Home About Books Stories Articles Gallery Contact
Short Fiction • 15 Min Read

હું તને પ્રેમ કરું છું

Niyati Kapadia
  હું તને પ્રેમ કરું છું

હું તને પ્રેમ કરું છું

દેવ આજે સવારે જ આવેલો રમ્યાનો મેસેજ જોઈને ચમક્યો હતો. એ અને મિહિર છૂટાછેડા લઈ રહ્યાં છે... દેવને આંચકો લાગી ગયો. રમ્યા અને મિહિર બંને એના કોલેજ સમયના ખાસ મિત્રો હતા. એ એક ઘડીમાં વરસો પાછળ, એમના જૂના સમયમાં પહોંચી ગયો...

એ લોકો કોલેજમાં હતા ત્યારે મિહિરને આખી કોલેજ “ગોલુ” ના હુલામણા નામે ઓળખતી. એ હતો જ એવો ગોળમટોળ. સ્વભાવે ગરમ તવા જેવો, વાતે વાતે “એની માને...” કહીને મારવા દોડી જતો પણ દિલનો નરમ ઘેંશ જેવો. હોસ્ટેલનો પહેલો જ દિવસ એને યાદ આવી ગયો...

એ દિવસેે સિનિયર છોકરાઓએ રાત્રે જોઈને આવેલા એક નાટક પરથી પ્રેરણા લઈને ગોલુને કોઈપણ શબ્દ આગળ ‘ઇ’ લગાડ્યા વગર દસ મિનિટ બોલવાની ચેલેન્જ આપેલી. ગોલુને તો આ સાવ સામાન્ય વાત લાગેલી અને એણે ચેલેન્જ સ્વીકારી લીધેલી.

કોઈએ એને બાજુના રૂમવાળા પાસેથી ‘ઈસ્ત્રી’ લઈ આવવાનું કહેલું. ગોલુ આમેય થોડો મંદબુદ્ધિનો, બાજુવાળાના રૂમમાં જઈને કહે,
“એ... સ્ત્રી આપને, મને તારી સ્ત્રી જોઈએ હે. હમણાં થોડી વારમાં પાછી આપી જવા. આમતો હું કોઈ બીજાની સ્ત્રી ના માગતે પણ પેલા સિનિયર પોયરાએ કીધું હે કે બાજુવાળા પાહેથી લઈ આવ.”
બાજુવાળાએ પણ આની કોમન સેન્સનું લેવલ જોઈ પૂછેલું, “લઈ જઈને વાપરવાનો કે એમનેમ પાછી આપી દઈશ?”

આ મૂરખ પાછો એકદમ ભોળાભંડારીની જેમ કહે, “મને કાય ખબર ની મલે, સિનિયર બોલે તો વાપરવી પડહે, ની તો એમનેમ પાછી આપી જવા. ટુ ચિંતા હુ કરતો મેં તારી સ્ત્રીનું બરોબર ધ્યાન રાખીશ!”

આખી હોસ્ટેલમાં હસી હસીને બધાના પેટ દુઃખી ગયેલા. જ્યારે દેવે એને સમજાવ્યું કે એ શું બોલી રહ્યો છે...એનું એને કંઈ ભાન છે કે નઈ? એણે ગોલુને ઈસ્ત્રી અને સ્ત્રીનો ફરક સમજાવ્યો ત્યારે એ ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલો. એ બધાને મારવા દોડેલો તે માંડ માંડ સમજાવીને પાછો વાળેલો. એ વાતને વરસ વીત્યું ત્યાં હવે આ જ ગોલુને પ્રેમ થઈ ગયેલો!

રમ્યા એમના કોલેજની બ્યુટીક્વીન અને ગોલુનું દિલ એની પર આવી ગયેલું. બધા ગોલુની મજાક ઉડાવતા. એ સમયે પછી દેવ જ બંનેનું ગોઠવી આપવા આગળ આવ્યો હતો.

“અબે ટોપા... તને જો એ એટલી જ ગમતી હોય તો જા.. જઈને કહી દે એને.” દેવ ગોલુને સમજાવતો.

“ચૂપ કરની સાલા...હાંભળવાનો થયો હે કે હુ?” ગોલુનું મગજ ના ચાલે ત્યાં હાથ ઉઠી જતો, એ મુક્કો મારતો હોય એમ હાથ વિંઝીને કહેતો “એમ કોઈ બી છોકરીની હામ્મે જઈને ‘આઇ લવ યુ’ કે’વાનું તારા બાપાના ખાવાના ખેલ થોડા હે? તારામાં જો એટલી હોશિયારી કૂદકા ભરતી હોય ટો જાની, ટુ જાતે જઈને ભસી મર મારા હારા ડાઘિયા!”

