી સાથે સુવા તૈયાર થાય એ સિવાયનો બીજો કોઈ સંબંધ તમે પુરુષો જોઈ જ નથી શકતા?”

બહુ હોંશિયાર સ્ત્રીઓને પરણવું ખરેખર ખતરનાક છે એ હું અનુભવી રહ્યો હતો. થોડીવાર વિચારતા હું એની દરેક

વાતે સહમત થયો પણ, હવે શું?

“હવે એક કામ કરજો, સવારે ઉઠો એટલે એના ઘરે જઈ, બહારથી બધાની તબિયત પૂછી એને ઘરે ચા પીવા આમંત્રણ આપતા આવજો. એ જરૂર આવશે અને આવે એટલે બધી કડવાશ ભૂલીને બે મિત્રોની જેમ એક બીજા સાથે વાતો કરજો, સોશ્યલ ડિસ્ટન્સ જાળવી હોં!”

એ ખુશ થઈને કહી રહી હતી કે કોઈ જાળ પાથરી રહેલી એ પકડવું મારા માટે મુશ્કેલ હતું પણ મારૂ મન અત્યંત આનંદ અનુભવી રહેલું. મને મારી ભૂલ સમજાઈ હતી. વરસો બાદ કાલે સવારે હું મારી રાધાડીને મળીશ, કેટલી બધી વાતો મારે એને કહેવાની છે, કેટલું બધુ એને પૂછવાનું છે. હોંશિયાર, સમજદાર પત્નીના પતિ હોવું ક્યારેક ક્યારેક ખૂબ ફાયદાકારક પણ હોય છે હોં!

વરસોનો મારા મનનો ભાર આજે જાણે હળવો થઈ ગયેલો. મારા જેવા શશ્ક્ત પુરૂષને બબ્બે સુકોમળ નારીઓએ પરાસ્ત કર્યો હતો અને સાચું કહું તો મને ખુશી છે કે હું એવી સ્ત્રીઓના સંપર્કમાં છું, જ્યાં મારૂ પુરુષપણું ઓગળી જાય છે, જ્યાં હું એક સામાન્ય માણસ તરીકે મારી જાતને મળી શકું છું.


- નિયતી કાપડિયા.

Thank you for reading this story. Share your thoughts or explore more works below.

Read more on Author Website Back to Stories

More Stories

પ્રેમ કથા • 1 min read

હું તને પ્રેમ કરું છું

દેવ આજે સવારે જ આવેલો રમ્યાનો મેસેજ જોઈને ચમક્યો હતો. એ અને મિહિર છૂટાછેડા લઈ રહ્યાં છે... દેવને આંચકો લાગી ગયો. રમ્યા અને મિહિર બંને એના કોલેજ સમયન…

Read Story
પ્રેમ કથા • 1 min read

લવ યુ જાન !

કોલેજમાં નવા દાખલ થયેલાં વિદ્યાર્થીઓનો એમ.બી.એમાં જોડાયાનો એ પહેલો દિવસ હતો. એ બધામાં સૌથી અલગ તરી આવતો- એ હતો, આપણો રોહિત. સફેદ કલરનો શર્ટ અને કાળુ …

Read Story