વિસ્મૃતિ
આલોક આજે ખુશ હતો. છેલ્લા કેટલાય દિવસોની દોડધામ બાદ આજે એને એ કોન્ટ્રાક્ટ મળી ગયેલો. એને એમ કે ઘરે વહેલો પહોંચી આજે એ ફેમિલી સાથે ડિનર કરવા કોઈ સારી હોટલમાં જશે.
આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે થઈને છેલ્લા કેટલાય મહિનાઓથી એની પાસે સમય જ નહતો બચતો. ઘર, પરિવાર, પત્ની, બાળકો... આ બધુ જાણે ક્યાંક દૂર રહી ગયું હતું, પણ હવે એમ નહીં થાય. પોતે કામમાંથી એક મોટો બ્રેક લેશે અને આ વેકેશનમાં પરિવાર સાથે ફોરેન ટ્રીપ મારી આવશે...
હવાને ચીરતી એની ઔડી ક્યૂ સેવન આગળ વધી રહી હતી ત્યાં અચાનક જ રસ્તાની વચોવચ આવી ગયેલી એક માણસ આકૃતિને જોઈને આલોકના હાથોમાં પરસેવો વળી ગયો. એક જ ક્ષણે એની નજર સામે જેલના સળિયા આવી ગયા અને બીજી જ ક્ષણે એનો પગ બ્રેક પર દબાયો હતો. જરાય ફગ્યા વગર એની ગાડી રસ્તાની સહેજ બાજુમાં ઊભી રહી ગયેલી, એક પળ માટે એને પોતાની મોંઘી ગાડી માટે માનની લાગણી થઈ આવી!
રોડની વચ્ચે ઉભેલા એ માણસે તરત જ ગાડી પાસે આવીને લિફ્ટ માંગી હતી, ગાડીવાળાએ ફરજિયાત ઊભા જ રહેવું પડે એટલે એણે આ રસ્તો અપનાવેલો, રસ્તાની વચ્ચે આવીને ઊભા રહી જવાનો!
"આ શું હરકત છે? મરવા માટે અહીં ઊભો છું?" આલોકે સખત ચિઢ ભર્યા અવાજે કહ્યું ના કહ્યું અને એની નજર એ માણસ ઉપર જ સ્થિર થઈ ગઈ. લાંબી જટાવાળો, ભગવાધારી એ કોઈ સાધુ જેવો દેખાતો હતો. એની મોટી, સહેજ લાલાશ ભરેલી આંખોમાં ચુંબકીય શક્તિ હતી. આલોક એની સામે જ જોઈ રહ્યો અને પોતાનો ગુસ્સો ભૂલી ગયો.
"મારે આગળની ચોકડી સુધી જવું છે, ઉતાવળ છે એટલે નહીંતર તમને હેરાન ના કરત."
આટલું કહીને એ ભભૂત ચોળેલો બાવો ગાડીનો દરવાજો ખોલીને આલોકની બાજુની સીટ પર આવીને બેસી ગયો. આલોકે ગાડી આગળ હંકારી. એની સમજમાં ના આવ્યું કે આ બાવો સેંટ્રલ લોક ખોલ્યા વગર ગાડીની અંદર કેવી રીતે આવી ગયો અને પોતે એને બેસાડયો જ કેમ? એના ગંદા કપડાં અને શરીર પર ચોળેલી રાખથી એની ગાડીની પ્યોર લેધરની સીટ ખરાબ થઈ જશે તો?
"અહિયાં ઊભી રાખી દો."
એ બાવાએ કહ્યું અને તરત જ ગાડી ઊભી રહી ગઈ. બ્રેક દબાવી હતી કે નહીં..? આલોક વિચારી રહ્યો અને ત્યારે જ એ બાવાએ ગાડીનો દરવાજો ખોલતા કહ્યું,
"આટલી બધી ઉતાવળ ક્યાં પહોંચવાની છે? ઘણું બધું તો પાછળ છૂટી ગયું!" એ સાધુ હસ્યો હતો, પ્રેમાળ, મમતાભર્યું અને પહેલીવાર આલોકને એ જરાક સારો લાગ્યો.