“આ શું, સાવ ગાંડા જેવી વાત કરે છે?" દેવ એને કહેતો ને પછી કંઈક રસ્તો કરવા વિચારતો. આખરે એણે જ એકવાર બંનેને ભેગા કર્યા. ગોલુને બરોબર સમજાવેલું કે આજ છેલ્લો ચાન્સ છે એમ માનીને પ્રપોઝ કરી જ દેજે. દેવને મનથી એમ કે પેલી આ નંગને ‘ના’ જ કહેવાની છે...ત્યારે છો’ને પેલાની દિલની વાત દિલમાં રહી જાય એના કરતા કહી દેતો!

રમ્યાને કોલેજના ગાર્ડનમાં ઊભી રાખીને દેવ ગોલુને બોલાવી લાવેલો, ગોલુ ત્રણ જણા એને બળજબરીથી પકડી ખેંચી લાવ્યા ત્યારે માંડ માંડ ત્યાં પહોંચો હતો. એનું દિલ જોર જોરથી ધક ધક કરતું હતું. એના પોતાના ધબકાર એ પોતે સાંભળી શકતો હતો. એના અવાજ સાથે એનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. એ વાત કરવા બિલકુલ તૈયાર ન હતો. દિલની વાત દિલમાં જ રહી જાય એ વાત એને મંજૂર હતી પણ ગમતી છોકરી આગળ એને ઇજ્જતના ફાલુદા નહોતા કરવા.

“લે હવે આવી મોટી ટોપ, આવડી એક છોકરીથી ડરી ગયો? સાલા તારા જેવા ડરપોક લોકોએ કદી પ્રેમ બ્રેમ કરાય જ નહીં. હાલો, હાલો ભીડુ લોગ આ કાયરથી કંઈ નહીં થાય. આપણે ખોટો જ સૌનો ટાઇમ બરબાદ કર્યો. રમ્યાને કહી દે લ્યા કે આ હાથીની રાહ ન જુએ...એનામાં પ્રેમની કબૂલાત કરવાનું પાણી જ નથી.” દેવે એને ઉશ્કેરવા જ કહેલું.

“જાને બે...કોનામાં પાણી નથી? હું જો ધારું તો મારા પાણીમાં આખી તાપી ડુબોડી દઉં. ટુ મને સમજેશ હું હારા, તારી...મા...ને! જોઈ લે ડોફા હું કોઈથી બિ'તો નઈ." એ સીધો જઈને રમ્યા આગળ ઊભો રહી ગયો અને પેલીને ખખડાવતો હોય એમ બોલેલો, “હું... હું તને પ્રેમ કરું છું, બકા! ટુ પણ મને પ્રેમ કર'ટી કે ની? જો જેબી હોય એ હાલ જ ચોખ્ખેચોખ્ખું બોલી દે જે. હું ૧૦૨ કિલોનો, પાંચ ફૂટ અગિયાર ઇંચ ઊંચો, રંગે ગોરો, આકર્ષક પુરુષ છું. હાલ હું હજી ભણતો છું ભવિષ્યમાં ગમે તે કરું પણ ટને મજજામાં રાખવાનો. હવે બોલ ટુ મારી જોડે પૈનવાની કે ની?”

પાતળી, નાજુક વેલ જેવી રમ્યા તો આનો બુલંદ અવાજ સાંભળીને જ હક્કી બક્કી રહી ગયેલી. દેવને થયું કે આ બળદિયો સાવ જંગલી છે. છોકરી સાથે વાત કરતા પણ સાલાને નથી આવડતું...પેલી એનું સેંડલ કાઢે અને આ બાઘો એને સામે ધીબેડી નાખે એ બીકે એ પાછો બંનેની વચ્ચે આવી ગયેલો અને રમ્યા સામે હસીને, અવળા ફરી ગોલુ સામે ડોળા કાઢીને કહેલું,

“ગોલુ... તને પંડ્યા સાહેબ યાદ કરે છે, ચાલ...”

“મરવા દેની પંડ્યાને, મેં એની...માને...એને હાલ જ હુ કામ આવી પડ્યું? અહીં હું આને પ્રપોઝ કરી રહ્યો છું, ટુ જો'તો ની? સાલ્લા, પેલ્લા તમે લોકો જ મને જાડિયાને પરાણે ઉઠાવીને અહીં લઈ આવ્યા, મારો પાનો ચડાવ્યો અને હવે હુ પૂરા જોશમાં આવી ગ્યો ત્યારે મારા મગજની પત્તર ની ખાંડ...પેલ્લા મને આ પતાવા દે!"

ગોલુએ એના લોખંડી પંજાથી દેવને પકડી એક બાજુ કર્યો અને રમ્યાની નજીક આવી કહે, “જો બકા, હું તને અવ્વલ દરજ્જાનો પ્રેમ કરું છું. તું બી મને પ્રેમ કરતી કે ની?”

સવાલ પૂછીને જવાબની રાહમાં એ રમ્યા સામે જોતો ઊભો રહ્યો. રમ્યા હજી સમજી નહોતી શકતી કે આ બધું ચાલી શું રહ્યું છે. એ થોડીક સ્વસ્થ થવા મથી રહી હતી...

“અરે બોલ ને? જવાબ દે. મોંમા હુ મગ ભર્યા છે? અરે દેવ જો ની, આ કંઈ બોલતી કેમ ની? પેલી સંધ્યા જોડે ટો આખો દી બક બક કરે જાય તે મારી હારે ટને હું વાંધો પડી ગ્યો? હું ટને જરા બી પસંદ નથી?”

દેવ એનામાં હતી એટલી બધી તાકાત એકઠી કરીને માંડ એ આખલાને શાંત કરીને ત્યાંથી ખેંચીને લઈ ગયેલો. એ આખો દિવસ ગોલુ ઉદાસ રહેલો. કંઈક નું કંઈક વિચારતો અને બબડતો રહેલો. જ્યારે જ્યારે એના ગુસ્સાનો પારો ઉપર ચડી જતો એ દેવને એક મુક્કો વાંસામાં કે ખભા ઉપર જડી દેતો સાથે સાથે “તારી મા...ની...” એ તો ચાલુ જ હતું.

દેવ સહિત આખી હોસ્ટેલમાં બધાને એમ જ હતું કે રમ્યા કદી આને ‘હા’ નહીં કહે. પણ, બધાના સુખદ આશ્ચર્ય વચ્ચે એ રાત્રે રમ્યાએ દેવને ફોન કરીને આ સાંઢને ‘હા’ કહી હતી. એનો નિખાલસ સ્વભાવ રમ્યાને ગમી ગયેલો. એની બસ એક જ શરત હતી, ગોલુ ગોળમટોળ તરબુજ જેવો નહિ પણ કાકડી જેવો દેખાવો જોઈએ...!

દેવે કંઈક આઘાત અને કંઈક આશ્ચર્યથી રમ્યાએ એને ફોન પર કે કહ્યું હતું એ ગોલુને જણાવેલું અને પછી મિત્ર તરીકે સલાહ આપી, “જો ભાઈ, ભૂલીજા આ રમ્યાને. એ તને આવી આકરી શરત એટલે જ આપી રહી છે કે તું એને પૂરી જ ના કરી શકે. એને ના જ પાડવી હોય તો સીધી રીતે ના કહી દે...આવી હાથીને બકરી બની જવાની શરત શા માટે?”

દેવે ઘણું સમજાવ્યું પણ, ગોલુ ના માન્યો. એણે કહ્યું કે એ પાતળો કાકડી તો શું સરગવાની સિંગ જેવો થઈને દેખાડશે. એણે એ જ દિવસથી ખાવા પર કંટ્રોલ કર્યો અને સવાર સાંજ દોડવા જવાનું ચાલુ કરી દીધું. દેવને એમ કે થોડા સમયમાં એનો જુસ્સો ઉતરી જશે પણ, એવું ના થયું. બે મહિનામાં જ એ ઘણો પાતળો થયો. બીજા ત્રણ મહિના ચુસ્ત ડાયેટિંગ અને કસરત બાદ તો એ સાચે જ કાકડી જેવો અને પાછળથી સરગવાના સોટા જેવો થઈ ગયો...
પછી શું?

અરે પછીથી એ બંનેના એટલે કે ગોલુ અને રમ્યાના લગ્ન થઈ ગયા. બધા મિત્રોને અલગ અલગ શહેરમાં વસવાનું થયું. ગોલુ અને રમ્યાને એક દિકરો અને દિકરી આવ્યા. બંને ખુશ હતા. તો પછી આ છૂટાછેડાનું કારણ?

દેવ પાછો વર્તમાનમાં આવી ગયો. એ બંનેને મળવા એણે ઑફિસમાં રજા મુકીને નીકળી ગયો. એ સીધો એમના ઘરે પહોંચ્યો. દેવ આવે છે એ જાણીને ગોલુ પણ જલદી ઘરે આવી ગયો હતો. દેવ એને જોતા જ હેબતાઈ ગયો.