એ સાધુ તો સડસડાટ ચાલ્યો ગયેલો અને આલોકે પણ ગાડી મારી મૂકેલી. ઘરે આવીને ગાડી પાર્ક કર્યા બાદ એણે બાજુની સીટ પર એક નજર નાખી, સીટ પર ડાઘ પડ્યો હોય તો સાફ કરવો પડશે એનું મોટું ટેન્શન હતું. એની નવાઈ વચ્ચે સીટ બિલકુલ સાફ હતી, જાણે ત્યાં કોઈ બેઠું જ નહતું. એક ગડી વાળેલો કાગળ ત્યાં પડ્યો હતો. કદાચ કોઈ કામનું કાગળ ફાઈલમાંથી પડી ગયું હશે એમ માનીને એણે એ કાગળ ઉઠાવી કોટના પડખામાં ખોસ્યો અને એ ઘરમાં પ્રવેશ્યો. આજની આ સાંજ એ એના પરિવાર સાથે વિતાવવાનો હતો એ વિચારે એ પાછો ઉત્તેજિત થઈ ગયો.
"ખુશી...રેહાન... ક્યાં ગયા બચ્ચાઓ? મૌની..." એની બૂમનો જવાબ આપવા કામવાળી બાઈ આવી એ જોઈને એને નવાઈ લાગી,
"બાળકો તો મેડમ સાથે બહાર ગયા છે સર!” બાઈએ જવાબ આપ્યો.
"હા.. મૌનીએ કહ્યું હતું, એની બહેનપણીના છોકરાનો બર્થડે છે આજે, હું પોતે જ ભૂલી ગયો!" આલોકને એની પત્નીએ સવારે કહેલી વાત યાદ આવી ગઈ.
બાઈના ગયા પછી એણે કોટ કાઢીને ટીપોય પર ફેંક્યો, ટીવી ચાલું કર્યું અને બેઠકખંડમાં જ સોફા પર લંબાવ્યું. એક એક કરીને બધી ચેનલો બદલે નાખી... ક્યાંય જીવ ચોંટે એવું કશું મળ્યું નહીં! આલોકને થયું, એક વખત હતો જ્યારે પોતાને ટીવી વગર એક ઘડી પણ ચાલતું નહતું. એ હસ્યો હતો જરાક અને એની નજરે જમીન પર પડેલો એક કાગળ પડ્યો.
આલોકને યાદ આવ્યું, ગાડીની સીટ પરથી લીધેલો એ જ આ કાગળ હતો. એણે એ ઉઠાવીને હાથમાં લીધો અને ખોલીને જોયો. લાલ રંગની શાહીથી એમાં લખેલું હતું, "નીચે લખેલો મંત્ર ત્રણ વાર વાંચો અને તમારી સામે એક જીન આવશે જે તમારી મદદ કરશે."
આલોક હસી પડ્યો. એ સમજી ગયો કે આ કાગળ પેલા બાવાનો જ પડી ગયો લાગે છે. નાટક બધા. આ મંત્ર ત્રણવાર વાંચો અને જીન આવશે... આલોક ફરીથી હસી પડ્યો. એણે ડૂચોવાળીને કાગળ સોફા નીચે ફેંક્યો અને આઈ.પી.એલ. ચાલું કરી. આલોકની નજર ટીવી સામે હતી પણ મનમાં હજી પેલો બાવો જ ભમી રહ્યો હતો. ગાડીનો દરવાજો એની મેળે ખૂલી જવો, ગાડી આપોઆપ ઊભી રહી જવી, સીટ ગંદી ના થવી... એ બધું નવાઈ પમાડે એવું તો હતું જ, અચાનક જ એને એ બાવો ટીવીમાં દેખાયો... અને એ કહી રહ્યો,
"ઘણું બધું તો પાછળ છૂટી ગયું!" આલોક સફાળો બેઠો થઈ ગયો. ટીવીમાં કોહલી રમી રહ્યો હતો. એણે થોડું પાણી પીધું અને ફરી મગજમાં ઝબકારો થયો, "ઘણું બધું તો પાછળ છૂટી ગયું!”