ગોલુ અત્યારે પાછો કોલેજના પહેલા દિવસે મળ્યો ત્યારે જેવો હતો એવો જ થઈ ગયો હતો, એ ૧૧૦ કિલો કે એનાથી પણ વધારે વજનવાળો લાગતો હતો. પહેલા કરતાંય વધારે જાડો! દેવ એને આઘાતથી જોઈ રહ્યો પછી કહ્યું, “અરે તારું વજન પાછું કેમનું વધી ગયું?"

“અબે તારી...માની! પેલા ગળે મળને હારા...આટલા વરહે હવે હું ટને યાદ આવ્યો હે? ખચ્ચર, ટુ મને ભૂલી ગ્યો ટો? ચાલની જમવા આવી જા પેલ્લા પછી જો મેં તારી કેવી ખાતીરદારી કરું.”

“હા...જમવા આવી જાઓ પેલ્લા. ખાવા સિવાય દુનિયામાં મોજ કરવા જેવું બીજું કંઈ નથી.” રમ્યા દાઢમાં બોલી.

“જો ટુ આની હામે ચાલું ની પડી જતી... ટને પેલ્લા જ કઈ દેવા પછી મારી ખોપડી હટી જવા.”

“અરે યાર શાંતિ રાખ." દેવને થોડી ગભરામણ થઈ ગઈ. એણે ગોલુનો ગુસ્સો જોયેલો હતો પણ એ કોલેજ હતી. હવે બે છોકરાનો બાપ બન્યા પછી એ એની પત્ની સાથે ઝગડે એ યોગ્ય ન હતું.

“ખોપડી હટી જવા તો શું હે, પાડા..? આ તારા દોસ્તારને તો ખબર છે ને મેં કહેલું મને તરબુજ નહિ કાકડી જેવો પાતળો વર ગમે ત્યારે તો કેવો માની ગયેલો. ત્રણ જ મહિનામાં વજન ઘટાડી દીધેલું અને અત્યારે જો. મદનિયામાંથી હાથી થઈ ગયો છે. સોફાની સિંગલ ચેરમાં બેસી પણ નથી શકતો. બસમાંય એના એકલા માટે ડબલની સીટ જોઈએ.” રમ્યા ઊંચા અવાજે બોલી રહી. દેવને પરસેવો વળી ગયો.

“એટલે તારું કેવા'નું એમ કે માણસ આખો દી બસ ગધેડાની જેમ કામ જ કરતો રે...પેટ ભરીને સાલો ખાય પણ ની... ટો પછી આટલું બધું કમાઈને હુ કરવાનું? રૂપિયાનો ઢગલો કરી એની પર દેવતા મેલવાનો...” એણે દેવ સામે જોઇને કહ્યું, “જો યાર, હું દારૂ નથી પીતો, સિગારેટને તો હાથ બી ની લગાડું, રોજ સાંજે ઑફિસેથી સિધ્ધો ઘરે આવી જવા. એ કે'ટો હુ ગમે એટલો થાકેલો હોઉં તો’બી એને ફરવા લઈ જવા, એને આઇસ્ક્રીમ ઠુંસવાનું મન થાય ટો હું અડધી રાતેય જઈને લઈ આવું, પછી તું જ કે, હારા...આનાથી વધારે બીજું ટો માણસ બીજું હુ કરે?”

“ખાવાનું ઓછું કર, દોડવાનું ચાલુ કર, જીમ જોઈન કર અને જો એટલું ના કરી શકે એમ હોય તો છૂટાછેડા આપી દે.” છેલ્લું વાક્ય બોલતા રમ્યા થોડી ઢીલી થઇ ગઇ.

“જોયુને ટે? હુ કાય વધારે બોલ્યો? આજ રોજ આમ જ મારી હારે ઝગડો કરટી છે..સાલા આ બધું તારા લીધે જ થયું... ટે મને રોક્યો કેમ ની? ખચ્ચર, તેં ટો ઊલટાનો મને ઉશ્કેર્યો હતો... પરાણે મારી પાહે એને પ્રપોઝ કરાવેલું...અને પોતે હજી કુંવારો મર્યો છે, તારી માની.. !” ગોલુએ ટેબલ પર મુક્કો માર્યો.