“શું..? શું પાછળ છૂટી ગયું?" આલોક વિચારી રહ્યો અને એની નજર સામે એનો પહેલો પ્રેમ તરવરી રહ્યો. અનુરાધા... નામ લેતા જ દિલમાં ટાઢક થઈ ગઈ. એણે નીચે વળીને સોફા નીચે ફેંકાયેલો કાગળ બહાર કાઢ્યો, ડૂચો વળી ગયેલો એ કાગળ સરખો કર્યો અને ફરીથી એનું લખાણ વાંચ્યું. એને અખતરો કરવાનું મન થયું. થોડોક ડર પણ લાગ્યો પછી તરત થયું આ બધું તૂત છે, લોકોને છેતરીને પૈસા કમાવાના રસ્તા. કોઈ જીન આવવાનો નથી. એણે એકવાર મંત્ર વાંચ્યો, જોરથી પવન આવ્યો અને બારીનો પડદો ઉડયો, આલોક ધ્રુજી ઉઠ્યો અને પછી હસી પડ્યો. એણે ઝડપથી બીજી બે વખત એ મંત્ર વાંચ્યો. એનું હ્રદય જોર જોરથી ધડકી રહ્યું... કંઈ ના થયું! એ હસી પડ્યો અને કાગળને ફાડીને કચરાપેટીમાં પધરાવ્યો.
સોફામાં પડ્યો પડ્યો એ ટીવી જોઈ રહ્યો હતો કે અચાનક ટીવીની સ્ક્રીન ઉપર એને એક ચહેરો દેખાયો... મોટી મોટી ગોળમટોળ આંખો, લાંબી મૂછ, લલચટ્ટક હોઠ અને માથે એક નાનકડી ચોટલી... અરે બાપરે.. આતો જીન છે! આલોક એક પળમાં જ એને ઓળખી ગયો એની કલ્પનામાં જેવી જીનની આકૃતિ હતી આ સેમ ટુ સેમ એવો જ હતો. આલોકે પોતાના ગાલ ઉપર તમાચો માર્યો,
“તું હોશમાં જ છે.” એ જીન બોલ્યો અને એક કૂદકો મારીને ટીવીની બહાર આવી ગયો.
આલોક આખો ધ્રુજી ઉઠ્યો.
“મારાથી ડરવાનું કોઈ કારણ નથી. તે મને મદદ કરવા બોલાવ્યો છે, હું તારી મદદ કરીશ. હું તારા જીવનમાથી કોઈ એક વ્યક્તિની યાદને હંમેશા માટે હટાવી લઇશ. તું વિચાર કર, કોઈ એક વ્યક્તિ, જે તને ચેનથી જીવવા નથી દેતી હું તારી સ્મૃતિમાંથી એને હંમેશા માટે ભૂંસી નાખીશ.”
આલોક થોડો થોડો ભાનમાં આવી રહ્યો હતો. એને યાદ આવ્યું કે અનુરાધાની યાદ આવતા જ તો એણે આ જીનને બોલાવવાનું જોખમ લીધું હતું. પણ, અનુરાધાને એ મેળવવા માંગતો હતો, ભૂલવા નહીં! એને થયું કે એ અનુરાધાને ક્યારેય ભૂલ્યો જ નથી, કદાચ એટલે આજે પણ એની પત્નીને એ સાચો પ્રેમ નથી કરી શકતો. મનોમન તો એ દરેક રાતે અનુરાધા સાથે જ સહવાસ માણતો હોય છે,
“અનુરાધાને ભૂલી જવી છે?” જીને પુછ્યું એ સાંભળીને આલોક ચોંકયો, હોરીબલ! આ જીન એનું મન વાંચી શકતો હતો!
“અનુરાધાને હું ખરા દિલથી ચાહતો હતો. મેં મારી પત્ની તરીકે સદા એને જ ઝંખી હતી પણ એની સાથે લગ્ન ના કરી શક્યો,” આલોક બોલી રહ્યો હતો.
“લગ્ન ના કરી શક્યો નહીં, લગ્ન ના કર્યા. તારા બાપાએ તને ધમકી આપેલી કે જો એમની ઉપરવટ જઈને નાત બહાર લગ્ન કર્યા તો એ તને એમની મિલકતમાંથી એક કાણી પાઈ પણ નહીં આપે અને તું ગભરાઈ ગયેલો. ભવિષ્યની સુખદ કલ્પનામાં તે અનુરાધાને પડતી મૂકેલી. એને તો તું ત્યારે જ ભૂલી ગયેલો હવે એનામાં શું ભૂલવાનું છે?
આલોક હક્કોબક્કો રહી ગયો. એની સામે આ જે કોઈ વિચિત્ર પ્રાણી ઊભું હતું એ નકરી સચ્ચાઈ કહી રહ્યું હતું, પોતાની જાત સામે પણ કબૂલવાની હિંમત ના ચાલે એવી નગ્ન સચ્ચાઈ. આલોક સમજી ગયો અહીં કશું છુંપાવવાનો કોઈ અર્થ નહતો એ પોતાના વિષે બધું જ જાણે છે!
“વરસો પહેલા અમારે ત્યાં એક ક્લાર્ક કામ કરતો હતો. એક ફાઈલમાં મારી ભૂલ હતી છતાં મેં એ ભૂલ એના નામે ચઢાવી દીધેલી અને મારા પપ્પાએ એને નોકરીમથી તગેડી મૂકેલો. મને પાછળથી એ વાતનો જીવનભર અફસોસ રહ્યો મેં મારી ભૂલ કબૂલી લીધી હોત તો એ માણસની નોકરી ના જાત.” આલોકે શાંતિથી કહ્યું.
“એ વાતનો તને અફસોસ છે પણ તું વિચાર કર એ વાત યાદ રાખીને આજ સુધી તું ચીવટથી કામ કરતો આવ્યો છે. એ દિવસે કરેલી ભૂલ ફરીથી નથી કરી. એને ભૂલીને તને કોઈ ફાયદો નથી થવાનો. હું બસ એક જ વ્યક્તિને, એની યાદને તારા માનસપટ પરથી ભૂંસી નાખીશ... વિચાર કર કોઈ એક એવી વ્યક્તિ. કોઈ એક... જેની યાદ તને હચમચાવી જતી હોય.”
આલોક વિચારી રહ્યો. એવું કશું યાદ ના આવ્યું જે એને ખરેખર ભૂલાવી દેવું હોય. એ એક સામાન્ય માણસ હતો અને અત્યાર સુધી સામાન્ય જિંદગી જ જીવ્યો હતો, ભૂતકાળનો એક પ્રેમ પ્રસંગ જે ખરેખર પ્રેમ હતો કે કેમ એ પણ નક્કી નથી, કેટલીકવાર કરેલી બેઈમાની જે આજના જમાનામાં કોઈ નવાઈની વાત નથી, પત્ની સાથેના થોડાક ઝગડા,
“તું તો ઊંડા વિચારમાં ડૂબી ગયો! યાદ કર કશુંક પાછળ છૂટી ગયેલું જે ખરેખર છૂટયું જ નથી.”
જીને હસીને કહ્યું અને આલોકના માનસપટ પર એક છવી અંકિત થઈ. સીધી સાદી એક ગામડાની સ્ત્રી, એની મા...
જ્યારે એ નાનો હતો ત્યારે મા રોજ એને ખોળામાં બેસાડી ખવડાવતી. એને રોજ નવી નવી વાર્તાઓ કહેતી અને સારો, ઈમાનદાર માણસ બનવા પ્રેરણા આપતી. એ સમયે એની દુનિયા માથી શરૂ થતી અને મામાંજ પૂરી થતી. એ જેમ જેમ મોટો થતો ગયેલો એણે નોંધ્યું હતું કે એના પિતા એની માનો ક્યારેય આદર નહતા કરતાં. હંમેશા એને ગમાર કહીને ઉતારી પાડતા. પોતાને પણ એ હોંશિયાર બનવા અને માના પાલવમાંથી બહાર આવવાની સલાહ આપતા. તરુણાવસ્થામાં આવ્યો ત્યારે પોતે દ્વિધામાં હતો, છતાં મા પ્રેમાળ લાગતી. એની વાર્તાઓ સાંભળવાનો હવે સમય નહતો પણ એની લાગણી, એના આદર્શો સ્પર્શતા હતા. પોતે શહેરમાં આવી વસેલો, આગળ ભણવા અને કામનો અનુભવ લેવા એમાં એની મા સાથેની કડી તૂટી ગયેલી. પછી તો એના લગ્ન થઈ ગયેલા, શહેરમાં જ ઉછરેલી મૌની સાથે જેને ગામડું જરાય પસંદ નહતું. ધંધો પણ અહિયાં સારો ચાલતો હતો. બાપુજીના સ્વર્ગવાસ પછી પોતે માને અહીં આવી જવા થોડોક આગ્રહ કરેલો, એ આવી હતી રાજી થઈને પણ પોતાની પાસે એના માટે સમય જ ક્યાં હતો. એની બધી વાર્તાઓ હવે બકવાસ લાગતી હતી. સચ્ચાઈ, ઈમાનદારી વગેરે શબ્દો હતા માત્ર કોઈ જ અર્થ વગરના! અહીં તો રૂપિયો પરમો ધર્મ હતો.