રમ્યા અંદર ગઈ અને એક ફાઈલ લઈ આવી. એણે ટેબલ પર ફાઈલ મૂકી કહ્યું, “આ જાડિયાંના રિપોર્ટ છે. એનું લીવર સરખું કામ નથી કરતું. ડોક્ટરે કહ્યું છે કે વજન ઘટાડો નહીં તો ગમ્મે તે થઈ શકે. હું આને સમજાવી સમજાવીને થાકી. એના દેખાવ કે રૂપ રંગથી હવે મને ફરક નથી પડતો પણ એની હાજરીથી ફરક પડે છે. હું એના વગર નહી રહી શકું. એને કંઈ થઈ જાય તો હું આ બે બાળકો સાથે એકલી નહિ જીવી શકું. એને જો એની મરજી મુજબ જ કરવું હોય તો ઠીક છે હું અત્યારથી જ એના વગર જીવવાની ટેવ પાડી દઉં. એનેય ખબર પડે એના વગરની અમારી જિંદગી કેવી હશે.” રમ્યા રડી પડી.

“એ...ગાંડી, આવું બધું પેલા ટો ટે મને કોઈ'દી ની કીધેલું." ગોલુ ઊંચા અવાજે પણ સહેજ નરમાશથી બોલી રહ્યો. દેવને પોતાના આ નાસમજ મિત્ર ઉપર ગુસ્સો અને દયા બંને આવી રહ્યા.
“તે તારી સમજમાં કંઈ ના આવે. ડફોળ, બધું હું કઉં તો જ ખબર પડે.” રમ્યાય ઊંચા અવાજે બોલી પડી.

દેવને થયું કે એણે વચ્ચે બોલવું જોઈએ પણ એજ વખતે એની નજર ગોલુ પર ગઈ. એ અંદર અંદર હસતો હોય, શરમાતો હોય એવું લાગ્યું, દેવને હાશ થઈ... એણે ગોલુને આમ જ હસતો, શરમાતો જોયો હતો જ્યારે એણે રમ્યાને પ્રપોઝ કરેલી...
“એય...હું તને પ્રેમ કરું છું બકા. તું પણ મને એટલો જ, મારાથીય વધારે પ્રેમ કરે છે. પણ, ટો પછી ટુ બોલતી હું કામ ની? આટલું ઝગડી એના કરતા સિધ્ધે સીધું કહી દેવામાં તારા બાપનું હુ કાય જતું રે'ટુ ટુ? મારે પતલું જ થવાનું છે ને, થઈ જઈશ. એકદમ કાકડી જેવો... સરગવાની સિંગ જેવો...અરે એમાં હુ મોટી ધાડ મારવાની હે...“

“જો છે ને સાવ..." રમ્યાના હસી પડી એના ગાલ પર લોહી ધસી આવ્યું, અને એ લાલ થઈ ગયા. એની આંખો ખુશીથી વરસી પડી...

“ચાલ ટોપા, તમારા ચક્કરમાં હું સવારનો ભૂખ્યો છું. કંઈ ખાવાબાવા આપવાનું છે કે આમ વાતોથી જ પેટ ભરાવશો...” દેવ હસતા હસતા બોલ્યો, પછી રમ્યા સામે જોઈ કહે, “મારો એક દોસ્ત છે, વકીલ છે, કે'તા હો તો તમને એનો નંબર આપતો જાઉં ભાભી, સસ્તામાં છૂટાછેડા અપાવી દેશે!”

“ટણપા...તું આજે મારા હાથનો માર ખાવા જ આવ્યો લાગે હે...તારી માની...” ગોલુએ એક મુક્કો લગાવ્યો દેવાના વાંસામાં...
© નિયતી કાપડિયા ‘નિર્ઝર’

10/11/2017

Thank you for reading this story. Share your thoughts or explore more works below.

Read more on Author Website Back to Stories

More Stories

પ્રેમ કથા • 1 min read

લવ યુ જાન !

કોલેજમાં નવા દાખલ થયેલાં વિદ્યાર્થીઓનો એમ.બી.એમાં જોડાયાનો એ પહેલો દિવસ હતો. એ બધામાં સૌથી અલગ તરી આવતો- એ હતો, આપણો રોહિત. સફેદ કલરનો શર્ટ અને કાળુ …

Read Story
સામાજિક કથા • 1 min read

વિસ્મૃતિ

આલોક આજે ખુશ હતો. છેલ્લા કેટલાય દિવસોની દોડધામ બાદ આજે એને એ કોન્ટ્રાક્ટ મળી ગયેલો. એને એમ કે ઘરે વહેલો પહોંચી આજે એ ફેમિલી સાથે ડિનર કરવા કોઈ સારી હ…

Read Story