એક બે વખત મૌનીએ મા સાથે ઝગડો કરેલો પોતે શું વાત હતી એ જાણ્યા વગર જ માને દબડાવી હતી, બાળપણથી એ એવું જ જોતો આવ્યો હતો. કંઈ પણ ના ધારેલું બને એની જવાબદાર માને જ ગણીને પિતાજી એને ધમકાવી કાઢતા, પોતે પણ એવું જ કર્યું. એનાથી દીકરાનું આ રૂપ કદાચ સહન ના થયું અને એ હંમેશ માટે ગામડે જતી રહી. પોતે વિચારેલું કે પછીથી ગામડે જઈને એની સાથે વાત કરશે, માને મનાવી લેશે પણ એ દિવસ ક્યારેય આવ્યો જ નહીં. ધંધામાં એ ડૂબતો ગયો અને માને ભૂલતો ગયો. પહેલા તો એની સાથે ફોન પર વાતો થતી, એ વાતોની વચ્ચેનો સમયગાળો લંબાતો ગયેલો, દિવસો બન્યા અઠવાડીયા અને અઠવાડીયા મહિના... છેલ્લે ક્યારે વાત કરેલી મા સાથે? હા એનો જ ફૉન આવેલો, મારા જનમ દિવસે એ વાતને પણ ત્રણ મહિના થઈ ગયા!
ઓહ ભગવાન હું આટલો સ્વાર્થી કેમનો બની ગયો. મારી મા માટે તો હું જ એના જીવનની આશા છું, પ્રેમ અને નકરા પ્રેમ સિવાય એણે મને કંઈ આપ્યું નથી, ક્યારેય કશું માંગ્યું નથી અને છતાં હું એને જ વિસરી ગયો!
“મારી પાસે વધારે સમય નથી. તું તારી માને ભૂલી જવા માંગે છે. કહી દઉં તથાસ્તુ?” જીને કહ્યું.
“ના... ના.. મારી માને હું ક્યારેય નથી ભૂલ્યો. હા કામકાજમાં વ્યસ્ત હતો એટલે એને મળવા ના જઈ શક્યો પણ એના માટેની મારી લાગણી જરાય ઓછી નથી થઈ.” આલોકની આંખોમાં આંસુ તગતગી ઉઠ્યા.
“એય.. હું તને અહીં યાદ અપાવવા નહીં પણ ભૂલવાડવા માટે આવ્યો છું, તારી મા મરી રહી છે અને હવે કદાચ થોડાક જ દિવસો એ કાઢશે. એના ગયા પછી તારા મનમાં સંતાપ રહે, એની સેવા ના કરી શક્યાનો વસવસો રહે એના કરતાં સારું છે તું એને ભૂલી જા! તારા બૈરી છોકરા સાથે ફોરેન જા અને મોજ કર, એ ડોશી રોજ ગામને મંદિરે મહાદેવને વિનંતી કરે છે કે એના દીકરાને અંતરની ખુશી મળે એ ખુશી તને કદાચ ફોરેનમાં મળી શકે,”
જીન એની ધૂનમાં બોલી રહ્યો હતો અને આલોકે ત્યારે ફૉન જોડી એની પત્ની સાથે વાત કરી,
“હલો.. મૌની બાળકોને લઈને ઘરે આવી જા આપણે આ વેકેશન ગામ જઈને પૂરું કરીશુ... હું કંઈ જ સાંભળવાના મૂડમાં નથી મને મારું ગામ, મરી બા સાંભરી છે બસ એટલામાં સમજી જા.. તું ઘરે આવ આપણે આજે રાત્રે જ નિકળીએ છીએ!” આલોક રડમસ સ્વરે કહી રહ્યો હતો અને મૌનીએ એની વાત માનવી જ પડી.
જીન હસીને અલોપ થઈ ગયો હતો. પેલો મંત્ર લખેલો કાગળ પણ અદ્રશ્ય થઈ ગયો હતો અહિં આલોક એનો સામાન પેક કરી રહ્યો હતો ત્યારે એના ગામના ઘરે એક સાધુ મહારાજ એની માને કહી રહ્યો હતો,
“આજ રાત જલદી સો જાઓ માઈ કલ સવેરે યે ખાલી ઘર તેરે બચ્ચોકી કિલકારીઓસે ભર જાયેંગા. વો આ રહા હે!”
નિયતી કાપડિયા '
06/08/2019
Thank you for reading this story. Share your thoughts or explore more works below.
Read more on Author Website ← Back to Stories